Kerala Politics: કેરળમાં પ્રવર્તમાન રાજકીય ગરમાવો વચ્ચે પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિરોધ પક્ષના નેતા પિનારાઈ વિજયનના નિવાસસ્થાને કરાયેલી કાર્યવાહી બાદ ભારે વિવાદ ઉભો થયો છે. કન્નુર સ્થિત તેમના નિવાસસ્થાને EDની તપાસ પૂર્ણ થયા બાદ બહાર નીકળતા અધિકારીઓ સામે CPI(M) કાર્યકરોનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક સ્થળોએ અધિકારીઓ પર પથ્થરમારો થવાના પણ અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. આ કાર્યવાહી બાદ કેરળની રાજનીતિમાં ઉથલપાથલ મચી છે. CPI(M) એ કેન્દ્ર સરકાર પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ED આ સમગ્ર કાર્યવાહી મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલી તપાસનો ભાગ હોવાનું જણાવી રહી છે.
EDની કાર્યવાહી બાદ નિવાસસ્થાન બહાર હાઈ-વોલ્ટેજ ડ્રામા
કન્નુરમાં પિનારાઈ વિજયનના નિવાસસ્થાને તપાસ પૂર્ણ કર્યા બાદ ED અધિકારીઓ બહાર નીકળવા લાગ્યા ત્યારે પાર્ટી કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થઈ ગયા હતા. કાર્યકરોએ ગેટ બહાર સૂત્રોચ્ચાર શરૂ કર્યો અને અધિકારીઓને સવાલો પૂછતાં વાતાવરણ તંગ બન્યું હતું. સ્થાનિક નેતાઓ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, છતાં લાંબા સમય સુધી ધક્કામુક્કી અને ભારે હોબાળો જોવા મળ્યો હતો.
CPI(M)નો કેન્દ્ર સરકાર પર પ્રહાર
આ સમગ્ર ઘટનાને લઈને CPI(M)ના મહાસચિવ એમ.એ. બેબીએ કેન્દ્ર સરકાર અને ED પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરવા માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, દેશના વિવિધ રાજ્યોમાં વિરોધી પક્ષના નેતાઓ સામે મનગમતા આરોપો લગાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હી સહિતના અનેક કેસોનો ઉલ્લેખ કરતાં તેમણે દાવો કર્યો કે આ રાજકીય વ્યૂહરચનાનો જ એક ભાગ છે.
આ પણ વાંચો: ‘સાવધાન રહો, પાણી પીતા રહો અને જરૂરિયાતમંદોને મદદ કરો’: દેશભરમાં આકરી ગરમી વચ્ચે PM મોદીની અપીલ
“ED હવે સ્વતંત્ર એજન્સી રહી નથી”
એમ.એ. બેબીએ વધુમાં આરોપ લગાવ્યો કે ED હવે સ્વતંત્ર તપાસ એજન્સી તરીકે નહીં પરંતુ “રાજકીય મશીનરી” તરીકે કાર્ય કરી રહી છે. તેમના મતે, વિરોધી અવાજોને દબાવવા અને રાજકીય વિરોધીઓને ડરાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. આ આરોપો વચ્ચે CPI(M) કાર્યકરોએ રાજ્યના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન પણ શરૂ કર્યા છે.
કેરળમાં 10 સ્થળોએ EDના દરોડા
બુધવારે EDએ કેરળમાં કુલ 10 સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને તેમની પુત્રી વીણા વિજયન સાથે જોડાયેલા સ્થળોનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી કથિત મની લોન્ડરિંગ અને નાણાકીય ગેરરીતિઓના કેસ સાથે જોડાયેલી હોવાનું કહેવાઈ રહ્યું છે.
શું છે વીણા વિજયન અને Exalogic કંપનીનો મામલો?
આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી, જ્યારે પિનારાઈ વિજયનની પુત્રી વીણા વિજયનની કંપની Exalogic Solutions Private Limited (ESPL) અને Cochin Minerals and Rutile Limited (CMRL) વચ્ચે સોફ્ટવેર અને માર્કેટિંગ સેવાઓ માટે કરાર કરવામાં આવ્યો હતો. આરોપ છે કે, 2018-19થી આગામી ત્રણ વર્ષ દરમિયાન કંપનીને કોઈ સેવા આપ્યા વિના કરોડો રૂપિયાના ચૂકવણાં કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ કરારની આડમાં નાણાકીય ગેરરીતિ થઈ હોઈ શકે છે.
2019માં IT રેડ બાદ મામલો આવ્યો હતો સામે
આ સમગ્ર કેસનો ખુલાસો સૌપ્રથમ 2019માં થયો હતો, જ્યારે આવકવેરા વિભાગે CMRL પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ તૈયાર કરાયેલી રિપોર્ટમાં વીણા વિજયનની કંપનીને થયેલા સંદિગ્ધ ચૂકવણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિવાદ વધતા કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2024માં SFIO (Serious Fraud Investigation Office) ને સમગ્ર કેસની તપાસ સોંપી હતી.
SFIOની ચાર્જશીટ બાદ EDએ નોંધ્યો કેસ
એપ્રિલ 2025માં SFIO દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટના આધારે EDએ માર્ચ 2024માં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. તપાસ એજન્સીનું કહેવું છે કે નાણાકીય ગેરરીતિઓ અને શંકાસ્પદ લેવડદેવડના પુરાવાઓના આધારે કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. હવે પિનારાઈ વિજયન અને તેમની પુત્રી સાથે જોડાયેલા સ્થળોએ થયેલી આ કાર્યવાહી બાદ કેરળની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આ મામલો વધુ રાજકીય રંગ લે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.





