આફ્રિકન દેશોમાં ફરી એક વખત ઇબોલા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગે યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા મુસાફરો માટે વિશેષ તકેદારીના પગલાં અમલમાં મૂક્યા છે. હાલમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન યુગાન્ડાથી અમદાવાદ આવેલા 11 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આ તમામ લોકો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે, જેમાં થલતેજના 10 અને જોધપુર વિસ્તારના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ સુધી કોઈ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જોવા મળ્યા નથી અને તેઓ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તેમને હોમ ક્વોરન્ટીન હેઠળ રાખવામાં આવ્યા છે.
SVP હોસ્પિટલમાં 60 બેડનો ક્વોરન્ટીન વોર્ડ તૈયાર
ઈબોલા વાયરસના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને અમદાવાદની SVP હોસ્પિટલમાં અલગથી 60 બેડનો ક્વોરન્ટીન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જો કોઈ મુસાફરમાં ઇબોલાના લક્ષણો જોવા મળે અથવા તે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હોવાનું સામે આવે તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
AMCના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ એરપોર્ટ ઓથોરિટી, સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ વચ્ચે સંકલનથી કામગીરી ચાલી રહી છે. પ્રભાવિત દેશોમાંથી આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર મુજબ હોમ આઇસોલેશન અથવા ક્વોરન્ટીનમાં રાખવામાં આવે છે.
અમદાવાદ એરપોર્ટ પર સઘન સ્ક્રીનિંગ શરૂ
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાસ કરીને યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા મુસાફરો માટે સઘન સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાંજે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી વિશેષ આરોગ્ય ટીમો તૈનાત રાખવામાં આવી છે. મુસાફરોની તબિયત, મુસાફરીનો ઇતિહાસ અને સંભવિત સંપર્કોની વિગત ચકાસવામાં આવી રહી છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી માત્ર પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો માટે જ છે અને સામાન્ય મુસાફરોને ગભરાવાની જરૂર નથી. હાલ સુધી અમદાવાદમાં ઇબોલાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
ઈન્ટરનેશનલ મુસાફરો માટે SDF ફોર્મ ફરજિયાત
ઈબોલા વાયરસને લઈને વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય ચિંતાની સ્થિતિ ઊભી થતાં DGCA અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ફરજિયાત કરવામાં આવ્યું છે.
એરલાઇન્સને મુસાફરો પાસેથી ફ્લાઇટ દરમિયાન જ SDF ફોર્મ ભરાવવાની સૂચના આપવામાં આવી છે, જેથી એરપોર્ટ પર ભીડ ટાળી શકાય અને સંક્રમણનું જોખમ ઘટાડી શકાય. આરોગ્ય સંબંધિત જાહેરાતો પણ ફ્લાઇટમાં ફરજિયાત કરવામાં આવી છે.
ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ 24 કલાક તૈનાત
એરપોર્ટના આગમન વિસ્તારમાં 24x7 ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા SOPનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની બેદરકારીને કારણે આરોગ્ય કર્મચારીઓ અથવા અન્ય મુસાફરોને ચેપનું જોખમ ન રહે તે માટે વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ ભવિષ્યમાં પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે MOCA દ્વારા ‘એર સુવિધા’ પોર્ટલ કાર્યરત કરવાની પણ તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: અમિત શાહ 28-29 મે દરમિયાન ગુજરાત પ્રવાસે : ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અનેક વિકાસ કાર્યોની આપશે ભેટ
ઈબોલા વાયરસ કેટલો ખતરનાક?
ઈબોલા વાયરસ ડિસીઝ (EVD) દુનિયાના સૌથી ખતરનાક ચેપી રોગોમાંથી એક માનવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અંદાજ મુજબ આ રોગમાં મૃત્યુદર 25 ટકા થી 90 ટકા સુધી હોઈ શકે છે. ઇબોલા સૌપ્રથમ 1976માં આફ્રિકાના સુદાન અને તત્કાલીન ઝાયર (હવે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો)માં સામે આવ્યો હતો.
કોંગોની ઇબોલા નદી નજીક પ્રથમ કેસ નોંધાતા આ વાયરસને ‘ઇબોલા’ નામ આપવામાં આવ્યું હતું. આ વાયરસ સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી અથવા શરીરના અન્ય પ્રવાહી પદાર્થોના સંપર્કથી ફેલાય છે.
કોંગોમાં 80 મોત, WHOએ જાહેર કરી હેલ્થ ઇમરજન્સી
હાલમાં કોંગોના પૂર્વીય ઇટુરી પ્રાંતમાં ઇબોલાના કારણે અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા છે અને 246 શંકાસ્પદ કેસ નોંધાયા છે. WHOએ તેને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે, જોકે તેને હજુ મહામારી જાહેર કરવામાં આવી નથી.
કોંગોના સ્વાસ્થ્ય મંત્રી સેમ્યુઅલ-રોજર કમ્બાના જણાવ્યા મુજબ પ્રથમ કેસ એક નર્સનો હતો, જેનું 24 એપ્રિલે મોત થયું હતું. હાલ આ રોગ બુનિયા, રવામપારા અને મોંગવાલુ વિસ્તારો સુધી ફેલાયો છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વખતે ઇબોલાનો ‘બુંડીબુગ્યો સ્ટ્રેન’ જોવા મળ્યો છે, જ્યારે અગાઉ મોટાભાગના કેસ ‘ઝાયર સ્ટ્રેન’ના હતા. જેના કારણે હાલ ઉપલબ્ધ ઇલાજ અને રસીની અસરકારકતા અંગે નવી ચિંતા ઊભી થઈ છે.





