Assam Assembly: આસામ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પાસ થતાં રાજ્ય દેશમાં સમાન નાગરિક સંહિતા અમલમાં લાવનાર ત્રીજું રાજ્ય બનવા તરફ આગળ વધ્યું છે. ઉત્તરાખંડ અને ગુજરાત બાદ હવે આસામમાં પણ લગ્ન, તલાક, લિવ-ઇન સંબંધ અને સંપત્તિના નિયમો માટે એકસરખો કાયદો લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની સરકારે વિધાનસભા સત્રના અંતિમ દિવસે ભારે હોબાળા વચ્ચે આ બિલ પસાર કરાવ્યું હતું.
વિરોધ વચ્ચે વિધાનસભામાં બિલ પાસ
આસામ વિધાનસભામાં UCC બિલને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વિપક્ષે આ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાની માંગ કરી હતી, પરંતુ સરકારે તેને નકારી કાઢી અને ચર્ચા તથા વિરોધ વચ્ચે બિલ પાસ કરાવ્યું. સરકારનું કહેવું છે કે આ કાયદાનો હેતુ તમામ નાગરિકો માટે સમાન નિયમો લાગુ કરવાનો છે, જેથી કાનૂની અસમાનતા દૂર થઈ શકે.
આદિવાસી સમુદાયને કાયદાથી બહાર રાખવામાં આવ્યો
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આસામના આદિવાસી સમુદાયોને આ કાયદાના દાયરાથી બહાર રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારનું માનવું છે કે આદિવાસી સમુદાયોની પરંપરા, સંસ્કૃતિ અને સામાજિક માળખું જળવાઈ રહે તે માટે તેમને વિશેષ છૂટ આપવામાં આવી છે. નવા કાયદા મુજબ રાજ્યમાં એકથી વધુ લગ્ન એટલે કે બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત પુરુષો માટે લગ્નની કાયદેસર ઉંમર 21 વર્ષ અને મહિલાઓ માટે 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. હવે લગ્ન અને તલાકનું સરકારી રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. જો કોઈ વ્યક્તિ રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે.
લગ્નમાં છેતરપિંડી કે દબાણ માટે કડક સજા
UCC બિલમાં કાયદાનો ભંગ કરનારાઓ માટે કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ બહુપત્નીત્વનો દોષી સાબિત થાય તો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 82 હેઠળ તેને 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને, ધમકી આપીને અથવા દબાણથી લગ્ન કરે તો પણ 7 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે. આ ઉપરાંત બાળલગ્ન અથવા વ્યક્તિની મંજૂરી વિના લગ્ન કરવા બદલ 2 વર્ષની જેલ થઈ શકે છે. કાયદાકીય પ્રક્રિયા વિના ગેરકાયદેસર રીતે તલાક લેવા બદલ 3 વર્ષની જેલની જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: કેરળમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: પૂર્વ સીએમ પિનરાઈ વિજયનના ઘરે દરોડા પાડવા ગયેલા ED અધિકારીઓ પર પથ્થરમારો
લિવ-ઇન રિલેશનશિપ માટે પહેલીવાર કડક નિયમો
આ બિલમાં લિવ-ઇન રિલેશનશિપને લઈને પણ મહત્વના નિયમો બનાવવામાં આવ્યા છે. હવે લિવ-ઇનમાં રહેતા કપલને એક મહિનાની અંદર સરકારી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો તેઓ રજીસ્ટ્રેશન નહીં કરાવે તો 3 મહિના સુધીની જેલ અથવા 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ લિવ-ઇન સંબંધ અંગે ખોટી માહિતી આપે અથવા કોઈ હકીકત છુપાવે તો તેને 3 મહિના સુધીની જેલ અને 25 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. સરકારનું કહેવું છે કે આ નિયમથી લિવ-ઇન સંબંધમાં રહેતા લોકોના કાનૂની અધિકારો વધુ સુરક્ષિત બનશે.
લગ્ન-તલાકના રજીસ્ટ્રેશનમાં મોડું કરશો તો દંડ
નવા કાયદા મુજબ લગ્ન અથવા તલાક થયા પછી 60 દિવસની અંદર તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો કોઈ વ્યક્તિ સમયસર રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તેને 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. સાથે જ જો કોઈ વ્યક્તિ ખોટા દસ્તાવેજો રજૂ કરે તો તેને 3 મહિના સુધીની જેલ અથવા 25 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.
સંપત્તિમાં દીકરીઓ અને માતા-પિતાને પણ સમાન અધિકાર
આ કાયદા હેઠળ સંપત્તિના વહેંચણીના નિયમોમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દીકરાઓની જેમ દીકરીઓ અને માતા-પિતાને પણ સમાન કાનૂની હક મળશે. સરકારના મતે આ પગલું સામાજિક ન્યાય અને સમાનતા તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ પણ વાંચો: ‘સાવધાન રહો, પાણી પીતા રહો અને જરૂરિયાતમંદોને મદદ કરો’: દેશભરમાં આકરી ગરમી વચ્ચે PM મોદીની અપીલ
CM હિમંતા બિસ્વા સરમાનો દાવો – સમાજમાં આવશે સમાનતા
સમાચાર એજન્સી ANI મુજબ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે UCC કાયદાથી સમાજમાં સમાનતા આવશે અને લોકોને લગ્ન, તલાક અને સંપત્તિના મામલામાં કાનૂની સ્પષ્ટતા મળશે. જોકે વિપક્ષે આ કાયદાનો કડક વિરોધ કર્યો છે અને તેને કેટલાક સમુદાયો સામેનો નિર્ણય ગણાવ્યો છે.






