Home National India Ebola Alert Dgca Guidelines Who Health Emergency Airport Screening India

શું ફરી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાશે? : ઇબોલા વાયરસને લઈ ભારત હાઈ એલર્ટ પર, DGCA દ્વારા નવી SOP જાહેર

Ebola Virus, DGCA Travel Rules
Published by: Nirali Gohil
Last Updated: May 26, 2026, 10:05 AM IST

Ebola Virus: આફ્રિકન દેશોમાં ઇબોલા વાયરસના વધતા કેસોને પગલે વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે, ભારતમાં અત્યાર સુધી ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે આ રોગચાળાને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં તમામ એરપોર્ટ, બંદરો અને સરહદી વિસ્તારોમાં સ્ક્રીનીંગ અને દેખરેખ પ્રણાલીને અત્યંત સતર્ક રાખવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા ઇબોલાને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવ્યા બાદ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તમામ એરપોર્ટ માટે ખાસ SOP (સ્પેશિયલ ઓપરેશન્સ પ્રોટોકોલ) જારી કર્યો છે. આ માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને કોવિડ-19 જેવી તકેદારી રાખવાની સૂચના સંબંધિત તમામ એજન્સીઓને આપવામાં આવી છે.

20 થી વધુ એરલાઇન્સ માટે ખાસ આદેશ

DGCA દ્વારા યુગાન્ડા અને કોંગો સાથે સીધા કે પરોક્ષ રીતે જોડાયેલી 20 થી વધુ એરલાઇન્સને ખાસ સૂચના આપવામાં આવી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો, અકાસા એર, અમીરાત અને એર ફ્રાન્સ જેવી મુખ્ય એરલાઇન્સને નિર્દેશ અપાયો છે કે, ભારતમાં ઉતરતા પહેલા મુસાફરો પાસેથી 'સ્વ-ઘોષણા ફોર્મ' (Self-Declaration Form) મેળવીને તેને આરોગ્ય મંત્રાલયને સુપરત કરવામાં આવે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર વાયરલ ‘કોકરોચ જનતા પાર્ટી’નો વિવાદ હવે હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત

ફ્લાઇટમાં લક્ષણો દેખાય તો શું કરવું?

નવા પ્રોટોકોલ મુજબ, એરલાઇન્સ દ્વારા મુસાફરી દરમિયાન વિમાનમાં ખાસ જાહેરાત કરવામાં આવશે કે જો કોઈ મુસાફરને તાવ, નબળાઈ, ગળામાં દુખાવો, ઉલટી, ઝાડા અથવા શરીર પર ફોલ્લીઓ જેવા લક્ષણો જણાય, તો તેમણે તાત્કાલિક ક્રૂ મેમ્બર્સને જાણ કરવી અત્યંત અનિવાર્ય છે. આવી શંકાસ્પદ સ્થિતિમાં, સંક્રમણ ફેલાતું અટકાવવા માટે તે મુસાફરને વિમાનના પાછળના ભાગમાં અલગ બેસાડવામાં આવશે અને તેમની આસપાસની સીટોને ખાલી રાખવામાં આવશે, જેથી અન્ય મુસાફરોના સંપર્કને ટાળી શકાય. વધુમાં, સુરક્ષાના ભાગરૂપે તમામ એરલાઇન્સની પ્રાથમિક સારવાર કીટમાં હવે માસ્ક, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ, PPE કીટ અને સેનિટાઈઝર રાખવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે, જેથી કોઈપણ કટોકટીના સમયે ત્વરિત અને સુરક્ષિત પ્રતિભાવ આપી શકાય.

ઇબોલાનો ભયાનક ઈતિહાસ

ઇબોલા વાયરસ અત્યંત જીવલેણ છે, જેનો સૌપ્રથમ કેસ 1976માં ઇબોલા નદી નજીક જોવા મળ્યો હતો. 2014 થી 2016 દરમિયાન પશ્ચિમ આફ્રિકામાં ફેલાયેલા આ વાયરસે તબાહી મચાવી હતી, જેમાં 11,000 થી વધુ લોકોના મોત થયા હતા. ભારત સરકારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ને ટ્રેકિંગ અને ટેસ્ટિંગ સિસ્ટમ્સને હંમેશા સક્રિય રાખવા આદેશ આપ્યો છે, જેથી દેશની અંદર વાયરસના ફેલાવાને અટકાવી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now