Home Gujarat Junagadh Alpha Vidya Sankul Hostel Security Controversy

લાખોની ફી છતાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત? : જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ ફરી વિવાદમાં, મધરાતે હોસ્ટેલની બારી તોડીને વિદ્યાર્થીઓ રફુચક્કર

Junagadh Alpha Vidya Sankul
Published by: Suman Dabhi
Last Updated: May 14, 2026, 07:06 AM IST

Junagadh Alpha Vidya Sankul: જૂનાગઢના વડાલ વિસ્તારમાં આવેલી આલ્ફા વિદ્યા સંકુલ ફરી એકવાર ગંભીર વિવાદોમાં ઘેરાઈ છે. લાખો રૂપિયાની ફી લેતી રહેણાંક શિક્ષણ સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા પર ત્યારે સવાલો ઊભા થયા જ્યારે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ મોડી રાત્રે રૂમની બારીની લોખંડની ગ્રીલ તોડી કેમ્પસની બહાર નીકળી ગયા. ઘટનાએ માત્ર સંસ્થાની સુરક્ષા જ નહીં પરંતુ વિદ્યાર્થીઓની દેખરેખ, શિસ્ત અને સંચાલનની જવાબદારી અંગે પણ ગંભીર ચર્ચા જગાવી છે.

હોસ્ટેલમાંથી મોડી રાત્રે વિદ્યાર્થીઓ બહાર નીકળતા ખળભળાટ

મળતી માહિતી મુજબ જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા ધોરણ 10ના 4 થી 5 વિદ્યાર્થીઓ મોડી રાત્રે હોસ્ટેલના બીજા માળેથી બહાર નીકળી ગયા હતા. વિદ્યાર્થીઓએ રૂમની લોખંડની ગ્રીલ તોડી બહાર જવાનો રસ્તો બનાવ્યો હતો. બાદમાં તેઓ કેમ્પસની બહાર જઈ નજીકની હોટેલ પર નાસ્તો કરવા તેમજ સિગારેટ-મસાલા જેવા વ્યસનો માટે ગયા હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે વિદ્યાર્થીઓ રાત્રે બહાર ગયા હોવાની જાણ સંચાલકોને ત્યારે થઈ જ્યારે તેઓ પાછા હોસ્ટેલમાં પરત ફર્યા. એટલે કે, વિદ્યાર્થીઓ કેટલા સમય માટે કેમ્પસની બહાર રહ્યા અને તે દરમિયાન તેમની સાથે શું બન્યું હોત તેની કોઈ ચોક્કસ માહિતી સંચાલન પાસે નહોતી.

આ ઘટનાએ રહેણાંક શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાલીઓ પૂછે છે કે જો વિદ્યાર્થીઓ સહેલાઈથી ગ્રીલ તોડી બહાર જઈ શકે, તો આવી સંસ્થાઓમાં બાળકો કેટલી હદ સુધી સુરક્ષિત ગણાય?

સુરક્ષા ખામી ઢાંકવા વિદ્યાર્થીઓને LC આપ્યાનો આરોપ

વિદ્યાર્થીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સંસ્થાએ પોતાની સુરક્ષાની ખામી સ્વીકારવાને બદલે વિદ્યાર્થીઓને જ જવાબદાર ઠેરવી દીધા. ઘટનાના થોડા સમયમાં જ વિદ્યાર્થીઓને મધ્ય સત્રમાં લિવિંગ સર્ટિફિકેટ (LC) આપી દેવામાં આવ્યા હોવાના આરોપો ઉઠ્યા છે.

વિદ્યાર્થીના કાકા સંજય બારડે આક્ષેપ કરતાં જણાવ્યું કે સંસ્થાની બેદરકારીને કારણે બાળકો રાત્રે બહાર નીકળી શક્યા, પરંતુ હવે પોતાની જવાબદારીમાંથી બચવા સંચાલકો વિદ્યાર્થીઓને કાઢી મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર વર્ષના મધ્યમાં વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવતા હવે તેમના ભવિષ્ય પર સીધી અસર પડી રહી છે.

