Home Gujarat 29 June 2026 Gujarat Latest News Updates Weather Politics Crim

Live29 June 2026 Gujarat Latest News Updates : જાણો આજના દિવસભરના ગુજરાતના તમામ મોટા અને મહત્વના સમાચાર

Gujarat News Updates Live
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2026, 06:04 AM IST

Gujarat News Updates Live 29 June 2026: આજે 22 જૂન 2026ને સોમવાર. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના તમામ શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીના તમામ મોટા સમાચારો અને દરેક મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
7 મિનિટ પહેલા29 જૂન 2026

રાજકોટમાં રૂ. ૨.૪૯ કરોડની સનસનાટીભરી લૂંટના ત્રણ આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા

રાજકોટ: જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં ગત ૧૯ જૂને થયેલી રૂ. ૨.૪૯ કરોડની લૂંટનો ભેદ ઉકેલવામાં રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીકથી ત્રણ લૂંટારુઓને દબોચી લઈને રૂ. ૪૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓ હજુ ફરાર છે. લૂંટારુઓએ શાપર સ્ટેટના ૭૭ વર્ષીય વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજાને તેમના ઘરમાં બંધક બનાવીને રૂ. ૨.૪૭ કરોડ રોકડા, દાગીના અને લાયસન્સવાળી રાઇફલની લૂંટ ચલાવી હતી. વૃદ્ધ ઘરમાં એકલા હોવાની બાતમીના આધારે આ ગુનાને અંજામ અપાયો હતો. હાલ પોલીસની ૧૫ ટીમો અન્ય ફરાર આરોપીઓને પકડવા વિવિધ રાજ્યોમાં તપાસ ચલાવી રહી છે.

05:05 AM29 જૂન 2026

અમદાવાદમાં ૧૦૮ કળશમાં જળ ભરી જગન્નાથજીની જળયાત્રા નિજ મંદિરે પરત રવાના

અમદાવાદ: ૧૪૯મી રથયાત્રા પૂર્વે આજે જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથજીની પરંપરાગત જળયાત્રા સાબરમતી નદીના ભૂદર આરે પહોંચી હતી. ત્યાં શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવોએ બોટ મારફતે નદીની વચ્ચે જઈને ૧૦૮ પવિત્ર કળશમાં જળ ભર્યું હતું, જેને લઈને હવે યાત્રા નિજ મંદિરે પરત રવાના થઈ છે. આ પવિત્ર જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર વિધિથી ભવ્ય જળાભિષેક કરાશે. ત્યારબાદ પ્રભુ ગજવેશ ધારણ કરશે અને સાંજે ૪ વાગ્યે વાજતે-ગાજતે સરસપુર ખાતે પોતાના મોસાળ પહોંચશે, જ્યાં તેઓ ૧૫ દિવસ રોકાશે.

05:02 AM29 જૂન 2026

અંબાજી અને ખેડબ્રહ્મામાં જેઠ પૂનમે ભક્તોનું ઘોડાપૂર: 'જય અંબે'ના નાદથી શક્તિપીઠો ગુંજ્યાં

અંબાજી: ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં જેઠ સુદ પૂનમ અને વટ સાવિત્રી પૂર્ણિમા નિમિત્તે ભક્તિનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અને 'નાના અંબાજી' તરીકે જાણીતા ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારથી જ હજારો માઈભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. પવિત્ર પર્વે મંદિરો 'જય અંબે'ના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે. આ ખાસ દિવસે મહિલાઓમાં વટ પૂર્ણિમાના વ્રતનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આ પાવન દિવસે સમગ્ર વાતાવરણ ભક્તિના રંગમાં રંગાયું છે.

04:49 AM29 જૂન 2026

થોડા દિવસના વિરામ બાદ ફરી વલસાડમાં વરસાદ, ચોમાસું ખેંચાતા જગતનો તાત ચિંતાતૂર

વલસાડ: જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. વલસાડ શહેર ઉપરાંત ગુંદલાવ, ઘડોઈ, ગોરવાડા અને કલવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. જોકે, લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ રાઉન્ડમાં હજુ સુધી વાવણીલાયક પૂરતો વરસાદ વરસ્યો નથી. જેને કારણે સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. હાલમાં ધરતીપુત્રો ચોમાસાના સારા વરસાદની આશા સાથે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

