Home Gujarat Surat Surat Youtuber Shivani Kapila Power Bank Blast House Fire Diamond Play Button

એક પાવર બેંક બ્લાસ્ટે વેરવિખેર કરી આખી દુનિયા! : સુરતની યુટ્યુબર શિવાનીનું સપનાનું ઘર આગમાં ખાખ

આગ બાદ થયેલા નુકસાનની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 28, 2026, 12:33 PM IST

Surat News: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી અને સોશિયલ મીડિયા પર 'લિટલ ગ્લવ્ઝ' તરીકે જાણીતી લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર તથા યુટ્યુબર શિવાની કપિલાના ઘરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. શિવાનીએ પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું કે ચાર્જિંગમાં મૂકેલી વાયરલેસ પાવર બેંકમાં અચાનક બ્લાસ્ટ થતાં તેના બેડરૂમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં રૂમમાં રહેલો લાખો રૂપિયાનો કિંમતી સામાન, યુટ્યુબ તરફથી મળેલા પ્રતિષ્ઠિત સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ પ્લે બટન સહિતની અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ સમગ્ર પરિવારને ઊંડા આઘાતમાં મૂકી દીધો છે. શિવાનીએ વીડિયો દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે વર્ષોની મહેનતથી બનાવેલું તેનું સપનાનું ઘર અને તેની કારકિર્દીની યાદો પળવારમાં આગની લપેટમાં આવી ગઈ.

હોસ્પિટલમાં હતી, ત્યાંથી આવ્યો આગ લાગ્યાનો ફોન

શિવાનીએ વીડિયોમાં જણાવ્યું કે ઘટના સમયે તેની સાસુની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટે તે ઘરેથી નીકળી હતી. ઘરમાં તેના પિતા હાજર હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તેને ફોન આવ્યો કે તેના રૂમમાં આગ લાગી છે. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ સામાન્ય આગ હશે, પરંતુ ઘરે પહોંચીને તેણે જે દ્રશ્યો જોયા તે અત્યંત ભયાનક હતા. પાવર બેંકના જોરદાર બ્લાસ્ટ બાદ આખો બેડરૂમ આગની લપેટમાં આવી ગયો હતો. રૂમની લગભગ તમામ વસ્તુઓ બળીને કાળી રાખ બની ગઈ હતી.

આ પણ વાંચો: કસ્ટમ્સનો જેમ્સ બોન્ડ બન્યો એક વર્ષનો જિનિયસ સ્નિફર ડોગ કેનાઇન : પહેલાં જ ઓપરેશનમાં અમદાવાદ એરપોર્ટથી ઝડપી પાડ્યો 11 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો

પાલતુ શ્વાન 'કોકો'નો ચમત્કારિક બચાવ

ઘટના સમયે શિવાનીનો પાલતુ શ્વાન 'કોકો' એ જ રૂમમાં હતો. એસી ચાલુ હોવાથી તેને રૂમમાં રાખવામાં આવ્યો હતો. આગ લાગતાં જ શિવાનીના પિતા અને મેનેજર રાજીવે તાત્કાલિક પાણીના ડોલ વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને કોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. ભારે ધુમાડા અને આગ વચ્ચે પણ કોકોનો બચાવ થઈ જતાં શિવાનીએ તેને ભગવાનની કૃપા ગણાવી. તેના જણાવ્યા મુજબ કોકોના શરીરના પાછળના ભાગના થોડાક વાળ બળી ગયા હતા, પરંતુ તેને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી.

આ પણ વાંચો: જેતપર ખેડૂત આંદોલનમાં નવો વળાંક : સરકારના ચર્ચાના આમંત્રણનો ખેડૂતો દ્વારા અસ્વીકાર

