Rajkot Crime News: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં 19 જૂનના રોજ બનેલી રૂ.2.49 કરોડની હાઈપ્રોફાઇલ લૂંટની ઘટનામાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. રાજકોટ રૂરલ પોલીસે મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીકથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી રૂ.41 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે, આ કેસમાં સંડોવાયેલા અન્ય પાંચ જેટલા આરોપીઓ હજુ ફરાર હોવાથી તેમની શોધખોળ માટે પોલીસની કાર્યવાહી યથાવત છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અગાઉથી સમગ્ર વિસ્તારની રેકી કરી હતી અને વૃદ્ધ વ્યક્તિ ઘરમાં એકલા રહેતા હોવાની સાથે ઘરમાં મોટી રોકડ રકમ રાખવામાં આવતી હોવાની ચોક્કસ માહિતી મેળવી લૂંટનું કાવતરું ઘડ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ લૂંટમાં રૂ.2.47 કરોડની રોકડ, અંદાજે રૂ.2 લાખના સોનાના દાગીના, બાર બોરની લાઇસન્સવાળી રાઇફલ તેમજ મોબાઇલ ફોનની લૂંટ કરવામાં આવી હતી.
અનેક રાજ્યોમાં તપાસ બાદ મળી સફળતા
આ ઘટનાના ભેદ ઉકેલવા રાજકોટ રૂરલ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી. લગભગ 15 જેટલી પોલીસ ટીમોએ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, દાહોદ, ગોધરા અને બિહાર સહિતના વિસ્તારોમાં સમાન મોડસ ઓપરેન્ડી ધરાવતી ગેંગોની તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો અને વિવિધ ઇનપુટના આધારે મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીકથી ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી રૂ.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હવે ફરાર આરોપીઓની ધરપકડ તેમજ બાકીની લૂંટાયેલી રકમ અને અન્ય માલમત્તાની પુનઃપ્રાપ્તિ માટે અલગ-અલગ ટીમો સતત કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં મધરાતે ત્રાટક્યું તંત્ર : ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓમાં મચી ભાગદોડ, લાખોની મશીનરી જપ્ત
મધરાતે ઘરમાં ઘૂસી વૃદ્ધને બંધક બનાવ્યા
19 જૂનની મધરાતે શાપરના અગ્રણી વ્યક્તિ 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા પોતાના નિવાસસ્થાને એકલા હતા. આશરે દોઢ વાગ્યાના સમયે પાંચ બુકાનીધારી શખ્સોએ દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. વૃદ્ધ જાગી જાય તે પહેલાં જ એક આરોપી લોખંડની પાઇપ સાથે તેમની છાતી પર ચડી ગયો હતો અને મોઢું દબાવી દીધું હતું. ત્યારબાદ અન્ય આરોપીઓએ ઘરની તિજોરી અને કબાટ તોડી રોકડ અને દાગીના શોધવાનું શરૂ કર્યું હતું. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વૃદ્ધને સંપૂર્ણપણે બંધક બનાવી દેવાયા હતા, જેથી તેઓ કોઈ પ્રતિકાર કરી શક્યા નહોતા.
લૂંટ બાદ બીજા રૂમમાં પૂરી ફરાર થઈ ગયા
લૂંટ પૂર્ણ કર્યા બાદ આરોપીઓ જીતેન્દ્રસિંહ જાડેજાને બીજા રૂમમાં પૂરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. કોઈ રીતે રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા બાદ વૃદ્ધે તપાસ કરતાં ઘરમાંથી રૂ.2.47 કરોડની રોકડ, અંદાજે રૂ.2 લાખના સોનાના દાગીના, બાર બોરની લાઇસન્સવાળી રાઇફલ અને મોબાઇલ ફોન ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમણે ઘરમાં રહેલા પત્નીના મોબાઇલ ફોનથી રાજકોટમાં રહેતા પુત્ર જયવિરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાને ઘટનાની જાણ કરી હતી. પરિવારજનો તાત્કાલિક શાપર પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણ રાજકોટ રૂરલ પોલીસને કરવામાં આવી હતી.
જમીનના સોદાની રકમને બનાવ્યો નિશાન
તપાસ દરમિયાન સામે આવ્યું કે જીતેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જયવિરસિંહ જાડેજા પેટ્રોલપંપ તેમજ રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તાજેતરમાં જમીનના સોદા થતા તેની મોટી રોકડ રકમ શાપર સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવતી હતી. ઘરમાં મોટી રોકડ હોવાની માહિતી તેમજ વૃદ્ધ એકલા રહેતા હોવાની જાણકારી આરોપીઓને અગાઉથી મળી ગઈ હતી. પોલીસનું માનવું છે કે આરોપીઓએ અગાઉ વિસ્તારની વિગતવાર રેકી કરી હતી અને ત્યારબાદ સમગ્ર કાવતરાને અમલમાં મૂક્યું હતું. તપાસમાં આરોપીઓના કેટલાક સંબંધીઓ અગાઉ શાપરમાં રહેતા હોવાથી તેમને સ્થાનિક માહિતી સરળતાથી મળી હોવાની પણ શક્યતા સામે આવી છે.
આ પણ વાંચોઃ સુરતમાં મલ્ટી લેવલ પાર્કિંગમાં ભીષણ આગ : બિનવારસી કાર સળગીને ખાખ થઈ; સળગતી કાર જોઈ લોકો દોડ્યા બહાર
ભોગ બનનાર વૃદ્ધે વર્ણવી આપવીતી
ઘટના બાદ જીતેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર ઘટનાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, અચાનક દરવાજો તોડીને ચારથી પાંચ શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. અવાજ સાંભળીને તેઓ જાગી ગયા હતા, પરંતુ એક આરોપીએ તેમને મુક્કો મારી નીચે પાડી દીધા અને મોઢું દબાવી દીધું હતું. ત્યારબાદ આરોપીઓ ઘરમાંથી રોકડ, સોનાના દાગીના, રાઇફલ અને મોબાઇલ લઈને ભાગી ગયા હતા. તેમના જણાવ્યા મુજબ સમગ્ર ઘટના એટલી ઝડપથી બની કે તેઓને બચાવ માટે કોઈ તક મળી નહોતી. આરોપીઓ સ્પષ્ટ તૈયારી સાથે આવ્યા હતા અને ઘરની અંદરની માહિતીથી પણ સારી રીતે વાકેફ હતા.
આગળની તપાસ યથાવત
પોલીસ હવે ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછના આધારે ફરાર પાંચ આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. સાથે જ લૂંટાયેલી બાકીની રકમ, હથિયાર અને અન્ય મુદ્દામાલની પુનઃપ્રાપ્તિ માટે વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે. પોલીસને આશા છે કે પૂછપરછ દરમિયાન સમગ્ર ગેંગનું નેટવર્ક તેમજ આ પ્રકારની અન્ય ગુનાખોરીના બનાવો અંગે પણ મહત્વની માહિતી મળી શકે છે.






