સુરત: હીરાનગરી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં થયેલી રૂ. 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં શુક્રવારે એક અત્યંત નાટકીય અને જોખમી વળાંક આવ્યો હતો. લૂંટના ગુનામાં ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર પૈકીના એક એવા આરોપી શુભમકુમાર અજીત ઠાકુરને જ્યારે પોલીસ હથિયાર રિકવરી માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ પર જ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીએ સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં આરોપીને ઈજા પહોંચી છે.
કન્યાસી ગામે સર્જાયું ફિલ્મી દ્રશ્ય
પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી શુભમ ઠાકુરે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે લૂંટમાં વપરાયેલ હથિયાર અને મોબાઈલ ફોન તેણે કિમ નજીક આવેલા કન્યાસી ગામની સીમમાં છુપાવ્યા છે. આ કબૂલાતના આધારે શુક્રવારે સાંજે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની એક સંયુક્ત ટીમ આરોપીને લઈને ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી શુભમ જે સ્થળે હથિયાર છુપાવ્યા હોવાનું બતાવતો હતો ત્યાં પહોંચતા જ તેણે અચાનક પથ્થર નીચે દબાવેલી લોડેડ પિસ્તોલ કાઢી લીધી હતી. પોલીસ કઈ સમજે તે પહેલા જ તેણે વરાછા પોલીસ સ્ટેશનના PI એ.આર. વાળા પર નિશાન સાધીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે PI વાળાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આ અચાનક થયેલા હુમલાથી પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ હતી.
ACP કિરણ મોદીનો વળતો પ્રહાર
સ્થિતિની ગંભીરતા અને પોલીસ ટીમ પર જીવનું જોખમ જોતા, ત્યાં હાજર ક્રાઈમ બ્રાન્ચના ACP કિરણ મોદીએ તુરંત જ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી હતી અને સ્વબચાવમાં આરોપી પર ગોળીબાર કર્યો હતો. ACP દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક ગોળી શુભમ ઠાકુરના ડાબા પગના મસલ્સમાં વાગીને જમણા પગમાંથી આરપાર નીકળી ગઈ હતી. ગોળી વાગતા જ આરોપી લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. પોલીસે તુરંત જ તેને કસ્ટડીમાં લઈ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ખસેડ્યો હતો.
ગુજરાતમાં જ્યાં એક સમયે રોજ લાગતી હતી મડદાની લાઈનો: ત્યાં આજે બની ગયો છે ભારતનો સૌથી ડરામણો બીચ
બિહારની જેલમાંથી રચાયું હતું લૂંટનું કાવતરું
તપાસમાં જે ખુલાસા થયા છે તે ચોંકાવનારા છે. આ લૂંટ કોઈ સામાન્ય ચોરી નહોતી, પરંતુ આંતરરાજ્ય ગેંગ દ્વારા રચાયેલું એક સુવ્યવસ્થિત કાવતરું હતું. પોલીસ તપાસ મુજબ, સમગ્ર લૂંટનું ઓપરેશન બિહારની જેલમાંથી કુંદન ભગત નામના ગુનેગાર દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું.
શુભમ ઠાકુર લૂંટના દસ દિવસ પહેલા જ ખાસ ફ્લાઈટ દ્વારા દિલ્હીથી સુરત આવ્યો હતો. જ્યારે ગેંગના અન્ય પાંચથી છ સભ્યો ટ્રેન મારફતે હથિયારો સાથે બિહાર અને ઉત્તરપ્રદેશથી સુરત પહોંચ્યા હતા. તેઓએ સુરતમાં રહીને બેંકની રેકી કરી હતી અને ત્યારબાદ ધોળા દિવસે રૂ. 50 લાખની લૂંટ ચલાવી હતી. સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂતને અયોધ્યાથી દબોચી લીધા હતા.
કિમ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
પોલીસ પર ફાયરિંગ કરવાની આ ઘટનાને પગલે શુભમ ઠાકુરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લૂંટના ગુના ઉપરાંત હવે તેની સામે કિમ પોલીસ સ્ટેશનમાં 'હત્યાનો પ્રયાસ' (IPC/BNS ની સંબંધિત કલમો) અને 'સરકારી ફરજમાં રૂકાવટ' હેઠળ નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શનિવારે એફએસએલ (FSL)ની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ લોહીના નમૂના અને ખાલી કારતૂસ કબજે કર્યા હતા.
લંડન જવાના સપના વચ્ચે ગુજરાતી પરિવાર બંધક?: દુબઈ બાદ સંપર્ક તૂટ્યો, 1 કરોડની ખંડણીની માંગનો આક્ષેપ
વહીવટી અને તબીબી તપાસ
હાલમાં શુભમ ઠાકુર સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ છે. સિવિલ હોસ્પિટલના તબીબી અહેવાલ મુજબ, તેના બંને પગમાં 3 થી 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન છે. જોકે તેની હાલત અત્યારે સ્થિર છે. બીજી તરફ, સુરત પોલીસની અલગ-અલગ ટીમો હજુ પણ આ કેસમાં ફરાર અન્ય છ આરોપીઓને પકડવા માટે ઉત્તરપ્રદેશ અને બિહારમાં ધામા નાખીને બેઠી છે.
સુરત પોલીસ કમિશનરે આ કેસમાં ઝડપી કામગીરી અને હિંમત બતાવનાર અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સુરત પોલીસ ગુનેગારો સામે કડક હાથે કામ લેવા માટે કટિબદ્ધ છે.





