ગુજરાતમાં હજુ સત્તાવાર ચોમાસાને સમય છે, પરંતુ તે પહેલાં જ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ, મે મહિનાના મધ્યભાગ બાદ ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર પલટો આવી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ભારે પવન અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આગાહી સાચી સાબિત થાય, તો કાળઝાળ ગરમીથી પરેશાન ગુજરાતીઓને મોટી રાહત મળી શકે છે.
ફરી એક મંચ પર દેખાયા ઇટાલિયા, કથિરિયા, બાંભણિયા અને વરુણ : ગુજરાતની રાજનીતિમાં શું રંધાઈ રહ્યું છે? શું ફરી પાટીદારો કરશે કંઈક નવાજૂની?
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજથી પશ્ચિમી વિક્ષેપની અસર ઉત્તર ભારતના હવામાન પર જોવા મળી શકે છે. 10 અને 11 મે દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે, જ્યારે 14 મે સુધી ઉત્તર ભારતના હવામાનમાં મોટો ફેરફાર થઈ શકે છે. જોકે, ગુજરાત માટે આગામી થોડા દિવસો હજુ પણ ભારે ગરમીવાળા રહેશે.
તેમણે આગાહી કરી છે કે 11 મે બાદ રાજ્યના અનેક ભાગોમાં ગરમી વધુ આકરી બની શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 43થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને અમદાવાદ, પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પ્રકોપ
આગાહી મુજબ અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારોછૂટી શકે છે. શહેરમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ તીવ્ર ગરમીનો માહોલ રહેશે. પંચમહાલ જિલ્લામાં 43-44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં તાપમાન થોડું ઓછું રહેવાની શક્યતા છે. જામનગરમાં 35 થી 37 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે, જ્યારે જુનાગઢ અને આસપાસના વિસ્તારોમાં પણ ગરમીમાં વધારો નોંધાઈ શકે છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના કારણે તાપમાન 32થી 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
14 મે બાદ હવામાનમાં ફેરફારની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 14 અને 15 મે પછી ગુજરાતના હવામાનમાં ધીમે ધીમે બદલાવ જોવા મળી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે અને ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.
ખાસ કરીને 17થી 23 મે દરમિયાન પ્રિ-મોન્સુન એક્ટિવિટી વધુ સક્રિય બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે 29 અને 30 મે દરમિયાન પણ હવામાનમાં ફરી એકવાર પલટો આવી શકે છે. ત્યારબાદ 2 થી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
સુરત SBI લૂંટ કેસના આરોપીનું પોલીસ પર ફાયરિંગ: ACP એ સ્વબચાવમાં ગોળી મારી
અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં વધશે હલચલ
અંબાલાલ પટેલે આગાહીમાં દરિયાઈ હવામાનને લઈને પણ મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે. તેમના મુજબ, 8 જૂન આસપાસ દરિયામાં પવનોની દિશામાં ફેરફાર જોવા મળી શકે છે. અરબ સાગરમાં મે મહિનાના અંતિમ સપ્તાહથી 15 જૂન વચ્ચે વાવાઝોડું સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તે ઉપરાંત બંગાળના ઉપસાગરમાં પણ હવામાન પ્રણાલીઓ સક્રિય થવાની શક્યતા છે. 15થી 18 મે દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાના સંકેતો આપવામાં આવ્યા છે. જો આવું બને, તો તેની અસર પૂર્વ ભારત અને દરિયાકાંઠાના વિસ્તારો પર પડી શકે છે.
તેમણે જણાવ્યું કે 23 મે આસપાસ બંગાળના ઉપસાગરમાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની જરૂર પડી શકે છે.
'હવે પછી ક્યારેય રીલ નહીં બનાવું': સુરતના ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ માંગી માફી
ચોમાસું ક્યારે પહોંચશે ગુજરાતમાં?
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 8 થી 15 જૂન દરમિયાન પવનનું જોર વધશે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ શરૂ થઈ શકે છે. ત્યારબાદ 19 થી 23 જૂન વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત મારફતે ચોમાસું પ્રવેશ કરે છે અને ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં ફેલાય છે. જો હાલની આગાહી મુજબ હવામાન પ્રણાલીઓ સક્રિય રહેશે, તો આ વર્ષે ચોમાસાની શરૂઆત સામાન્ય સમયગાળાની આસપાસ થઈ શકે છે.
હાલ માટે હવામાન વિભાગ અને ખાનગી આગાહીકારો બંને આગામી બે અઠવાડિયા ગરમી અને ત્યારબાદ પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઈને સતત નજર રાખી રહ્યા છે. જોકે, લાંબા ગાળાની હવામાન આગાહીમાં સમયાંતરે ફેરફાર શક્ય હોવાથી સત્તાવાર હવામાન અપડેટ પર ધ્યાન રાખવું જરૂરી રહેશે.





