સુરત: નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવાને ફટકારાયેલી સજાના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધના વિસ્તારમાં યોજાયેલી આ પદયાત્રામાં પક્ષના હોદ્દેદારો, મહિલા આગેવાનો, યુવા કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત ઉધના-નગરનેર સ્થિત હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના પાઠથી કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યકરોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પદયાત્રા શરૂ કરી હતી. આયોજકોએ મોટી સંખ્યામાં લોકોને જોડાવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરની કિસાન મહાપંચાયતમાં ઈસુદાન ગઢવીનું મોટું એલાન : 5 જુલાઈએ ગાંધીનગરમાં સામૂહિક ઉપવાસ
એડવોકેટ વિલાસ પાટીલનું નિવેદન
ગુજરાત આમ આદમી પાર્ટીના લીગલ સેલના વાઇસ પ્રેસિડેન્ટ અને ઉધના વિધાનસભાના એડવોકેટ વિલાસ પાટીલે જણાવ્યું કે ચૈતર વસાવા લોકોના પ્રશ્નો ઉઠાવતા લોકપ્રિય જનપ્રતિનિધિ છે. તેમણે દાવો કર્યો કે ચૈતર વસાવા સામે નોંધાયેલો કેસ રાજકીય પ્રેરિત છે અને તેમની સામે ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી છે.
વિલાસ પાટીલે વધુમાં જણાવ્યું કે ચૈતર વસાવાને ફટકારાયેલી સજાને પડકારતી અપીલ હાઈકોર્ટમાં કરવામાં આવી છે અને કાનૂની લડત ચાલુ રહેશે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી લોકશાહી અને કાયદાકીય માર્ગે પોતાનો વિરોધ વ્યક્ત કરતી રહેશે.
હાર્દિક પટેલ મુદ્દે પણ નિવેદન
પત્રકારોના પ્રશ્નના જવાબમાં વિલાસ પાટીલે હાર્દિક પટેલના કેસનો ઉલ્લેખ કરતાં સરકારની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે અલગ-અલગ રાજકીય નેતાઓના કેસોમાં સરકારનો અભિગમ અલગ રહ્યો છે. આ તેમના રાજકીય અભિપ્રાય છે.
આ પણ વાંચો: જેતપર ખેડૂત આંદોલનને રાજ્યભરનો ટેકો : અમદાવાદ-જામનગરથી ખેડૂતોના કાફલા પહોંચ્યા
શાંતિપૂર્ણ આંદોલન ચાલુ રહેશે
વિલાસ પાટીલે જણાવ્યું કે હાલનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે અને પક્ષના આગામી કાર્યક્રમો અંગેનો નિર્ણય પક્ષના નેતૃત્વના માર્ગદર્શન મુજબ લેવામાં આવશે.