વર્ષોની મહેનતની કમાણી બની રાખ

આ આગમાં માત્ર ઘરનો સામાન જ નહીં પરંતુ શિવાનીની કારકિર્દી સાથે જોડાયેલી અનેક કિંમતી યાદો પણ નષ્ટ થઈ ગઈ. યુટ્યુબ તરફથી મળેલા સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ પ્લે બટન, મોંઘી બ્રાન્ડેડ બેગ્સ, કપડાં, એક્સેસરીઝ, કબાટ, ઇલેક્ટ્રોનિક્સ અને રૂમમાં રહેલું એર કન્ડિશનર પણ સંપૂર્ણપણે બળી ગયું. આ ઉપરાંત તેની પુત્રી આધ્યાના બાળપણની યાદરૂપે દિવાલ પર બનાવવામાં આવેલું વોલ આર્ટ પણ આગમાં નષ્ટ થઈ ગયું. શિવાનીએ ભાવુક અવાજમાં કહ્યું કે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવીને તેણે વર્ષોની મહેનત બાદ આ સપનાનું ઘર બનાવ્યું હતું, પરંતુ એક જ ક્ષણમાં બધું ખતમ થઈ ગયું.

જાણીતી કંપનીની પાવર બેંક હોવાનો દાવો

શિવાનીએ વીડિયોમાં જણાવ્યું કે જે પાવર બેંક બ્લાસ્ટ થઈ હતી તે જાણીતી બ્રાન્ડની હતી અને તેની કિંમત અંદાજે ₹4,000થી ₹4,500 હતી. તે પાવર બેંકને ચાર્જિંગમાં મૂકીને બહાર ગઈ હતી. તેના જણાવ્યા અનુસાર ચાર્જિંગ દરમિયાન પાવર બેંકના પાછળના ભાગેથી બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ઝડપથી સમગ્ર રૂમમાં ફેલાઈ ગઈ. તેમણે કહ્યું કે તેમને હજુ પણ સમજાતું નથી કે સુરક્ષિત માનવામાં આવતું ઉપકરણ વાપર્યા છતાં આવી ઘટના કેવી રીતે બની. હાલ બ્લાસ્ટનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર થયું નથી.

આ પણ વાંચો: મિરોલીમાં 'મન કી બાત'નું સામૂહિક શ્રવણ : જગદીશ વિશ્વકર્માએ વિકાસ અને જનજાગૃતિનો આપ્યો સંદેશ

લોકોને આપી મહત્વની સલાહ

આ દુર્ઘટના બાદ શિવાનીએ લોકોને ખાસ અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે પાવર બેંક અથવા મોબાઇલ ફોનને ક્યારેય બેડ પર, ગાદલા પર અથવા માથાની નજીક રાખીને ચાર્જ ન કરવો જોઈએ. આજકાલ ઘરમાં રહેલી મોટાભાગની વસ્તુઓ સિન્થેટિક હોવાથી આગ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. તેમણે લોકોને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવા અને ચાર્જિંગ દરમિયાન યોગ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવાની સલાહ આપી.

ઝેરી ધુમાડાથી તબિયત પર પણ અસર

આગ બાદ રૂમમાં કાર્બન મોનોક્સાઇડ સહિતના ઝેરી ધુમાડાનો ભારે પ્રભાવ રહ્યો હતો. શિવાનીના જણાવ્યા મુજબ ઘટના બાદ તેને, તેના પિતા અને મેનેજરને સતત ઉલ્ટી, પેટમાં દુખાવો અને ગભરામણ જેવી તકલીફો થઈ રહી છે. હાલમાં સમગ્ર પરિવાર આ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ઈલેક્ટ્રોનિક ઉપકરણો અંગે સાવચેતી જરૂરી

તાજેતરના સમયમાં પાવર બેંક, મોબાઇલ ફોન અને અન્ય રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરી ધરાવતા ઉપકરણોમાં ઓવરહિટિંગ અથવા બેટરીની ખામીના કારણે આગ લાગવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. નિષ્ણાતો સલાહ આપે છે કે આવા ઉપકરણોને હંમેશા મૂળ ચાર્જરથી ચાર્જ કરવા, લાંબા સમય સુધી સતત ચાર્જિંગમાં ન રાખવા અને બેડ, સોફા કે અન્ય જ્વલનશીલ સપાટી પર ચાર્જિંગ ટાળવી જોઈએ. શિવાની કપિલાના ઘરમાં બનેલી આ ઘટના માત્ર એક પરિવાર માટેનો આઘાતજનક અનુભવ નથી, પરંતુ દરેક માટે એક ગંભીર ચેતવણી પણ છે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે નાની બેદરકારી પણ મોટા અકસ્માતનું કારણ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now