Home Gujarat Godhra Wall Collapse Father Son Death

પંચમહાલનાં ગોધરામાં જુના મકાનની દિવાલ થઈ ધરાશાયી : પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ, કોન્ટ્રાક્ટરની બેદરકારીનાં લાગ્યા આક્ષેપ

પિતા-પુત્રની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 14, 2026, 06:07 AM IST

ગોધરા શહેરના ચિઠીયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડવાના કામ દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતા એક શ્રમિક અને તેના નાનકડા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતકોની ઓળખ ગોધરા તાલુકાના દયાળ ગામના વતની કાળુભાઈ સવજીભાઈ ઝાલૈયા અને તેમના 4 વર્ષના પુત્ર કિશન ઝાલૈયા તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, ચિઠીયાવાડ વિસ્તારમાં આવેલ એક જૂનું મકાન તોડવાનું કામ ચાલુ હતું. આ કામગીરી દરમિયાન કાળુભાઈ ઝાલૈયા મજૂરી કરી રહ્યાં હતા અને તેમના સાથે તેમનો પુત્ર પણ હાજર હતો. કામકાઝ દરમ્યાન અચાનક મકાનની એક દિવાલ તૂટી પડી હતી જેના કારણે બંને દિવાલના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા એટલી હતી કે બંનેને ગંભીર ઇજાઓ પહોંચી અને સ્થળ પર જ તેમનું મોત થયું હોવાનું જાણવા મળે છે.

પરિવારનો આક્ષેપ

દુર્ઘટનાના પગલે મૃતકના પરિવારજનોએ કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે કામ દરમિયાન યોગ્ય સલામતીની વ્યવસ્થા નહોતી અને બેદરકારીના કારણે જ આ દુર્ઘટના બની છે. તેઓએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો કાબૂ મેળવ્યો હતો. મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.

પ્રશાસનની કામગીરી

પોલીસે આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. ઘટનાની પરિસ્થિતિ, સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં અને કોન્ટ્રાક્ટરની ભૂમિકા શું હતી તે અંગે તપાસ ચાલી રહી છે. જો બેદરકારી સાબિત થશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં બનતી રહી છે, જે બાંધકામ ક્ષેત્રમાં સલામતી ધોરણોને કડક બનાવવાની જરૂરિયાત દર્શાવે છે. મજૂરોની સુરક્ષા, તાલીમ અને જોખમી વિસ્તારોમાં નિયંત્રણ માટે વધુ કડક અમલવારીની માંગ ઉઠી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now