Home Gujarat Vadodara Vibrant Gujarat Regional Conference Central Gujarat Vadodara June 2026

વડોદરાથી રોકાણને નવી ઉડાન : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાત'નો ભવ્ય પ્રારંભ

CM, DyCMની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 29, 2026, 06:30 AM IST

Vadodara News: વડોદરા ખાતે આજે રાજ્યના મહત્વાકાંક્ષી ઔદ્યોગિક વિકાસ અભિયાનને વધુ વેગ આપતા ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–મધ્ય ગુજરાત’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે ભવ્ય પ્રારંભ થયો છે. GSFC યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલી આ બે દિવસીય કોન્ફરન્સમાં રાજ્ય સરકાર, દેશ-વિદેશના રોકાણકારો, ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ્સ, MSME પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો એક જ મંચ પર એકત્ર થયા છે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ મધ્ય ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરવાનો અને નવા રોકાણો દ્વારા રોજગારી તેમજ આર્થિક વિકાસને ગતિ આપવાનો છે. આ કોન્ફરન્સ રાજ્ય સરકારની ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની દિશામાં મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળ પરંપરાને આગળ વધારવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રાદેશિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મધ્ય ગુજરાત માટેની આ કોન્ફરન્સ ચોથી અને અંતિમ પ્રાદેશિક આવૃત્તિ છે.

આ પણ વાંચો: વર્ષમાં માત્ર એકવાર! : આજે ભગવાન જગન્નાથ ધારણ કરશે દુર્લભ ગજવેશ, જમાલપુરમાં ભક્તોનો ઉમટ્યો જનસાગર

મધ્ય ગુજરાતની ઔદ્યોગિક શક્તિને મળશે વૈશ્વિક મંચ

મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ફાર્મા, બાયોટેક, એન્જિનિયરિંગ, IT, સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં આ વિસ્તાર ઝડપથી વિકાસ કરી રહ્યો છે. આ કોન્ફરન્સ દ્વારા આ ક્ષેત્રોની સંભાવનાઓને આંતરરાષ્ટ્રીય રોકાણકારો સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે.સરકારનું માનવું છે કે પ્રદેશ આધારિત વિકાસ મોડલ દ્વારા મોટા શહેરો ઉપરાંત ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પણ રોકાણ વધશે. તેના પરિણામે સ્થાનિક ઉદ્યોગોને નવી તકો મળશે અને યુવાનો માટે રોજગારીનું સર્જન થશે.

મુખ્યમંત્રીનો વિકાસ અને રોકાણ પર ભાર

ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની ઉદ્યોગમૈત્રી નીતિઓ, પારદર્શક વહીવટ અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રાજ્યની સૌથી મોટી તાકાત ગણાવી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં વાઈબ્રન્ટ ગુજરાત માત્ર રોકાણકારો માટેનો કાર્યક્રમ રહ્યો નથી, પરંતુ રાજ્યના સર્વાંગી વિકાસનું પ્રતીક બની ગયો છે. તેમણે જણાવ્યું કે ગુજરાત આજે દેશના સૌથી વિશ્વસનીય રોકાણ ગંતવ્ય તરીકે ઉભરી આવ્યું છે અને પ્રાદેશિક કોન્ફરન્સ દ્વારા હવે વિકાસનો લાભ રાજ્યના દરેક વિસ્તારમાં પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં 2.49 કરોડની લૂંટ કરનારા ત્રણ આરોપી ઝડપાયા : "મને મુક્કો મારી પાડીને મોઢે ડૂચો દીધો, પછી લૂંટ ચલાવી", વૃદ્ધે જણાવી આપવીતી

150થી વધુ પ્રદર્શન સ્ટોલ અને અનેક સેમિનાર

કોન્ફરન્સ દરમિયાન વિશાળ ટ્રેડ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 150થી વધુ પ્રદર્શન સ્ટોલ દ્વારા ગુજરાતની ઔદ્યોગિક, ટેક્નોલોજીકલ અને નવીન ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત વિવિધ વિષયો પર સેમિનાર, CEO રાઉન્ડ ટેબલ, B2B અને B2G બેઠકઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સત્રોમાં ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, બાયોઇકોનોમી, AI, ફિનટેક, કૃષિમાં આધુનિક ટેક્નોલોજી, નિકાસ, સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગસાહસિકતા જેવા વિષયો પર ચર્ચા થશે.

MSME અને સ્ટાર્ટઅપ્સ માટે નવી તકો

કોન્ફરન્સમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) તેમજ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારનો પ્રયાસ છે કે નાના ઉદ્યોગો અને યુવા ઉદ્યોગસાહસિકોને મોટા રોકાણકારો સાથે જોડવામાં આવે જેથી સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક બજાર મળી શકે. આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ, નવી ટેક્નોલોજી અને ઇનોવેશન દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જેઠ પૂનમે શક્તિપીઠોમાં આસ્થાનો મહાસાગર : અંબાજી-ખેડબ્રહ્મામાં "જય અંબે"ના નાદથી ગુંજ્યું વાતાવરણ, હજારો માઈભક્તો ઉમટ્યા

ઈ-બસ ફ્લેગ ઓફ અને વિકાસલક્ષી પહેલ

કોન્ફરન્સના ઉદ્ઘાટન સાથે મુખ્યમંત્રી દ્વારા ઇ-બસ સેવાને પણ ફ્લેગ ઓફ આપવામાં આવી હતી. સાથે જ ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં રાજ્ય સરકારના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

આગામી દિવસ પણ રહેશે મહત્વપૂર્ણ

બે દિવસીય આ કોન્ફરન્સના બીજા દિવસે પણ વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને વિશેષ ચર્ચાઓ, રોકાણકારો સાથે બેઠકઓ અને વિષયવાર સેમિનાર યોજાશે. સરકારને આશા છે કે આ કોન્ફરન્સના પરિણામે મધ્ય ગુજરાતમાં નવા રોકાણો આવશે, ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે અને હજારો યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે. વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દ્વારા રાજ્ય સરકાર પ્રદેશ આધારિત વિકાસના મોડલને વધુ મજબૂત બનાવી રહી છે. વડોદરામાં યોજાઈ રહેલી આ કોન્ફરન્સ માત્ર રોકાણકારો માટેનું પ્લેટફોર્મ નથી, પરંતુ મધ્ય ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now