આંધ્ર પ્રદેશના વિશ્વવિખ્યાત તિરુમલા તિરુપતિ શ્રી વેંકટેશ્વર (બાલાજી) મંદિરને વિશ્વના સૌથી સમૃદ્ધ ધાર્મિક સ્થળોમાં સ્થાન મળે છે. અંદાજે ₹3.38 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતા આ મંદિરને દર વર્ષે કરોડો રૂપિયાનું દાન મળે છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે મંદિર ટ્રસ્ટ (TTD) પાસે દાતાઓ માટે એક વિશેષ ડોનર પોલિસી છે. આ પોલિસી હેઠળ નિશ્ચિત રકમનું દાન કરનાર ભક્તોને માત્ર VIP સુવિધાઓ જ નહીં, પરંતુ અસલી સોનાનો ડોલર અને શુદ્ધ ચાંદીના સ્મૃતિ સિક્કા પણ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.
તાજેતરમાં TTD દ્વારા ડોનર પોલિસીમાં મોટા ફેરફારો જાહેર કરવામાં આવ્યા બાદ નવી નીતિ અમલમાં આવે તે પહેલાં માત્ર એક જ દિવસમાં મંદિરને ₹96.98 કરોડનું રેકોર્ડ દાન મળ્યું હતું. હજારો દાતાઓએ જૂની પોલિસી હેઠળ મળતી સુવિધાઓ જાળવી રાખવા માટે અંતિમ સમય પહેલાં દાન કર્યું હતું.
આ પણ વાંચો: ટ્રેન અકસ્માત કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : રેલવેને આપ્યા અનેક નિર્દેશ
કયા દાતાને શું ભેટ મળે છે?
TTDના નિયમો મુજબ, સોના અને ચાંદીના સિક્કા દરેક ભક્તને આપવામાં આવતા નથી. માત્ર નોંધાયેલા (Registered) દાતાઓને તેમના દાનના સ્લેબ પ્રમાણે આ સન્માન આપવામાં આવે છે અને તે પણ સામાન્ય રીતે પ્રથમ મુલાકાત દરમિયાન જ આપવામાં આવે છે.
જો કોઈ ભક્ત ₹10 લાખથી ₹25 લાખ વચ્ચેનું દાન કરે તો તેને પ્રથમ દર્શન સમયે 50 ગ્રામનો શુદ્ધ ચાંદીનો સિક્કો આપવામાં આવે છે.
₹25 લાખથી ₹1 કરોડ સુધીનું દાન કરનાર ભક્તોને 5 ગ્રામનો શુદ્ધ સોનાનો ડોલર તેમજ 50 ગ્રામનો ચાંદીનો સિક્કો ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.
જ્યારે ₹1 કરોડ અથવા તેથી વધુનું દાન કરનાર ભક્તોને 5 ગ્રામનો સોનાનો ડોલર ઉપરાંત ભગવાન શ્રી વેંકટેશ્વર અને દેવી પદ્માવતીની પ્રતિમા ધરાવતું ગોલ્ડ-પ્લેટેડ વિશેષ ચાંદીનું સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવે છે.
સોનાનો ડોલર મેળવવાની પ્રક્રિયા કેવી છે?
ડોનર બનવા માટે સૌથી પહેલા ભક્તે TTDના અધિકૃત ઈ-ડોનેશન પોર્ટલ પર ઓનલાઈન દાન કરવું પડે છે. ઓફલાઈન દાન માટે ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા આંતરરાષ્ટ્રીય મની ઓર્ડર દ્વારા પણ રકમ મોકલી શકાય છે.
દાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભક્તને ડિજિટલ રસીદ અને આવકવેરા કાયદા હેઠળ મળતી કરછૂટનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. ત્યારબાદ બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ જમા કરાવ્યા બાદ TTD દ્વારા ડોનર પાસબુક આપવામાં આવે છે.
