Home Business Ai Investment Cost Companies Questioning Roi

શું AI નું જ ભવિષ્ય જોખમમાં? : અબજો ડોલરનું રોકાણ છતાં વિશ્વની દિગ્ગજ કંપનીઓ કેમ ઉઠાવી રહી છે સવાલ?

AI નું જ ભવિષ્ય જોખમમાં દર્શાવતું દ્રશ્ય
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 28, 2026, 03:05 AM IST

છેલ્લા બે વર્ષમાં Artificial Intelligence (AI) ટેકનોલોજી દુનિયાભરની મોટી કંપનીઓ માટે સૌથી મોટું રોકાણ ક્ષેત્ર બની ગઈ છે. Microsoft, Amazon, Google, Meta અને Uber જેવી ટેક જાયન્ટ્સે AIમાં અબજો ડોલર ખર્ચ્યા છે. જોકે હવે ધીમે ધીમે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આ રોકાણથી વાસ્તવમાં કંપનીઓને કેટલો ફાયદો મળી રહ્યો છે?

તાજેતરના અહેવાલો અને કંપનીઓના નાણાકીય ખુલાસાઓ દર્શાવે છે કે AIમાં ભારે ખર્ચ બાદ પણ અપેક્ષા મુજબ Return on Investment (ROI) મળતો નથી. કેટલીક કંપનીઓ હવે AI સંબંધિત ખર્ચ ઘટાડવા અને તેનો વાસ્તવિક ઉપયોગ ફરીથી મૂલ્યાંકન કરવા મજબૂર બની રહી છે.

આ પણ વાંચો: ‘સાવધાન રહો, પાણી પીતા રહો અને જરૂરિયાતમંદોને મદદ કરો’ : દેશભરમાં આકરી ગરમી વચ્ચે PM મોદીની અપીલ

2025માં AI પર 320 બિલિયન ડોલરનું રોકાણ

રિપોર્ટ્સ મુજબ માત્ર 2025 દરમિયાન જ Microsoft, Amazon, Google અને Meta જેવી ચાર મોટી કંપનીઓએ મળીને AI ક્ષેત્રમાં અંદાજે 320 બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું.

આટલી મોટી મૂડીરોકાણ પછી કંપનીઓને આશા હતી કે AI પ્રોડક્ટિવિટી, ઓટોમેશન અને યુઝર અનુભવમાં મોટો ફેરફાર લાવશે. પરંતુ હવે ઘણી કંપનીઓ અંદરખાને આ પ્રશ્ન પૂછવા લાગી છે કે શું AI ખરેખર તેટલું અસરકારક સાબિત થઈ રહ્યું છે જેટલું શરૂઆતમાં માનવામાં આવતું હતું?

Uberના COO એન્ડ્ર્યૂ મેકડોનાલ્ડે તાજેતરમાં સ્વીકાર્યું હતું કે કંપનીએ AI પર કરેલા કેટલાક ખર્ચને “જસ્ટિફાઈ” કરવો મુશ્કેલ બની રહ્યો છે.

Uberમાં AI ટૂલ્સનો ભારે ઉપયોગ છતાં મર્યાદિત પરિણામ

Uberના અધિકારીઓએ AI ખર્ચને “ટોકનમૅક્સિંગ” તરીકે વર્ણવવાનું શરૂ કર્યું છે. તેનો અર્થ એ છે કે ડેવલપર્સ મોટા પ્રમાણમાં AI કમ્પ્યુટ ટોકન્સનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેની સામે પ્રોડક્ટ અથવા ગ્રાહક અનુભવમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો નથી.

રિપોર્ટ અનુસાર Uberના 5,000થી વધુ ડેવલપર્સમાંથી લગભગ 92 ટકા દર મહિને AI આસિસ્ટન્ટ્સનો ઉપયોગ કરે છે. કંપનીના લગભગ 10 ટકા કોડ હવે AI દ્વારા લખવામાં આવે છે.

જોકે, કંપનીના અધિકારીઓનું કહેવું છે કે AI દ્વારા જનરેટ થતો કોડ હંમેશા ગુણવત્તાસભર કે વધુ અસરકારક હોય એવું જરૂરી નથી. અનેક વખત તેમાં સુધારા માટે માનવીય હસ્તક્ષેપ જરૂરી બને છે.

Uberના CTO પ્રવીણ નેપલ્લી નાગાએ અગાઉ ખુલાસો કર્યો હતો કે કંપનીએ ક્લાઉડ કોડિંગ માટે 2026નું સંપૂર્ણ બજેટ માત્ર ચાર મહિનામાં જ ખર્ચી નાખ્યું હતું.

