Home National Pm Modi Appeal Amid Heatwave Stay Safe Hydrated

‘સાવધાન રહો, પાણી પીતા રહો અને જરૂરિયાતમંદોને મદદ કરો’ : દેશભરમાં આકરી ગરમી વચ્ચે PM મોદીની અપીલ

PM Narendra Modi, Heatwave Alert
Image Credit: @IndianTechGuide
Published by: Nirali Gohil
Last Updated: May 27, 2026, 08:27 AM IST

Heatwave Alert: દેશના અનેક રાજ્યોમાં સતત વધી રહેલી ગરમી અને લૂની પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે. પ્રચંડ તાપમાનના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે ત્યારે PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક પોસ્ટ દ્વારા લોકોને હીટવેવથી બચવા માટે જરૂરી સૂચનો આપ્યા છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ખુલ્લામાં કામ કરતા લોકો માટે વધતી ગરમી જોખમી બની શકે છે, તેવું તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાને લોકોને માત્ર પોતાની નહીં પરંતુ આસપાસના લોકો, પશુ-પક્ષીઓ અને જરૂરિયાતમંદો પ્રત્યે પણ સંવેદનશીલ બનવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં નાની મદદ પણ કોઈ માટે જીવનદાયી બની શકે છે.

ગરમીથી બચવા PM મોદીની ખાસ સલાહ

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પૂરતું પાણી પીવાનું અને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવાનું ખાસ કહ્યું છે. તેમણે જણાવ્યું કે, વધુ ગરમી દરમિયાન શરીરમાં પાણીની ઉણપ (ડિહાઇડ્રેશન) થવાની શક્યતા વધી જાય છે, જેના કારણે ચક્કર આવવા, માથાનો દુખાવો, નબળાઈ અને ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેમણે લોકોને અપીલ કરી કે, જો કોઈ વ્યક્તિને વધારે થાક, ચક્કર અથવા અસ્વસ્થતા અનુભવાય તો તેને તરત જ ઠંડી અને છાયાવાળી જગ્યાએ લઈ જવું જોઈએ અને પાણી અથવા ORS આપવું જોઈએ.

‘હીટ એક્ઝોશન’ના લક્ષણોને અવગણશો નહીં

PM મોદીએ હીટ એક્ઝોશન (ગરમીના કારણે શરીર પર પડતી ગંભીર અસર) અંગે ચેતવણી આપતાં કહ્યું કે, લોકો ચક્કર આવવા, ઉબકા, વધુ થાક અથવા માથાનો દુખાવો જેવા લક્ષણોને સામાન્ય માનીને અવગણતા નહીં.

તેમણે કહ્યું કે, સમયસર સાવચેતી નહીં રાખવામાં આવે તો આ સ્થિતિ ગંભીર બની ‘હીટસ્ટ્રોક’માં ફેરવાઈ શકે છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: હવે પોલીસ સાદા કપડાંમાં નહીં કરી શકે કાર્યવાહી: વરદીમાં જ ફરજ બજાવશે પોલીસકર્મીઓ

બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો માટે વધારે જોખમ

વડાપ્રધાને જણાવ્યું કે, નાના બાળકો, વડીલો અને ખુલ્લા તડકામાં કામ કરતા શ્રમિકો સૌથી વધુ જોખમમાં હોય છે. તેથી આવા લોકોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તેમણે પરિવારજનોને અપીલ કરી કે તેઓ પોતાના માતા-પિતા, દાદા-દાદી અને અન્ય વૃદ્ધ સગાઓને નિયમિત ફોન કરીને તેમનું સ્વાસ્થ્ય પૂછે અને તેમને વધુ પાણી પીવા, બપોરની કડક ધૂપમાં બહાર ન નીકળવા અને પૂરતો આરામ કરવાની સલાહ આપે.

જરૂરિયાતમંદોને એક ગ્લાસ પાણી આપવાની અપીલ

PM મોદીએ કહ્યું કે, ગરમીના આ દિવસોમાં માનવતા અને સંવેદનશીલતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો શક્ય હોય તો રસ્તા પર તરસ્યા લોકોને પાણી આપવું જોઈએ. તેમણે એવા લોકોની પ્રશંસા પણ કરી કે જે પોતાના ઘર, દુકાન અથવા ઓફિસની બહાર પાણીનો મટકો અથવા ઠંડું પાણી રાખે છે, જેથી પસાર થતા લોકો તેનો ઉપયોગ કરી શકે.

આ પણ વાંચો: NEET UG પેપર લીક કેસમાં વધુ બે ધરપકડ: ડોક્ટર અને કોચિંગ શિક્ષક તપાસના ઘેરામાં, અત્યાર સુધીમાં 13 આરોપી ઝડપાયા

પશુ-પક્ષીઓ માટે પણ રાખો પાણી

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પશુ-પક્ષીઓ પ્રત્યે પણ સંવેદના દાખવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, ઘરની બાલ્કની, છત, દુકાન અથવા ઓફિસની બહાર પાણીથી ભરેલું નાનું વાસણ રાખવાથી તરસ્યા પક્ષીઓ અને જાનવરોને મોટી રાહત મળી શકે છે. તેમણે અંતમાં દેશવાસીઓને સંદેશ આપતા કહ્યું કે, આ કઠિન ગરમીના દિવસોમાં આપણે સૌએ એકબીજાની કાળજી રાખવી જોઈએ અને કરુણા સાથે મદદ માટે આગળ આવવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now