મોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને હવે રાજ્યભરમાંથી સમર્થન મળવા લાગ્યું છે. ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને શરૂ થયેલા આંદોલનમાં હવે અમદાવાદ અને જામનગર સહિતના જિલ્લાઓના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતોના કાફલા જેતપર પહોંચતા આંદોલન વધુ વ્યાપક બનતું જોવા મળી રહ્યું છે.
ખેડૂતોનું કહેવું છે કે આ લડત માત્ર જેતપર કે મોરબી પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યના ખેડૂતોના હિત સાથે જોડાયેલો મુદ્દો છે. તેથી અલગ-અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો એકતા દર્શાવવા અને પોતાના ખેડૂત ભાઈઓને સમર્થન આપવા માટે જેતપર પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ : 83.49 લાખ બાળકોને પીવડાવાશે પોલિયોના ટીપાં
અમદાવાદથી ખેડૂતો રવાના
અમદાવાદ જિલ્લાના ખેડૂતો પણ આંદોલનના સમર્થનમાં આગળ આવ્યા છે. માહિતી મુજબ અમદાવાદના શાંતિપુરા ચોકડીથી મોટી સંખ્યામાં ખેડૂતો જેતપર ગામ જવા માટે રવાના થયા હતા. ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સૌએ એક થઈને અવાજ ઉઠાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોની માંગણીઓનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલનને સમર્થન ચાલુ રહેશે અને જરૂર પડશે તો આગામી દિવસોમાં વધુ ખેડૂતો પણ જોડાશે.
જામનગરથી 50થી વધુ કારનો કાફલો
બીજી તરફ જામનગર જિલ્લાના 15થી વધુ ગામોના ખેડૂતો પણ જેતપર આંદોલનના સમર્થનમાં આગળ આવ્યા છે. માહિતી મુજબ 50થી વધુ કારનો કાફલો જામનગરથી જેતપર તરફ રવાના થયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો એકસાથે પહોંચતા આંદોલનને વધુ બળ મળ્યું છે. જામનગરના ખેડૂતોનું કહેવું છે કે તેમના જિલ્લામાં પણ ખાનગી કંપનીઓની હાઈટેન્શન વીજ લાઈનોના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. તેથી તેઓ મોરબીના ખેડૂતો સાથે એકતા દર્શાવી રહ્યા છે.
ખેડૂત આગેવાનનો પ્રતિભાવ
આ સમગ્ર મામલે ખેડૂત વિપુલ બોરસદિયાએ જણાવ્યું કે ખેડૂતોના હિતોની રક્ષા માટે રાજ્યભરના ખેડૂતો એક મંચ પર આવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ ખેડૂતોના પ્રશ્નો કોઈ એક વિસ્તાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોને અસર કરતા મુદ્દાઓ છે.
તેમણે કહ્યું કે ખેડૂતોની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો જોડાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: સુરતમાં જ્વેલર્સની દુકાનમાં રૂ. 30 લાખથી વધુની ચોરી : છતનું પતરું કાપી તસ્કરો 15 કિલો ચાંદીના દાગીના અને DVR લઈ ફરાર
આંદોલનને મળી રહ્યું રાજ્યવ્યાપી સમર્થન
જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે સતત રાજ્યવ્યાપી સમર્થન મળી રહ્યું છે. અમદાવાદ અને જામનગર બાદ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો જોડાઈ રહ્યા છે. આંદોલનને મળતા વધતા સમર્થનને કારણે ખેડૂતોના પ્રશ્નો ફરી એકવાર રાજ્યના રાજકીય અને સામાજિક ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.





