અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. લગભગ પોણા ત્રણ વર્ષથી જેલમાં રહેલા તથ્ય પટેલ હવે જેલ બહાર આવશે. 2023માં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને ઝંઝોળી નાખ્યું હતું, જેમાં 9 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ફરી એકવાર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. અકસ્માતની ગંભીરતા, આરોપીની ભૂમિકા અને રોડ સલામતી જેવા મુદ્દાઓને લઈને સમાજમાં વ્યાપક ચર્ચા શરૂ થઈ છે.
કેવી રીતે બન્યો હતો ઈસ્કોન બ્રિજ અકસ્માત?
2023માં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર મોડીરાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો અને પોલીસ એકત્ર થઈ હતી, ત્યારે તેજ ગતિએ આવી રહેલી કાર ભીડમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં પોલીસકર્મી સહિત કુલ 9 લોકોના મોત થયા હતા.
અકસ્માત બાદ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર પણ રોડ સલામતી અને બેદરકાર ડ્રાઇવિંગને લઈને ઉગ્ર ચર્ચા થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કાર અત્યંત વધુ ઝડપે દોડાવવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત : શારીરિક કસોટીમાં પાસ ઉમેદવારોને લેવાસે લેખિત પરીક્ષા, જાણો તારીખ
તથ્ય પટેલની ધરપકડ બાદ લાંબી કાયદાકીય પ્રક્રિયા
અકસ્માત બાદ તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. કેસની તપાસ દરમિયાન ટેક્નિકલ પુરાવા, CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો મહત્વપૂર્ણ માનવામાં આવ્યા હતા. છેલ્લા પોણા ત્રણ વર્ષ દરમિયાન કેસને લઈને વિવિધ અદાલતોમાં સુનાવણીઓ ચાલી હતી. જામીન માટે અનેક પ્રયાસો થયા બાદ હવે સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને જામીન મંજૂર કર્યા છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ચર્ચા તેજ
સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર થતાં કાનૂની અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે આ નિર્ણયને જોતા હોય ત્યારે બીજી તરફ મૃતકોના પરિવારજનોમાં નિરાશા અને અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. કાનૂની નિષ્ણાતોના જણાવ્યા મુજબ જામીન મળવાનો અર્થ આરોપી નિર્દોષ જાહેર થવો નથી. કેસની ટ્રાયલ અને અંતિમ ચુકાદાની પ્રક્રિયા યથાવત રહેશે.
આ પણ વાંચો: સુરતમાં ઘરમાંથી ચાલતો નશાકારક ગોળીઓનો કાળો કારોબાર ઝડપાયો : લિંબાયત પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
રોડ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં
ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઓવરસ્પીડિંગ અને મોડીરાત્રિના બેદરકાર ડ્રાઈવિંગ સામે પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. છતાં રોડ અકસ્માતોની વધતી ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે.
પરિવારજનો માટે હજુ ન્યાયની રાહ
અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો માટે આ ઘટના હજુ પણ ઘેરો આઘાત છે. તેઓએ શરૂઆતથી જ કડક કાર્યવાહી અને ઝડપી ન્યાયની માંગ કરી હતી. હવે જામીનના નિર્ણય બાદ ફરી એકવાર કેસની આગળની સુનાવણી પર સૌની નજર રહેશે. કેસ સાથે જોડાયેલા તમામ કાનૂની પાસાઓ અને પુરાવાઓના આધારે અંતિમ ચુકાદો આવવાનો બાકી છે. આગામી સમયમાં ટ્રાયલ કોર્ટમાં સુનાવણી વધુ મહત્વપૂર્ણ બની શકે છે.