04:41 AM29 જૂન 2026

અમદાવાદમાં સાબરમતી નદીના ભૂદર આરે ગંગા પૂજન શરૂ: મહંત અને નેતાઓ રિવર ક્રૂઝમાં જળ ભરવા રવાના

અમદાવાદ: ૧૪૯મી રથયાત્રા પૂર્વે યોજાયેલી જળયાત્રા અંતર્ગત સાબરમતી નદીના ભૂદર આરે શાસ્ત્રોક્ત વિધિથી પવિત્ર ગંગા પૂજનનો પ્રારંભ થયો છે. પૂજા વિધિમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને સંત અવિચલદાસજી મહારાજ સહિતના વરિષ્ઠ સંતો બેઠા છે. ભગવાનના જળાભિષેક માટે પવિત્ર જળ એકત્ર કરવા મંદિરના મહંતશ્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ મેયર હિતેશ બારોટ સહિતના અગ્રણી નેતાઓ રિવર ક્રૂઝ મારફતે નદીની વચ્ચે જવા રવાના થયા છે. આ વર્ષે યાત્રા દરમિયાન હાથીઓની સુરક્ષા પર વહીવટી તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે.

04:39 AM29 જૂન 2026

અમદાવાદમાં યોજાયેલી ભગવાન જગન્નાથની જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી ગેરહાજર, મેયર અને ધારાસભ્યો ઉપસ્થિત

અમદાવાદ: જમાલપુર જગન્નાથ મંદિરની પરંપરાગત જળયાત્રા અંતર્ગત સાબરમતી નદી કિનારે યોજાયેલી ગંગા પૂજન વિધિમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા નહોતા. જોકે, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સાથે અમદાવાદના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ પૂજામાં જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવમાં ભાજપના ધારાસભ્યો અમિત શાહ અને કૌશિક જૈન ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ રાજકીય આગેવાનો અને યજમાનોએ ભક્તિભાવપૂર્વક પવિત્ર વિધિ સંપન્ન કરી હતી.

04:37 AM29 જૂન 2026

જળયાત્રામાં ૧૦૮ કળશથી થશે જળાભિષેક, 12 હાથી, બળદગાડા સાથે ભૂદરના આરે પહોંચશે યાત્રા

અમદાવાદ: જમાલપુર જગન્નાથ મંદિરથી આજે જેઠ સુદ પૂર્ણિમાએ ૧૪૯મી રથયાત્રા પૂર્વે પરંપરાગત જળયાત્રા ધામધૂમથી નીકળી છે. ૧૨ હાથી, બળદગાડા અને 'જય જગન્નાથ'ના નાદ સાથે યાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચશે. ત્યાં શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન બાદ ૧૦૮ કળશમાં પવિત્ર જળ ભરી મંદિરે લવાશે, જેનાથી ભગવાનનો ભવ્ય જળાભિષેક કરાશે. ત્યારબાદ ભગવાન ગજવેશ ધારણ કરશે અને સાંજે ૪ વાગ્યે વાજતે-ગાજતે સરસપુર ખાતે પોતાના મોસાળ (રણછોડરાય મંદિર) પહોંચશે. પ્રભુ આગામી ૧૫ દિવસ સુધી મોસાળમાં જ રોકાશે, જ્યાં ભક્તો તેમના દર્શનનો લાભ લઈ શકશે.

04:24 AM29 જૂન 2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા સાથે રથયાત્રા પર્વનો મંગળ પ્રારંભ

અમદાવાદ: જમાલપુર જગન્નાથજી મંદિર ખાતેથી આગામી ૧૬ જુલાઈએ યોજાનારી ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે પરંપરાગત જળયાત્રાનો ભક્તિમય પ્રારંભ થયો છે. સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી વૈદિક વિધિ સાથે લાવેલા ૧૦૮ કળશના પવિત્ર જળથી ભગવાનનો જળાભિષેક કરાશે, ત્યારબાદ પ્રભુ ગજવેશમાં દર્શન આપશે. બળદગાડા, ગજરાજો અને કાવડિયાઓ સાથે નીકળેલી આ યાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગત વર્ષની ઘટનાને ધ્યાને રાખી આ વખતે ગજરાજોની સુરક્ષા માટે રૂટ પર ડીજે-ઢોલ પર પ્રતિબંધ મુકાયો છે અને પશુચિકિત્સકોની વિશેષ ટીમો તૈનાત કરાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now