જ્યારે દાતા પરિવારના સભ્યો સાથે તિરુપતિ દર્શન માટે પહોંચે છે ત્યારે આ પાસબુકના આધારે સુપથમ પ્રવેશ, વિશેષ દર્શન અને અન્ય પાત્ર સુવિધાઓ આપવામાં આવે છે. દર્શન પૂર્ણ થયા બાદ મંદિર પરિસરમાં આવેલા ડોનર સેલ અથવા રંગનાયકુલા મંડપમ ખાતે પાસબુકની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ દાનના સ્લેબ મુજબ સોનાનો ડોલર, ચાંદીનો સિક્કો, રેશમી શાલ (બહુમાનમ) અને લાડુ પ્રસાદ આપવામાં આવે છે.
આ પણ વાંચો: બેહરાઈચમાં મગરે 12 વર્ષના બાળકને બનાવ્યો શિકાર : ગ્રામજનો સામે જ મગરે મસૂમને જીવતો ખેંચી લીધો
કરોડપતિ દાતાઓની કેમ લાગી હતી લાઈન?
14 જુલાઈએ તિરુપતિ મંદિરમાં એક જ દિવસમાં ₹96.98 કરોડનું રેકોર્ડ દાન નોંધાયું હતું. તેની પાછળનું મુખ્ય કારણ TTD દ્વારા જાહેર કરાયેલી નવી ડોનર પોલિસી હતી.
જૂની પોલિસી મુજબ ₹1 કરોડ અથવા તેથી વધુનું દાન કરનાર ભક્તોને આજીવન દર વર્ષે ત્રણ દિવસ વિશેષ સુપ્રભાત સેવા દર્શન, ત્રણ દિવસ VIP બ્રેક દર્શન, ઉચ્ચ શ્રેણીના સ્યુટમાં મફત રોકાણ, વેદ આશીર્વાદ, મોટા લાડુ અને અન્ય અનેક વિશેષ સુવિધાઓ મળતી હતી.
પરંતુ 15 જુલાઈથી આજીવન મળતી સુવિધાઓ સમાપ્ત થવાની જાહેરાત થતાં હજારો દાતાઓએ સમયમર્યાદા પહેલાં જ કરોડો રૂપિયાનું દાન કરીને જૂની પોલિસીના લાભ સુરક્ષિત કરી લીધા હતા. અહેવાલો મુજબ કુલ 2,460 દાતાઓએ અંતિમ સમય પહેલાં દાન નોંધાવ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકાએ મુંબઈ માટે મોકલ્યો ખાસ અધિકારી! : કોણ છે યુરી આર. ફેડકીવ? જાણો અમેરિકાના નવા કોન્સ્યુલ જનરલ વિશે
નવી ડોનર પોલિસીમાં શું બદલાયું?
નવી નીતિ હેઠળ હવે કોઈપણ નવા દાતાને આજીવન VIP સુવિધા આપવામાં આવશે નહીં. વ્યક્તિગત દાતાઓ માટે VIP દર્શન, રહેવાની સુવિધા અને અન્ય લાભોની માન્યતા વધુમાં વધુ 20 વર્ષ સુધી રહેશે, જ્યારે ટ્રસ્ટ, સંસ્થાઓ અથવા કોર્પોરેટ દાતાઓ માટે આ સમયમર્યાદા 15 વર્ષની રાખવામાં આવી છે.
તે ઉપરાંત VIP સુવિધાઓ માટે અગાઉ ઉપયોગમાં લેવાતી ભલામણ પત્ર (Recommendation Letter) આધારિત મેન્યુઅલ વ્યવસ્થા પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. હવે તમામ સુવિધાઓ ઓનલાઈન ડોનર મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે પારદર્શક રીતે ફાળવવામાં આવશે.
TTDનું કહેવું છે કે આ ફેરફારોનો હેતુ સામાન્ય ભક્તોને વધુ સરળતાથી દર્શન મળી રહે અને દાન વ્યવસ્થામાં પારદર્શિતા તથા સમાનતા જળવાઈ રહે તે છે.





