MG Road Vadodara Viral Video: સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની હોડ હવે ક્યારેક જાહેર વ્યવસ્થા અને કાયદા માટે પડકારરૂપ બની રહી છે. વડોદરાના ઐતિહાસિક લહેરીપુરા ગેટ નજીકથી સામે આવેલી એક ઘટનાએ આવા જ અનેક સવાલો ઊભા કર્યા છે. શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાં ગણાતા એમ.જી. રોડ પર એક યુવતી દ્વારા રીલ અને ફોટોશૂટ કરવામાં આવતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જવાની ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે,, યુવતી જાહેર રસ્તાની વચ્ચે ઉભી રહીને રીલ અને ફોટોશૂટ કરાવી રહી છે, જ્યારે તેની સાથે રહેલા કેટલાક લોકો વાહનચાલકો અને રાહદારીઓને રોકી રહ્યા છે. કેટલાક લોકો તો ટ્રાફિક પોલીસની જેમ વાહનોને રસ્તો બદલવા અને અન્ય માર્ગે જવા માટે સૂચનાઓ આપતા પણ નજરે પડે છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.
વ્યસ્ત માર્ગ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો
લહેરીપુરા ગેટ અને એમ.જી. રોડ વિસ્તાર વડોદરાના સૌથી વ્યસ્ત માર્ગોમાંનો એક માનવામાં આવે છે. અહીં દિવસભર વાહનો અને લોકોની અવરજવર રહેતી હોય છે. આવા વિસ્તારમાં શૂટિંગ માટે રસ્તો રોકી દેવામાં આવતા વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. જાહેર માર્ગને ખાનગી સ્ટુડિયો તરીકે ઉપયોગમાં લેવો અને ટ્રાફિકને પ્રભાવિત કરવો નિયમોના ભંગ સમાન હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કોઈ સત્તાવાર મંજૂરી વિના આવી પ્રવૃત્તિ કરવી ગંભીર મુદ્દો બની શકે છે.
સોશિયલ મીડિયા પર લોકોનો રોષ
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ ઘટનાની ટીકા કરી છે. નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું જાહેર માર્ગો હવે માત્ર સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ બનાવવા અને લોકપ્રિયતા મેળવવા માટે ઉપયોગમાં લેવાશે? ઘણા લોકોએ જણાવ્યું છે કે, આવી પ્રવૃત્તિઓ માત્ર ટ્રાફિક જામ જ સર્જતી નથી, પરંતુ તેનાથી અકસ્માતોની સંભાવના પણ વધી શકે છે. જાહેર રસ્તા પર અવરજવર રોકવી અને વાહનોને દિશા બતાવવી એ કાયદેસર રીતે ગંભીર બાબત માનવામાં આવે છે.
યુવતી અને ટીમની ઓળખ હજુ સુધી સ્પષ્ટ નહીં
હાલ સુધી વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી અથવા તેની સાથે સંકળાયેલા લોકોની ઓળખ જાહેર થઈ નથી. સાથે જ, શૂટિંગ માટે કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે બાબત પણ સ્પષ્ટ થઈ શકી નથી. આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળો પર કાયદાના પાલન, ટ્રાફિક શિસ્ત અને સોશિયલ મીડિયા માટે વધતી જતી બેદરકારી અંગે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો: 11 દિવસમાં વિશ્વવિક્રમ : iNDEXTbને મળ્યું ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન
ટ્રાફિક પોલીસ શું પગલાં લેશે?
ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ હવે લોકોની નજર વડોદરા ટ્રાફિક પોલીસ અને સંબંધિત તંત્રની કાર્યવાહી પર ટકેલી છે. નાગરિકોની માંગ છે કે આવી ઘટનાઓ સામે કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં જાહેર માર્ગોનો દુરુપયોગ ન થાય અને ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત ન થાય. જાહેર સ્થળો પર કન્ટેન્ટ બનાવતી વખતે નિયમોનું પાલન કરવું એટલું જ જરૂરી છે જેટલું સર્જનાત્મકતા અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય. હવે આ મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.





