વિદેશ જવાની લાલચ અને ગેરકાયદેસર ઇમિગ્રેશન નેટવર્કને લઈને ગુજરાતમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતો યેમેકર પરિવાર લંડન જવા નીકળ્યા બાદ દુબઈ પહોંચતા જ ગુમ થયો હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. પરિવારના ચાર સભ્યોને બંધક બનાવી ખંડણી માંગવામાં આવી રહી હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે હવે અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, 20 એપ્રિલે યેમેકર પરિવારના ચાર સભ્યો વર્ક પરમીટના બહાને લંડન જવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેમને દિલ્હીથી શ્રીલંકા અને ત્યારબાદ દુબઈ લઈ જવાયા હતા. જોકે દુબઈ પહોંચ્યા બાદ પરિવારનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. ત્યારબાદ અજાણ્યા લોકો દ્વારા પરિવારજનોને વોટ્સએપ કોલ અને મેસેજ મારફતે ખંડણી માટે ધમકીઓ મળવા લાગી હતી.
લોહીથી લથપથ તસવીરો મોકલી ખંડણીની માંગ
પરિવારજનોનો આક્ષેપ છે કે એજન્ટોએ બંધક બનાવાયેલા સભ્યોની મારપીટ બાદની તસવીરો મોકલી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. એક તસવીરમાં 17 વર્ષીય રુદ્રના ગળા પર છરી મુકાયેલી સ્થિતિ જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરિવારને ધમકી આપવામાં આવી હતી કે જો રૂપિયા નહીં ચૂકવવામાં આવે તો અન્ય સભ્યોને પણ નુકસાન પહોંચાડવામાં આવશે.
પરિવારની દીકરી શ્રેયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પરિવારને કોઈ આફ્રિકન દેશમાં બંધક બનાવવામાં આવ્યા હોવાની આશંકા છે. શરૂઆતમાં ‘બાબા ખાન’ નામના વ્યક્તિએ ફોન કરીને 1.5 કરોડ રૂપિયાની માંગ કરી હતી. બાદમાં સોદાબાજી કરીને આ રકમ 1 કરોડ અને અંતે 70 લાખ સુધી લાવવામાં આવી હોવાનું પરિવારનો દાવો છે.
પ્રતિ વ્યક્તિ 30 લાખમાં લંડન મોકલવાનો સોદો
પરિવારજનોના જણાવ્યા મુજબ, લંડન પહોંચાડવા માટે પ્રતિ વ્યક્તિ અંદાજે 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આ માટે અમદાવાદ અને વલસાડના કેટલાક એજન્ટો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. હવે સમગ્ર મામલામાં અમદાવાદના એજન્ટ પ્રીતેષ જોશી, દર્શન મિસ્ત્રી અને વલસાડના એક એજન્ટનું નામ સામે આવ્યું છે.
ગોમતીપુર પોલીસે પ્રાથમિક કાર્યવાહી તરીકે પ્રીતેષ જોશીને રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. પૂછપરછ દરમિયાન વલસાડ કનેક્શન સામે આવતા ત્યાં સુધી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હવે તપાસમાં જોડાયા છે.
ગુજરાતમાં જ્યાં એક સમયે રોજ લાગતી હતી મડદાની લાઈનો: ત્યાં આજે બની ગયો છે ભારતનો સૌથી ડરામણો બીચ
દીકરીનો આક્ષેપ: શરૂઆતમાં પોલીસે ગંભીરતા ન લીધી
શ્રેયાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે શરૂઆતમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો. પરિવાર દ્વારા ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યા બાદ જ પોલીસ સક્રિય બની હતી.
શ્રેયાએ વધુમાં જણાવ્યું હતું કે 20 એપ્રિલે પરિવાર લંડન જવા નીકળ્યો હતો, જ્યારે 24 એપ્રિલે તેણે પ્રેમલગ્ન કર્યા હતા. તે પરિવાર સાથે વિદેશ ગઈ નહોતી. તેણે એવો દાવો પણ કર્યો કે પોતાના પ્રેમલગ્ન અંગે માતા-પિતાને અગાઉથી જાણ કરી દીધી હતી.
ગુજરાતમાંથી વધી રહેલા ગેરકાયદેસર ઇમિગ્રેશન કેસો
તાજેતરના સમયમાં ગુજરાતમાંથી વિદેશમાં નોકરી અથવા સેટલમેન્ટના નામે ઠગાઈ અને માનવ તસ્કરી જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા અને યુરોપિયન દેશોમાં ગેરકાયદેસર રીતે પહોંચાડવાના વાયદા કરીને એજન્ટો લાખો રૂપિયા વસૂલતા હોવાના અનેક કેસ સામે આવી ચૂક્યા છે.