વાલીઓનું કહેવું છે કે જો સંસ્થા પાસે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હોત, તો વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી બહાર જ જ ન શકતા. હવે સમગ્ર ઘટનાનો ભાર માત્ર વિદ્યાર્થીઓ પર મૂકવો યોગ્ય નથી.

સંચાલકનો બચાવ: “શિસ્તભંગ અને વ્યસન સહન નહીં કરીએ”

બીજી તરફ આલ્ફા વિદ્યા સંકુલના સંચાલક રવિરાજસિંહ ખુમાણે સંસ્થાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે સંબંધિત વિદ્યાર્થીઓ અગાઉથી શિસ્તભંગ અને વ્યસનની પ્રવૃત્તિઓમાં સામેલ હતા. તેમણે દાવો કર્યો કે વિદ્યાર્થીઓએ બીજાના રૂમની બારી તોડી બહાર જવાનો પ્રયાસ કર્યો હતો અને અગાઉ પણ તેમને ચેતવણી આપવામાં આવી હતી.

સંચાલકના જણાવ્યા મુજબ સંસ્થા ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ સહયોગ આપે છે, પરંતુ સતત શિસ્તભંગ કરનાર અને વ્યસન તરફ વળેલા વિદ્યાર્થીઓને સંસ્થામાં રાખવું મુશ્કેલ બને છે. આ કારણે જ વિદ્યાર્થીઓને LC આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું.

પરંતુ આ નિવેદન બાદ પણ મુખ્ય પ્રશ્ન યથાવત રહ્યો છે કે આખરે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી બહાર કેવી રીતે નીકળી શક્યા? શું રાત્રિ સુરક્ષા માટે કોઈ વોર્ડન, ગાર્ડ અથવા મોનિટરિંગ સિસ્ટમ સક્રિય નહોતી? આ પ્રશ્નોના સ્પષ્ટ જવાબ હજુ સુધી સામે આવ્યા નથી.

વાલીઓમાં રોષ, આંદોલનની ચીમકી

આ સમગ્ર ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. ખાસ કરીને ધોરણ 10 જેવા બોર્ડ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવતા પરિવારો ચિંતામાં મુકાયા છે. મધ્ય સત્રમાં અન્ય શાળામાં પ્રવેશ મેળવવો વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બની શકે છે.

વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી બે દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન શરૂ કરશે. કેટલાક વાલીઓએ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલે સ્વતંત્ર તપાસની માંગ પણ ઉઠાવી છે.

વાલીઓનું કહેવું છે કે પ્રશ્ન માત્ર થોડા વિદ્યાર્થીઓનો નથી, પરંતુ સમગ્ર હોસ્ટેલ સુરક્ષા વ્યવસ્થાનો છે. જો આજે આ વિદ્યાર્થીઓ બહાર ગયા, તો ભવિષ્યમાં કોઈ વધુ ગંભીર ઘટના પણ બની શકે છે.

NEET UG 2026 પેપર લીક કેસમાં મોટો ખુલાસો!: રાજસ્થાનમાંથી નહીં થયું લીક- SOG IGનો ચોંકાવનારો દાવો, કેસ હવે CBIના હાથમાં

રહેણાંક શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા પર ફરી ચર્ચા

આ ઘટના બાદ રાજ્યભરની રહેણાંક શાળાઓ અને હોસ્ટેલોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હોસ્ટેલોમાં બેદરકારી, વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ, વ્યસન અને દેખરેખના અભાવ જેવા મુદ્દાઓ વારંવાર સામે આવ્યા છે.

શિક્ષણ નિષ્ણાતો માને છે કે માત્ર કડક શિસ્તથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. વિદ્યાર્થીઓની કાઉન્સેલિંગ, માનસિક માર્ગદર્શન, વ્યસન નિવારણ અને સતત માનવિય દેખરેખ પણ એટલી જ જરૂરી છે. ખાસ કરીને કિશોરાવસ્થાના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સંચાલન વધુ જવાબદારીભર્યું બની જાય છે.

આલ્ફા વિદ્યા સંકુલની આ ઘટના હવે માત્ર એક શાળાનો વિવાદ નથી રહી, પરંતુ સમગ્ર શિક્ષણ પ્રણાલીમાં સુરક્ષા અને જવાબદારી અંગેનો મોટો પ્રશ્ન બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now