મોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોને ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે તૈયાર છે અને ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે બેઠક માટે સત્તાવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જોકે, આંદોલનકારી ખેડૂતોએ આ આમંત્રણ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા વિવિધ સામાજિક આગેવાનો, સંસ્થાઓ અને પ્રતિનિધિઓ મારફતે સરકાર સાથે સતત ચર્ચા કરવામાં આવી હતી. તેના પરિણામે રાજ્ય સરકારે ખેડૂતોને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે.
આ પણ વાંચો: જેતપર ખેડૂત આંદોલનને રાજ્યભરનો ટેકો : અમદાવાદ-જામનગરથી ખેડૂતોના કાફલા પહોંચ્યા
ચર્ચા દ્વારા ઉકેલ લાવવાની સરકારની તૈયારી
સ્વપ્નિલ ખરેએ ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું કે કોઈપણ પ્રશ્નનો કાયમી ઉકેલ સંવાદ અને ચર્ચા દ્વારા જ શક્ય બને છે. જો સરકારી પરિપત્ર (GR) અથવા અન્ય નીતિમાં ફેરફાર કરવાની જરૂર પડશે તો તે પણ ચર્ચા દ્વારા શક્ય બનશે. તેમણે જણાવ્યું કે ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા અન્ય રાજ્યોના મોડલ અને સૂચનો પર પણ સરકાર વિચાર કરવા તૈયાર છે. ઉપરાંત ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને હાલ સંબંધિત પ્રોજેક્ટનું કામ તાત્કાલિક અસરથી સ્થગિત રાખવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું. કલેક્ટરે આશા વ્યક્ત કરી કે ચર્ચા દ્વારા ખેડૂતોની યોગ્ય માંગણીઓનું નિરાકરણ આવશે અને વિકાસલક્ષી કામગીરી પણ ફરી શરૂ થઈ શકશે.
આ પણ વાંચો: 'જેતપર ખેડૂત આંદોલન મુદ્દે સરકાર ચર્ચા માટે તૈયાર' : વાટાઘાટો માટે DM સ્વપ્નિલ ખરેએ ખેડૂતોને આપ્યું આમંત્રણ
ખેડૂતોનો સ્પષ્ટ જવાબ: પહેલા લેખિત ખાતરી, પછી ચર્ચા
બીજી તરફ, આંદોલનકારી ખેડૂતોએ સરકારના આમંત્રણને નકારી કાઢ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારના પત્રમાં તેમની છ મુખ્ય માંગણીઓ સ્વીકારવાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ, સરકાર જો તેમની તમામ છ માંગણીઓ સ્વીકારવાનો લેખિત ડ્રાફ્ટ આપશે તો જ તેઓ ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે બેઠક કરવા તૈયાર થશે. હાલની સ્થિતિમાં માત્ર ચર્ચા માટેના આમંત્રણને તેઓ સ્વીકારવા તૈયાર નથી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરની કિસાન મહાપંચાયતમાં ઈસુદાન ગઢવીનું મોટું એલાન : 5 જુલાઈએ ગાંધીનગરમાં સામૂહિક ઉપવાસ
સરકાર-ખેડૂતો વચ્ચે ચર્ચા પર સૌની નજર
સરકાર એક તરફ ચર્ચા દ્વારા ઉકેલ લાવવાની વાત કરી રહી છે, જ્યારે બીજી તરફ ખેડૂતો લેખિત ખાતરીની માંગ પર અડગ છે. આવી સ્થિતિમાં જેતપર ખેડૂત આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. હવે સરકાર આગામી સમયમાં ખેડૂતોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે અને બંને પક્ષો વચ્ચે ચર્ચાનો માર્ગ ખુલશે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.