આ પણ વાંચો: કેરલમમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા : પૂર્વ સીએમ પિનરાઈ વિજયનના ઘરે દરોડા પાડવા ગયેલા ED અધિકારીઓ પર પથ્થરમારો

AI માટે ભરતી રોકી, હવે ROI પર સવાલ

આ મહિનાની શરૂઆતમાં Uberના CEO દારા ખોસ્રોશાહીએ જણાવ્યું હતું કે કંપની AIમાં વધુ રોકાણ કરી રહી હોવાથી નવી ભરતીની ગતિ ધીમી કરવામાં આવી છે.

જોકે હવે બજારમાં ચર્ચા ચાલી રહી છે કે AI પર ભારે નિર્ભરતા લાંબા ગાળે કંપનીઓ માટે ફાયદાકારક સાબિત થશે કે નહીં.

કેટલાક નિષ્ણાતો માને છે કે AIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ કંપનીઓ પાસે હજુ સ્પષ્ટ માપદંડ નથી કે આ રોકાણથી વાસ્તવિક વ્યાપારી લાભ કેટલો મળી રહ્યો છે.

આ પણ વાંચો: આસામમાં UCC બિલ મંજૂર : હવે લગ્ન-તલાકથી લઈને લિવ-ઇન સુધી બદલાશે નિયમો

Microsoft અને Duolingoએ પણ ખર્ચ ઘટાડવાની શરૂઆત કરી

Microsoft વિશે પણ અહેવાલો સામે આવ્યા છે કે કંપનીએ કેટલાક AI કોડિંગ સબ્સ્ક્રિપ્શન ઘટાડવાનું શરૂ કર્યું છે. કંપનીઓ હવે AI સંબંધિત વધતા ખર્ચ પર નિયંત્રણ લાવવા માંગે છે.

તે જ રીતે Duolingoએ પોતાની AI નીતિમાં ફેરફાર કર્યો હતો. કંપની અગાઉ કર્મચારીઓનું મૂલ્યાંકન એ આધારે કરતી હતી કે તેઓ AI ટૂલ્સનો કેટલો ઉપયોગ કરે છે.

પરંતુ કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે તેમને બળજબરીથી AI ટૂલ્સ વાપરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે વાસ્તવમાં તેમના કામમાં ખાસ સુધારો જોવા મળતો નથી. આ વિરોધ બાદ કંપનીએ નીતિ પાછી ખેંચી લીધી હતી.

આ પણ વાંચો: દિયોદર તાલુકા પંચાયત ચૂંટણીમાં હાઇ વોલ્ટેજ ડ્રામા : 2 વખત મોકૂફ થઈ ચુંટણી; કોંગ્રેસના ભાજપ પર ગંભીર આક્ષેપ

AIનો ખોટો ઉપયોગ ખર્ચ વધારી રહ્યો છે: નિષ્ણાત

AI નિષ્ણાત અંશ મહેરાનું માનવું છે કે ઘણી કંપનીઓ હાલમાં AIનો ઉપયોગ યોગ્ય રીતે કરી રહી નથી. તેમના જણાવ્યા મુજબ કર્મચારીઓ ઘણીવાર AI સિસ્ટમ પર વધુ નિર્ભર બની જાય છે, જેના કારણે નીચી ગુણવત્તાવાળા પરિણામો સામે આવે છે અને ખર્ચ વધે છે.

મહેરાએ સલાહ આપી કે કંપનીઓએ AIને દરેક કામમાં ઠાલવવાના બદલે પહેલા નાના અને ઓછા જોખમવાળા વિભાગોમાં તેનો ઉપયોગ શરૂ કરવો જોઈએ.

તેમણે કહ્યું કે અનુભવી કર્મચારીઓ દ્વારા AI ટૂલ્સ અને Large Language Models (LLMs)નું પરીક્ષણ કરાવવું જોઈએ અને તેના પરિણામોની કાળજીપૂર્વક સમીક્ષા કરવી જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને જામીન : પોણા ત્રણ વર્ષ બાદ જેલ બહાર આવશે, અકસ્માતમાં 9 લોકોના થયા હતા મોત

AIનું ભવિષ્ય શું કહે છે?

ટેક ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો માને છે કે AI લાંબા ગાળે મોટી ટેકનોલોજીકલ ક્રાંતિ બની શકે છે, પરંતુ હાલનો તબક્કો “એક્સપેરીમેન્ટ અને એડજસ્ટમેન્ટ”નો છે.

કંપનીઓ હવે માત્ર AI અપનાવવાની દોડમાં નહીં પરંતુ “સ્માર્ટ AI ઇન્વેસ્ટમેન્ટ” તરફ આગળ વધી રહી છે. આગામી સમયમાં AI પર ખર્ચ કરતાં તેની વાસ્તવિક અસર, કાર્યક્ષમતા અને નફાકારકતા પર વધુ ભાર મૂકાય તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now