Home Gujarat Chaitar Vasava Support Meeting Dediapada 2 July 2026

ચૈતર વસાવાના સમર્થનમાં યોજાશે વિશાળ સામાજિક જનસમર્થન સભા : ચાર રાજ્યોના આદિવાસી આગેવાનો રહેશે ઉપસ્થિત

Chaitar Vasava, Dediapada, Narmada News
Published by: OBS Bureau
Last Updated: Jun 28, 2026, 04:56 PM IST

નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આગામી 2 જુલાઈએ વિશાળ "સામાજિક જનસમર્થન સભા" યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે ડેડિયાપાડામાં આદિવાસી સમાજના સંગઠનોના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે 2 જુલાઈ, ગુરુવારના રોજ સવારે 11 વાગ્યે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે શાંતિપૂર્ણ રીતે સામાજિક જનસભાનું આયોજન કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના સામાજિક આગેવાનો, ધારાસભ્યો, સાંસદો, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા સહિત સજા પામેલા નવ લોકોને ન્યાય મળે તે મુદ્દે અવાજ ઉઠાવવામાં આવશે.

સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા કરી અપીલ

બેઠક બાદ આદિવાસી સમાજના યુવા નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી સતત ફોન આવી રહ્યા હતા અને લોકો સમર્થન કાર્યક્રમ અંગે માહિતી મેળવી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે હવે તમામ સામાજિક આગેવાનોની સહમતીથી 2 જુલાઈએ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજના તમામ લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ રાજકીય આગેવાનોને તેમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

નિરંજન વસાવાના જણાવ્યા મુજબ ચૈતર વસાવા સામે નોંધાયેલા કેસો અને એફઆઈઆર તેમજ કોર્ટના ચુકાદા બાદ પ્રશાસનના વલણને લઈને સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે આ મુદ્દે લોકો સ્વયંભૂ રીતે સમર્થન આપવા આગળ આવી રહ્યા છે અને તેથી મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે.

ચાર રાજ્યોના આગેવાનો જોડાશે હોવાનો દાવો

સામાજિક આગેવાન રાજુભાઈ વલવાઈએ જણાવ્યું કે ડેડિયાપાડામાં યોજાનારી આ જનસભામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી પટ્ટાના રાજકીય તથા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેવાની શક્યતા છે. તેમણે આ કાર્યક્રમને ચૈતર વસાવાના સમર્થનમાં યોજાનારી સામાજિક એકતાનું પ્રતિક ગણાવ્યું અને કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજાઈ હોવાનું જણાવ્યું.

સામાજિક આગેવાન ડો. દયારામ વસાવાએ જણાવ્યું કે ચારેય રાજ્યોમાંથી સતત સમર્થન કાર્યક્રમ અંગે પૂછપરછ થઈ રહી હતી. ત્યારબાદ તમામ આગેવાનોની બેઠકમાં સર્વાનુમતે 2 જુલાઈએ પીઠા ગ્રાઉન્ડ ખાતે વિશાળ સામાજિક જનસભા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે પણ સમાજના તમામ લોકોને મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરી હતી.

અન્ય આગેવાનોએ પણ સમર્થન જાહેર કર્યું

સામાજિક આગેવાન બાબુભાઈ ડામોરે જણાવ્યું કે ચૈતર વસાવા સહિત નવ લોકોને સજા થયાના મુદ્દે આદિવાસી સમાજમાં દુઃખ અને અસંતોષની લાગણી છે. આ મુદ્દે તમામ રાજકીય મતભેદો ભૂલીને ન્યાયના હિતમાં સમાજ એક મંચ પર આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભૂતપૂર્વ સૈનિક વિજયભાઈ તડવીએ પણ જણાવ્યું કે ચૈતર વસાવાના સમર્થનમાં યોજાનાર આ મહાસંમેલનમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના યુવાનો તથા જનપ્રતિનિધિઓને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને ન્યાય માટે અવાજ ઉઠાવવાની અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now