Home International Pakistan Viral Cockroach Awami Party Trend From India

પાકિસ્તાન પહોંચ્યો ભારતના વાઇરલ 'કોકરોચ' ટ્રેન્ડનો ક્રેઝ : સોશિયલ મીડિયા પર યુવાનોનું નવું વ્યંગાત્મક આંદોલન

'Cockroach Awami Party' Debuts in Pakistan
Published by: Vaishnavi Pathak
Last Updated: May 23, 2026, 04:22 AM IST

ભારતમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલું "કોકરોચ જનતા પાર્ટી" (CJP) નું વ્યંગાત્મક ઓનલાઈન આંદોલન હવે પાડોશી દેશ પાકિસ્તાન સુધી પહોંચી ગયું છે. પાકિસ્તાનના યુવાનો વચ્ચે આ ડિજિટલ ટ્રેન્ડ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યાંના સોશિયલ મીડિયા પર "કોકરોચ અવામી પાર્ટી" (CAP) અને "કોકરોચ અવામી લીગ" (CAL) જેવા કેટલાય પેજ ઝડપથી સામે આવી રહ્યા છે.

ખાસ વાત એ છે કે પાકિસ્તાની યુવાનોએ ખુલ્લા મને સ્વીકાર્યું છે કે તેઓ ભારતના આ ટ્રેન્ડથી પ્રેરિત છે. ઇન્સ્ટાગ્રામ પર બનેલા એક પેજના બાયો (Bio) માં લખવામાં આવ્યું છે કે, "હા, કોપી કર્યું છે પરંતુ કોને ફરક પડે છે. અમારો હેતુ અને વાત પણ એ જ છે."

કેવી રીતે થઈ આ આંદોલનની શરૂઆત?

આ સમગ્ર વિવાદની શરૂઆત મે 2026 ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની એક કથિત ટિપ્પણીથી થઈ હતી. એક સુનાવણી દરમિયાન તેમણે બેરોજગાર સક્રિય યુવાનોની સરખામણી "કોકરોચ" અને "પેરાસાઈટ" (પરોપજીવી) સાથે કરી હતી. જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને તેઓ માત્ર નકલી ડિગ્રી ધરાવતા લોકો વિશે વાત કરી રહ્યા હતા.

પરંતુ આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયું. ત્યારબાદ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના પીઆર (PR) ગ્રેજ્યુએટ અભિજીત દિપકેએ 16 મે 2026 ના રોજ "કોકરોચ જનતા પાર્ટી" (CJP) કેમ્પેઈન લોન્ચ કર્યું. તેમણે રમુજી અંદાજમાં પોતાને "કોકરોચ" ગણાવીને આ મૂવમેન્ટને સિસ્ટમથી નારાજ યુવાનોનો અવાજ ગણાવ્યો.

સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ

માત્ર થોડા જ દિવસોમાં આ વ્યંગાત્મક પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એટલું વાઇરલ થયું કે તેના ફોલોઅર્સ 20 મિલિયન (2 કરોડ) ને પાર પહોંચી ગયા છે. આ પ્લેટફોર્મ પર મીમ્સ અને કટાક્ષ દ્વારા શિક્ષણ, રોજગાર, એક્ઝામ સિસ્ટમમાં સુધારા અને સરકારી જવાબદારી જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાની વર્ઝનનો શું છે ઈરાદો?

પાકિસ્તાનમાં શરૂ થયેલા આ 'કોકરોચ' પેજ પોતાને ત્યાંની જેન-ઝી (Gen-Z) એટલે કે નવી પેઢીનો અવાજ ગણાવી રહ્યા છે. તેઓ પરંપરાગત રાજનીતિના વિકલ્પ તરીકે સોશિયલ મીડિયા પર સક્રિય થયા છે. પાકિસ્તાની પેજ દ્વારા ત્યાંની મુખ્ય રાજકીય પાર્ટીઓ જેવી કે PTI, PML-N અને PPP પર જોરદાર કટાક્ષ કરવામાં આવી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઉર્દૂમાં લખવામાં આવ્યું છે કે, "જેમને સિસ્ટમે કોકરોચ સમજ્યા, અમે એ જ જનતાનો અવાજ છીએ." જ્યારે અન્ય એક પેજે "દરેક પરિસ્થિતિમાં જીવતા રહીશું" ના સ્લોગન સાથે યુવાનોની સ્થિતિ પર વ્યંગ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now