Home Gujarat Vadodara Atladara Swaminarayan Temple Mangalsutra Theft Women Arrested Vadodara

ભગવાનના દર્શન કરવા ગયેલી મહિલાનું મંગળસૂત્ર ચોરાયું : અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં ચોરીથી ચકચાર, CCTVમાં કેદ થઈ મહિલા ચોરોની કરતૂત

Vadodara Atladara Temple Theft
Published by: Nirali Gohil
Last Updated: Jun 29, 2026, 10:56 AM IST

Vadodara Atladara Temple Theft: વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન માટે આવેલી મહિલાનું સોનાનું મંગળસૂત્ર ચોરી જતાં ભક્તોમાં ચકચાર મચી ગઈ હતી. મંદિર જેવી પવિત્ર જગ્યાએ બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા કર્યા છે. જોકે, અટલાદરા પોલીસની ઝડપી કામગીરીના કારણે ગણતરીના કલાકોમાં જ આરોપી મહિલાઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસ તપાસ દરમિયાન મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, જેમાં બે મહિલાઓ ભીડનો લાભ લઈને મંગળસૂત્ર ચોરી કરતી સ્પષ્ટપણે નજરે પડી હતી. ફૂટેજના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપીઓને દબોચી લીધા હતા.

દર્શન દરમિયાન મહિલાનું મંગળસૂત્ર તફડાવાયું

મળતી માહિતી મુજબ, પીડિત મહિલા અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના દર્શન કરવા પહોંચી હતી. દર્શન દરમિયાન ભીડનો લાભ ઉઠાવી અજાણી મહિલાઓએ તેના ગળામાં પહેરેલું સોનાનું મંગળસૂત્ર તફડાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પીડિતાએ મંદિર સંચાલન અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

સીસીટીવી ફૂટેજથી ખુલ્યો ભેદ

મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ દરમિયાન બે મહિલાઓ શંકાસ્પદ હિલચાલ કરતી જોવા મળી હતી. ફૂટેજમાં બંને મહિલાઓ ભીડ વચ્ચે ચોરીની ઘટનાને અંજામ આપતી કેદ થઈ હતી. આ પુરાવાના આધારે અટલાદરા પોલીસે તપાસનો દોર તેજ કર્યો અને આરોપી મહિલાઓ સુધી પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો: રીલ માટે રસ્તો બંધ! : વડોદરાના વ્યસ્ત રોડ પર યુવતીના રીલ અને ફોટોશૂટના VIDEO VIRAL

અમદાવાદની દેવીપૂજક ગેંગની મહિલાઓ ઝડપાઈ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલી મહિલાઓ અમદાવાદની દેવીપૂજક ગેંગ સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરાયેલ મંગળસૂત્ર સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. અટલાદરા પોલીસ હાલ આરોપી મહિલાઓના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી રહી છે તેમજ તેઓ અન્ય કોઈ ચોરીના બનાવોમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા

મંદિરમાં બનેલી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલીને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવતા સ્થાનિકો અને ભક્તોમાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. પોલીસે લોકોને ભીડભાડવાળા ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોએ કિંમતી દાગીના અને સામાન અંગે સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now