Home Gujarat Surat Surat Jewellery Factory Theft 30 Lakh Gold Diamond Cctv Viral

માત્ર 10 મિનિટની ગેરહાજરીમાં 30 લાખનો માલ સાફ : સુરતના જ્વેલરી કારખાનામાંથી સોનું-હીરા લઈને કારીગર ફરાર, CCTVમાં આખી ઘટના કેદ

Surat Jewellery Theft
Published by: Nirali Gohil
Last Updated: Jun 29, 2026, 06:46 AM IST

Surat Jewellery Theft CCTV: સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગના હૃદય સમાન મહીધરપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના ભવાનીવડ મેઈન રોડ પર આવેલા સાંધા જ્વેલ્સ નામના જ્વેલરી કારખાનામાં કામ કરતો એક બંગાળી કારીગર માત્ર 30 સેકન્ડમાં અંદાજે રૂ.30.42 લાખનું સોનું અને કિંમતી હીરા લઈને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવતા વેપારી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ચોરીની સમગ્ર ઘટના કારખાનામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં આરોપી કારીગર ઝડપથી લોકરમાંથી માલસામાન લઈ બહાર નીકળતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઘટનાને પગલે મહીધરપુરા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મેનેજર માત્ર 10 મિનિટ માટે ગયો, આરોપીએ ખેલ પાડી દીધો

મળતી માહિતી મુજબ, પીપલોદ વિસ્તારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વેપારી પ્રદીપકુમાર ચંદ્રનાથ માઇતી મહીધરપુરા વિસ્તારમાં સોના અને હીરાના દાગીનાનું કારખાનું ચલાવે છે. કારખાનામાં સંજીબ સાધ્ય ઉર્ફે બપન નામનો કારીગર કામ કરતો હતો, જે મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

16 જૂનની રાત્રે કારખાનાના મેનેજર સુદીપકુમાર દાસ કારખાનામાંથી નીકળી ગયા બાદ કારીગરે દાગીના પોતાના લોકરમાં મૂકી દીધા હતા. બીજા દિવસે સવારે મેનેજરે સંજીબને લોકરમાંથી દાગીના કાઢીને કામ શરૂ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન મેનેજર કોઈ કામસર ઉપરના માળે ગયા હતા અને તેમની માત્ર 10 મિનિટની ગેરહાજરી દરમિયાન આરોપીએ આખો ખેલ પાડી દીધો હતો. મેનેજર પાછા ફર્યા ત્યારે કારીગર સંજીબ ગાયબ હતો. લોકર અને ટેબલની તપાસ કરતા કિંમતી સોનું અને હીરા પણ ગાયબ હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં મલ્ટી લેવલ પાર્કિંગમાં ભીષણ આગ : બિનવારસી કાર સળગીને ખાખ થઈ; સળગતી કાર જોઈ લોકો દોડ્યા બહાર

રૂ.30.42 લાખના સોના અને હીરા પર હાથ સાફ

વેપારી દ્વારા હિસાબ ચકાસતા જાણવા મળ્યું હતું કે આરોપી કુલ 111.565 ગ્રામ સોનું અને 62.38 કેરેટના કિંમતી હીરા લઈને ફરાર થયો છે. ચોરાયેલા મુદ્દામાલમાં જીઆઈએ (GIA) પ્રમાણિત હીરા ઉપરાંત કિંમતી બ્રેસલેટ અને બંગડીઓનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક અંદાજ મુજબ, ચોરાયેલા સોનાની કિંમત આશરે રૂ.11.65 લાખ છે, જ્યારે હીરાની કિંમત રૂ.18.76 લાખ જેટલી હોવાનું સામે આવ્યું છે. આમ કુલ મળીને રૂ.30,42,016નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું વેપારી દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

CCTVમાં કેદ થઈ 30 સેકન્ડની ચોરી

ચોરીની આશંકા બાદ વેપારીએ કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજમાં આરોપી સંજીબ સાધ્ય ખૂબ જ ઓછા સમયમાં માલસામાન લઈને કારખાનામાંથી બહાર નીકળતો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. વેપારીએ જણાવ્યું હતું કે, સંજીબ અગાઉ પણ તેમના કારખાનામાં લગભગ પાંચ વર્ષ સુધી કામ કરી ચૂક્યો હતો. પોતાના વતનનો અને જૂનો ઓળખીતો હોવાને કારણે તેના પર વિશ્વાસ રાખીને જ 2 જૂનના રોજ તેને ફરીથી માસિક રૂ.25 હજારના પગારે નોકરી પર રાખવામાં આવ્યો હતો. જોકે એ જ વિશ્વાસ વેપારીને ભારે પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: હોલીવુડથી જામનગર સુધી ભક્તિનો રંગ! : 'Fast & Furious'ના સ્ટાર ટાયરીસ ગિબ્સન વનતારામાં શિવભક્તિના રંગમાં રંગાયા


આરોપીની શોધમાં પોલીસની ટીમો સક્રિય

ઘટના બાદ વેપારીએ પોતાના સ્તરે અને પશ્ચિમ બંગાળમાં પણ આરોપીની શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સફળતા ન મળતાં આખરે મહીધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો સક્રિય બની છે. કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રમેશભાઈ વસાવા કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now