મોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતો સાથે ચર્ચા કરીને પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવા તૈયાર છે અને આ માટે ખેડૂતોને સત્તાવાર રીતે વાટાઘાટો માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા વિવિધ સામાજિક આગેવાનો, સંસ્થાઓ અને પ્રતિનિધિઓ મારફતે સરકાર સાથે સતત ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાના અંતે રાજ્ય સરકાર દ્વારા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા ખેડૂતોને આમંત્રિત કરતો પત્ર મોકલવામાં આવ્યો છે.
ચર્ચા જ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ: કલેક્ટર
સ્વપ્નિલ ખરેએ ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું કે કોઈપણ પ્રશ્નનો કાયમી ઉકેલ સંવાદ અને ચર્ચા દ્વારા જ શક્ય બને છે. જો સરકારી પરિપત્ર (GR) અથવા અન્ય નીતિમાં ફેરફાર કરવાની જરૂરિયાત હશે તો તે પણ ચર્ચા દ્વારા શક્ય બનશે.
તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા અન્ય રાજ્યોના મોડલ અને સૂચનો પર પણ વિચાર કરવા તૈયાર છે. આ બાબતનો પણ સરકારના પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: જેતપર ખેડૂત આંદોલનને રાજ્યભરનો ટેકો : અમદાવાદ-જામનગરથી ખેડૂતોના કાફલા પહોંચ્યા
હાલ પૂરતું કામ બંધ, ઉકેલની આશા
જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ, ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને હાલ સંબંધિત પ્રોજેક્ટનું કામ તાત્કાલિક અસરથી સ્થગિત રાખવામાં આવ્યું છે. જોકે તેમણે ઉમેર્યું કે આ વિકાસલક્ષી પ્રોજેક્ટ દેશ અને ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર અને ખેડૂતો વચ્ચે હકારાત્મક ચર્ચા બાદ વહેલી તકે ઉકેલ આવશે, ખેડૂતોની યોગ્ય માંગણીઓનું નિરાકરણ થશે અને વિકાસના કામો પણ ફરી શરૂ થઈ શકશે.
જિલ્લા કલેક્ટરે તમામ ખેડૂત ભાઈઓને સરકાર સાથે ચર્ચામાં જોડાવા અને સહમતિથી ઉકેલ લાવવાની અપીલ કરી છે.





