Home Gujarat Pm Family Care Tracker Launch Gandhinagar Amit Shah Bhupendra Patel

ગાંધીનગરથી PM Family Care Trackerની શરૂઆત : અમિત શાહે લોન્ચ કર્યો પાયલોટ પ્રોજેક્ટ, જાણો સંપૂર્ણ વિગતો

PM Family Care Tracker, Amit Shah, Gandhinagar
Published by: OBS Bureau
Last Updated: Jun 28, 2026, 04:16 PM IST

ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહના હસ્તે PM Family Care Tracker (FCT) પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં માતા અને બાળકના આરોગ્ય, પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે ડિજિટલ ટ્રેકિંગ વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગર્ભાવસ્થાથી લઈને બાળકના 18 વર્ષની ઉંમર સુધીના વિકાસ પર સતત નજર રાખવાનો અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.

16 સરકારી યોજનાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે

અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 2014 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સર્વાંગી અને સર્વસ્પર્શી વિકાસનું નવું મોડેલ ઊભું થયું છે. તેમણે કહ્યું કે અગાઉ માત્ર યોજનાઓ બનાવવામાં આવતી હતી, જ્યારે હવે યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચે અને તેનું સતત મોનિટરિંગ થાય તેની પણ સરકાર ચિંતા કરે છે. PM Family Care Tracker એ તે જ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

તેમણે જણાવ્યું કે આ ટ્રેકર દ્વારા બાળકના જન્મ પહેલાં માતાના આરોગ્યથી લઈને બાળકના રસીકરણ, પોષણ, શિક્ષણ અને આરોગ્ય સંબંધિત તમામ વિગતો એક જ ડિજિટલ સિસ્ટમમાં ઉપલબ્ધ રહેશે. કોઈ બાળક પોલિયોના ટીપાં, રસીકરણ અથવા અન્ય સરકારી યોજનાના લાભથી વંચિત રહી જાય તો તેની માહિતી તાત્કાલિક તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓ સુધી પહોંચશે. સાથે જ ધારાસભ્ય અને સાંસદોને પણ તેની જાણ થશે જેથી સમયસર કાર્યવાહી થઈ શકે.

આ ડિજિટલ પ્લેટફોર્મ પર માતૃ વંદના યોજના, જનની સુરક્ષા યોજના, સક્ષમ આંગણવાડી પોષણ યોજના, સાર્વભૌમિક રસીકરણ કાર્યક્રમ, PM પોષણ યોજના, મિશન વાત્સલ્ય, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, સુકન્યા સમૃદ્ધિ યોજના, PM CARES for Children સહિત કુલ 16 સરકારી યોજનાઓને એકસાથે જોડવામાં આવશે. પરિણામે એક પણ બાળક અથવા માતા સરકારની કલ્યાણકારી યોજનાના લાભથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગરીબ કલ્યાણમાં ટેકનોલોજીની મોટી ભૂમિકા

અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગરીબ કલ્યાણ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવતી સહાયનો મોટો હિસ્સો લાભાર્થી સુધી પહોંચતો નહોતો, પરંતુ Direct Benefit Transfer (DBT) વ્યવસ્થા શરૂ થયા બાદ આજે સરકાર દ્વારા મોકલવામાં આવતી સહાય સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે.

તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં કરોડો ગરીબ પરિવારોને પાકા મકાન, વીજળી, નળથી પાણી, શૌચાલય, LPG ગેસ કનેક્શન, મફત અનાજ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સુરક્ષા જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે PM Family Care Tracker દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે પણ ટેકનોલોજી આધારિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

ગાંધીજીના રામરાજ્યના વિચાર સાથે જોડાયેલો પ્રયાસ

અમિત શાહે મહાત્મા ગાંધીના રામરાજ્યના વિચારનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સાચું શાસન એ છે જે પ્રજાની ચિંતા કરે, પ્રજાની કાળજી લે અને દરેક નાગરિક સુધી યોજનાઓનો લાભ પહોંચાડે. માત્ર યોજના જાહેર કરવી પૂરતી નથી, પરંતુ તે સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચે તે સરકારની જવાબદારી છે. તેમણે કહ્યું કે સ્વરાજનો અર્થ માત્ર પોતાનું શાસન નહીં પરંતુ સમાજના દરેક વ્યક્તિ માટે સમાન અને જવાબદાર શાસન છે.

સ્વસ્થ નાગરિક જ વિકસિત રાષ્ટ્રની સૌથી મોટી તાકાત: ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના ગરીબ અને વંચિત વર્ગને કેન્દ્રસ્થાને રાખીને અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ભારત આજે વિકાસની સાથે સુરક્ષાના ક્ષેત્રે પણ મજબૂત બન્યું છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મહત્વપૂર્ણ યોગદાન છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે PM Family Care Tracker માત્ર એક યોજના નથી, પરંતુ ગર્ભમાં રહેલા બાળકથી લઈને 18 વર્ષની ઉંમર સુધી બાળકના આરોગ્ય, વિકાસ અને શિક્ષણની સતત દેખરેખ રાખતી આધુનિક ડિજિટલ વ્યવસ્થા છે. તેમણે કહ્યું કે "સ્વસ્થ નાગરિક એ જ વિકસિત રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે" અને આ પ્રોજેક્ટ માતા-બાળ મૃત્યુદર ઘટાડવા, કુપોષણ દૂર કરવા અને 100 ટકા રસીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now