PM Nutrition Scheme: ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત મધ્યાહન ભોજન (PM પોષણ) યોજનાના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈને રાજ્ય સરકાર સમક્ષ વિસ્તૃત આવેદનપત્ર રજૂ કર્યું છે. 'ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ'ના બેનર હેઠળ કરવામાં આવેલી આ રજૂઆતમાં કર્મચારીઓએ આર્થિક, શારીરિક અને માનસિક શોષણનો આક્ષેપ કરતાં લઘુત્તમ વેતન, નોકરીની સુરક્ષા, 12 મહિનાનું વેતન, વધારાની કામગીરીનું ભથ્થું અને અકસ્માત વીમા સહિત અનેક માંગણીઓ તાત્કાલિક સ્વીકારવાની અપીલ કરી છે.
મુખ્યમંત્રી સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આવેદન
29 જૂન, 2026ના રોજ કરવામાં આવેલી આ રજૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમ્નભાઈ વાજા, રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તેમજ PM પોષણ યોજનાના કમિશનરને સંબોધીને મોકલવામાં આવી છે. કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર એમ. જોશી અને મહામંત્રી પ્રવીણભાઈ જે. પરમારે રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષોથી સેવા આપતા હજારો કર્મચારીઓ આજે પણ અત્યંત ઓછા માનદ વેતન પર કામ કરવા મજબૂર છે.
કામના કલાકોમાં વધારો, પરંતુ વેતનમાં નહીં
રજુઆતમાં જણાવાયું છે કે મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ ત્યારે કર્મચારીઓને માત્ર બે-ત્રણ કલાકની ફરજ બજાવવી પડતી હતી. જોકે હાલમાં PM પોષણ યોજના સાથે દૂધ સંજીવની યોજના અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના જોડાતા કામના કલાકોમાં નોંધપાત્ર વધારો થયો છે. કર્મચારી મંડળના દાવા મુજબ હવે ઘણા કર્મચારીઓ સવારે 10:30થી સાંજે 4 વાગ્યા સુધી અને કેટલીક ડબલ પાળી ધરાવતી શાળાઓમાં સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સતત ફરજ બજાવે છે. આ કારણે અન્ય કોઈ રોજગાર કરવાનો પણ સમય રહેતો નથી.
'વેતન કરતાં ખર્ચ વધુ થાય છે'
આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલમાં સંચાલકોને માસિક રૂ. 4,500 અને રસોઈયા તથા મદદનીશને રૂ. 3,750 જેટલું માનદ વેતન આપવામાં આવે છે.
કર્મચારીઓનો આક્ષેપ છે કે ગેસ સિલિન્ડર લાવવા, અનાજ અને શાકભાજીનો પરિવહન ખર્ચ, સફાઈ સામગ્રી, રસોડાના નાના-મોટા મેઇન્ટેનન્સ જેવા અનેક ખર્ચ પોતાનાં વેતનમાંથી જ કરવા પડે છે. મોંઘવારીના સમયમાં આ વેતનથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.
વધારાની સરકારી કામગીરીનો પણ આક્ષેપ
કર્મચારી મંડળે દાવો કર્યો છે કે ભોજન બનાવવાની ફરજ ઉપરાંત ચૂંટણી, મતદાર યાદી સુધારણા, વસ્તી ગણતરી અને અન્ય વહીવટી કામગીરી પણ કોઈ વધારાના મહેનતાણા વિના કરાવવામાં આવે છે.
રજુઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિવિધ સરકારી કાર્યક્રમોમાં હાજરી અથવા લોકો એકત્ર કરવાની જવાબદારી પણ કર્મચારીઓ પર મૂકવામાં આવે છે, જેને તેઓ બિનકાયદેસર ગણાવે છે.
મુખ્ય માંગણીઓ શું છે?
કર્મચારી મંડળે સરકાર સમક્ષ નીચેની મુખ્ય માંગણીઓ મૂકી છે.
શ્રમ કાયદા મુજબ લઘુત્તમ વેતનનો અમલ.
તમામ કર્મચારીઓને નોકરીની સુરક્ષા (Job Security).
ચૂંટણી અને અન્ય વધારાની કામગીરી માટે અલગ ભથ્થું અથવા ઓવરટાઈમ.
વેકેશન સહિત વર્ષના 12 મહિનાનું સંપૂર્ણ વેતન.
ગેસ અને રસોડામાં કામ કરતા કર્મચારીઓ માટે અકસ્માત અને આરોગ્ય વીમો.
પરિવહન અને મેઇન્ટેનન્સ માટે અલગ એલાઉન્સ.
નિર્ણય નહીં આવે તો આંદોલનની ચેતવણી
રજુઆતના અંતમાં કર્મચારી મંડળે જણાવ્યું છે કે જો સરકાર તેમની માંગણીઓ અંગે વહેલી તકે હકારાત્મક નિર્ણય નહીં લે તો રાજ્યભરના મધ્યાહન ભોજન કર્મચારીઓ આંદોલન અને કામબંધીનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. આવી સ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે, એવો પણ મંડળે દાવો કર્યો છે.
આ પણ વાંચો: ચૈતર વસાવાના સમર્થનમાં યોજાશે વિશાળ સામાજિક જનસમર્થન સભા : ચાર રાજ્યોના આદિવાસી આગેવાનો રહેશે ઉપસ્થિત
સરકારના પ્રતિસાદ પર નજર
હાલ સુધી રાજ્ય સરકાર અથવા શિક્ષણ વિભાગ તરફથી આ રજૂઆત અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી. આગામી દિવસોમાં સરકાર કર્મચારીઓની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર હજારો કર્મચારીઓની નજર રહેશે.






