અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહોના સંરક્ષણ અને હાઈવે સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા તાલુકાના દાંતરડી ગામ નજીક એક વર્ષના સિંહબાળનું અજાણ્યા વાહનની ટક્કરે કરુણ મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને વનવિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, સિંહબાળ રોડ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે તેજ ગતિએ પસાર થતા અજાણ્યા વાહને તેને હડફેટે લીધું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ સિંહબાળનું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો અને પસાર થતા વાહનચાલકો દ્વારા ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી, ત્યારબાદ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
વનવિભાગે મૃત સિંહબાળના દેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. અધિકારીઓ દ્વારા મોતનું ચોક્કસ કારણ અને અન્ય તબીબી વિગતો જાણવા માટે પી.એમ. પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ, વાહનચાળકોની માહિતી અને હાઈવે પરની હિલચાલના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
પંચમહાલનાં ગોધરામાં જુના મકાનની દિવાલ થઈ ધરાશાયી: પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ, કોન્ટ્રાક્ટરની બેદરકારીનાં લાગ્યા આક્ષેપ
વાહનચાલક ઝડપાયો હોવાની ચર્ચા
પ્રાથમિક વિગતો મુજબ, અકસ્માત બાદ વનવિભાગે સંડોવાયેલા વાહનચાલકને ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. સૂત્રો અનુસાર, રાજસ્થાન તરફ જઈ રહેલા એક વાહનચાલકને રોકી પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, અધિકૃત રીતે વનવિભાગ અથવા પોલીસ તરફથી હજુ સુધી સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી.
ગુજરાતમાં આગ વરસાવતી ગરમી વચ્ચે આવ્યું મોટું અપડેટ: આગામી 48 કલાક સામાન્ય જનતા માટે રહેશે ભારે
આ ઘટનાએ ફરી એકવાર ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વન્યજીવોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે. ગીર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યા વધી રહી છે, જેના કારણે તેઓ ઘણીવાર રોડ અને વસાહતો તરફ આવી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે હાઈવે પર વાહનોની ઝડપ અને વન્યપ્રાણીઓની અવરજવર વચ્ચે અકસ્માતોની સંખ્યા વધી રહી હોવાનું સામે આવતું રહ્યું છે.






