Weather Forecast : ગુજરાતમાં ઉનાળો હવે તેના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી ગયો છે, જેના કારણે લોકો આકરી ગરમી અને લૂનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા તાજા બુલેટિન મુજબ, આગામી 48 કલાક રાજ્ય માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હીટવેવની ગંભીર અસરો જોવા મળશે.
ગરમીના આંકડા અને વર્તમાન સ્થિતિ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. બુધવારે અમદાવાદ શહેર 44.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ નોંધાયું હતું. જોકે, દક્ષિણ ગુજરાતના સુરતમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા તાપમાનમાં 8 ડિગ્રીનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો, જે રાહત સમાન રહ્યો છે. પરંતુ રાજ્યના અન્ય 10 મુખ્ય શહેરોમાં હજુ પણ પારો 42 ડિગ્રીથી ઉપર છે, જે દર્શાવે છે કે ગરમીનું જોર હજુ ઓછું થયું નથી.
તાપમાન અને પવનની ગતિ
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી બે દિવસ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં સરેરાશ તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેશે, જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધારે છે. આ દરમિયાન શહેરોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે ગરમ પવનો ફૂંકાશે, જેના કારણે મોડી રાત સુધી પણ લોકોને 'લૂ' જેવી સ્થિતિનો અનુભવ થશે. રાત્રિનું તાપમાન પણ 30 ડિગ્રીની આસપાસ રહેતા રાત પણ ગરમ જશે.
"હવે શનિ મિથુન રાશિમાં જશે ત્યારે જ પવન આવશે": અંબાલાલ પટેલે ગરમીને લઈને કેમ અપાવી 1912ની યાદ? આગાહી જાણીને ફફડી જશો
હીટવેવ અને એલર્ટની વિગતો
હવામાન વિભાગે આગામી 14 અને 15 મે માટે રાજ્યમાં ગંભીર ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું જોર વધુ રહેવાનું હોવાથી ત્યાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને અમરેલી જેવા જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં તાપમાન 41 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની પ્રબળ શક્યતા છે, તેથી બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા સલાહ અપાઈ છે.
ગુજરાતમાં આ દિવસે થશે પ્રિ-મોન્સુનની એન્ટ્રી!: આંબલાલ પટેલીની વરસાદી આગાહી
ચોમાસા અંગેની રાહતભરી આગાહી
ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને આશાસ્પદ સમાચાર આપ્યા છે. આ વર્ષે અંદમાનમાં ચોમાસું તેની સામાન્ય તારીખ (18 મે) કરતાં વહેલું એટલે કે 16 મેની આસપાસ બેસી શકે છે. જો અંદમાનમાં ચોમાસું સમયસર અથવા વહેલું આગળ વધશે, તો 1 જૂન સુધીમાં તે કેરળ અને 15 જૂનની આસપાસ ગુજરાતમાં દસ્તક આપી શકે છે. જોકે, આગામી 20 મે સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી અને આખું રાજ્ય સૂકું રહેશે.





