Cockroach Janta Party: સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે કાનૂની વિવાદમાં સપડાઈ છે. ઓનલાઈન કટાક્ષ અને મીમ્સ દ્વારા યુવાનોમાં ઝડપથી લોકપ્રિય બનેલી આ ડિજિટલ ચળવળનું સત્તાવાર X (પૂર્વે ટ્વિટર) હેન્ડલ ભારતભરમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય સામે હવે પ્લેટફોર્મના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ મામલાની સુનાવણી આ સપ્તાહ દરમિયાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયા પર રાજકીય અને સામાજિક મુદ્દાઓને લઈને કટાક્ષભર્યા પોસ્ટ્સ અને મીમ્સ માટે જાણીતી બની હતી. થોડા જ સમયમાં લાખો યુવાનો આ પ્લેટફોર્મ સાથે જોડાયા હતા. પરંતુ અચાનક સરકાર દ્વારા X હેન્ડલ બ્લોક કરવામાં આવતા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ડિજિટલ સેન્સોરશિપ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.
રાષ્ટ્રીય સુરક્ષાના હવાલાથી લેવાયું એક્શન
મળતી માહિતી અનુસાર, 21 મેના રોજ કેન્દ્ર સરકારના આદેશ બાદ કોકરોચ જનતા પાર્ટીનું સત્તાવાર X હેન્ડલ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) તરફથી મળેલા ઇનપુટ્સના આધારે કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ એકાઉન્ટ હજુ પણ ભારત બહારના કેટલાક લોકેશન પરથી એક્સેસ કરી શકાય છે.
આ પણ વાંચો: ‘કોકરોચ જનતા પાર્ટી’ના નામે સાયબર ઠગાઈ: CJPના નામે બનાવટી મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ, પંજાબ પોલીસની ચેતવણી
IT Actની કલમ 69(A) હેઠળ બ્લોક કરાયું એકાઉન્ટ
સરકારે આ કાર્યવાહી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000ની કલમ 69(A) હેઠળ કરી છે. આ જોગવાઈ સરકારને દેશની સંપ્રભુતા, રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થાને અસર કરતી ઓનલાઈન સામગ્રી પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપે છે. અગાઉ પણ અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબસાઇટ્સ સામે આ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. પરંતુ ‘કોકરોચ જનતા પાર્ટી’ના કેસમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા અને યુવાનોની સંડોવણીને કારણે મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
CJIની ટિપ્પણી બાદ શરૂ થઈ હતી ‘કોકરોચ જનતા પાર્ટી’
આ સમગ્ર વિવાદની શરૂઆત સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન થયેલી મૌખિક ટિપ્પણીથી થઈ હોવાનું કહેવાય છે. એક કેસની સુનાવણી દરમિયાન સિસ્ટમ પર સવાલ ઉઠાવનારાઓ અંગે નારાજગી વ્યક્ત કરતી વખતે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) દ્વારા કરવામાં આવેલી કથિત ‘કોકરોચ’ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. આ ટિપ્પણી બાદ યુવાનોમાં વિરોધ અને કટાક્ષનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ ‘કોકરોચ જનતા પાર્ટી’ નામથી ઓનલાઈન અભિયાન શરૂ થયું, જેમાં મીમ્સ, પોસ્ટ્સ અને વ્યંગાત્મક કન્ટેન્ટ દ્વારા પ્રતિક્રિયાઓ વ્યક્ત થવા લાગી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાન પહોંચ્યો ભારતના વાઇરલ 'કોકરોચ' ટ્રેન્ડનો ક્રેઝ: સોશિયલ મીડિયા પર યુવાનોનું નવું વ્યંગાત્મક આંદોલન
CJIએ આપી સ્પષ્ટતા, યુવાનો અંગે ગેરસમજ દૂર કરી
વિવાદ વધતા ચીફ જસ્ટિસે બાદમાં સ્પષ્ટતા પણ કરી હતી કે તેમની ટિપ્પણીનો હેતુ દેશના તમામ બેરોજગાર યુવાનોને નિશાન બનાવવાનો નહોતો. તેમણે કહ્યું હતું કે ટિપ્પણી માત્ર એવા લોકો માટે હતી, જે નકલી ડિગ્રી અથવા ખોટા દાવાઓના આધારે વિવિધ ક્ષેત્રોમાં પ્રવેશીને વ્યવસ્થાનો દુરુપયોગ કરે છે. CJIએ વધુમાં ઉમેર્યું હતું કે તેમને ભારતના યુવાનોની પ્રતિભા અને ક્ષમતા પર ગર્વ છે અને તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.
સ્થાપકનો દાવો: ધમકીઓ મળી રહી છે, પરિવારની સુરક્ષાની ચિંતા
બોસ્ટન (અમેરિકા)માં રહેતા 30 વર્ષીય અભિજીત દીપકે ચીફ જસ્ટિસની ટિપ્પણી બાદ કટાક્ષરૂપ પોસ્ટર બનાવી ઓનલાઈન મેમ્બરશિપ ફોર્મ જાહેર કર્યું હતું. થોડા જ સમયમાં આ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ ગયું હતું. અભિજીતનો દાવો છે કે, પ્લેટફોર્મ લોકપ્રિય બન્યા બાદ તેને સતત ધમકીઓ મળી રહી છે અને ભારતમાં રહેતા તેના પરિવારની સુરક્ષાને લઈને પણ તે ચિંતિત છે. હવે તેણે આ પગલાને ડિજિટલ સેન્સોરશિપ ગણાવી કોર્ટમાં કાયદાકીય લડત શરૂ કરી છે.
હવે નજર હાઈકોર્ટના નિર્ણય પર
આ કેસમાં હવે સૌની નજર દિલ્હી હાઈકોર્ટની સુનાવણી પર ટકેલી છે. એક તરફ સરકાર રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહી છે, તો બીજી તરફ સ્થાપક અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. હાઈકોર્ટનો નિર્ણય સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.





