Surat Multi Level Parking Car Fire: સુરત શહેરના વ્યસ્ત રીંગરોડ વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના મલ્ટી લેવલ પાર્કિંગમાં સોમવારે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મિલેનિયમ માર્કેટ-1 પાછળ આવેલા પાર્કિંગ કમ્પાઉન્ડમાં લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડેલી એક જૂની કાર રહસ્યમય રીતે આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં કાર સંપૂર્ણપણે સળગી ખાખ થઈ ગઈ હતી. આગ લાગ્યા બાદ આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા ઉડતા દેખાતા આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પાર્કિંગ વિસ્તારમાં હાજર લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચ્યો ફાયર બ્રિગેડનો કાફલો
આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ આગ વધુ ફેલાય તે પહેલાં જ કામગીરી હાથ ધરી હતી અને સતત અડધા કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગની ઘટના દરમિયાન પાર્કિંગમાં અન્ય વાહનો પણ ઉભા હતા, પરંતુ ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે આગને અન્ય વાહનો સુધી ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચો: જળયાત્રા પછી 15 દિવસ ભગવાન જગન્નાથ કેમ રહે છે મોસાળમાં? : જાણો અણસર વિધિ અને સદીઓ જૂની પરંપરાનું રહસ્ય
કોઈ જાનહાનિ નહીં, તપાસ શરૂ
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના સામે આવી નથી. જોકે આગ લાગવાના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. પ્રાથમિક તપાસ મુજબ આગ લાંબા સમયથી પાર્કિંગમાં પડેલી જૂની કારમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગે આગ કયા સંજોગોમાં લાગી અને તેના પાછળ કોઈ ટેક્નિકલ ખામી કે અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગ લાગવાનું સાચું કારણ સામે આવશે.
સુરક્ષાને લઈને ઉઠ્યા પ્રશ્નો
શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં સર્જાયેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડેલા વાહનો અંગે નિયમિત ચકાસણી કરવામાં આવે છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પરિસ્થિતિ સામાન્ય હોવાનું ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.





