Home International Canada Pgp Sponsorship Closed Parents Grandparents Pr Super Visa Update

કેનેડામાં વસતા ભારતીયો સહિત લાખો PR ધારકો માટે મોટા સમાચાર : સરકારે PGP પર લગાવી રોક

Canada PGP Sponsorship
Published by: Nirali Gohil
Last Updated: Jul 17, 2026, 07:58 AM IST

Canada PGP Sponsorship: કેનેડામાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ફેમિલી સ્પોન્સરશિપ સંબંધિત સૌથી લોકપ્રિય યોજનાઓમાંથી એક એવા Parents and Grandparents Program (PGP) હેઠળ નવી અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા હાલ માટે બંધ કરી દીધી છે. આ નિર્ણયથી પોતાના માતા-પિતા અથવા દાદા-દાદીને કેનેડામાં કાયમી વસવાટ (Permanent Residence) અપાવવાની આશા રાખતા હજારો પરિવારોને મોટો ફટકો પડ્યો છે. કેનેડાના ઇમિગ્રેશન, રિફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ વિભાગ (IRCC) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આગામી આદેશ સુધી નવા Interest to Sponsor ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે, નવા અરજદારો હવે PGP હેઠળ પોતાના માતા-પિતા અથવા દાદા-દાદીને PR અપાવવા માટે અરજી કરી શકશે નહીં. જોકે અગાઉથી સબમિટ થયેલી અરજીઓ પર કાર્યવાહી યથાવત ચાલુ રહેશે.

શું છે Parents and Grandparents Program (PGP)?

Parents and Grandparents Program (PGP) કેનેડાનો ફેમિલી રીયુનિફિકેશન કાર્યક્રમ છે. તેના માધ્યમથી કેનેડાના નાગરિકો અને Permanent Resident (PR) ધારકો પોતાના માતા-પિતા અથવા દાદા-દાદીને કેનેડામાં કાયમી વસવાટ માટે સ્પોન્સર કરી શકે છે. આ યોજના વર્ષોથી ભારતીય પરિવારોમાં ખૂબ લોકપ્રિય રહી છે, કારણ કે તેના માધ્યમથી પરિવારના વડીલોને પણ કેનેડામાં કાયમી રીતે સાથે રાખવાની તક મળતી હતી.

નવા અરજીઓ કેમ બંધ કરવામાં આવી?

કેનેડા સરકારનું કહેવું છે કે PGP હેઠળ દર વર્ષે ઉપલબ્ધ બેઠકો કરતાં અનેકગણી વધુ અરજીઓ આવે છે. વર્ષ 2020માં જ્યારે છેલ્લી વખત નવા Interest to Sponsor ફોર્મ મંગાવવામાં આવ્યા હતા ત્યારે સરકારને લગભગ 2.03 લાખથી વધુ અરજીઓ મળી હતી. ત્યારથી દર વર્ષે એ જ અરજદારોમાંથી લોટરી સિસ્ટમ દ્વારા પસંદગી કરીને લોકોને અરજી કરવાની તક આપવામાં આવતી હતી. હાલમાં પણ PGP હેઠળ લગભગ 50,900 અરજીઓ પ્રોસેસિંગ માટે પેન્ડિંગ છે. તેમાં આશરે 40,400 અરજીઓ ક્વિબેક બહારના વિસ્તારો માટે જ્યારે 10,500 અરજીઓ ક્વિબેક પ્રાંત માટે છે. સરકારનું કહેવું છે કે, હાલનો મુખ્ય ફોકસ આ પેન્ડિંગ અરજીઓનો ઝડપી નિકાલ કરવાનો રહેશે.

આ પણ વાંચો: ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય! : ગ્રીન કાર્ડ મેળવવું બનશે મુશ્કેલ, ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ બદલાયા વિઝાના નિયમો

જૂના અરજદારોને મળશે રાહત

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જેમણે પહેલાથી જ PGP હેઠળ અરજી કરી દીધી છે, તેમની અરજી રદ કરવામાં આવશે નહીં. ઇમિગ્રેશન વિભાગ વર્ષ 2026માં 15,000, વર્ષ 2027માં 15,000 અને વર્ષ 2028માં પણ 15,000 લોકોને આ કાર્યક્રમ હેઠળ Permanent Residence આપવાનો લક્ષ્યાંક રાખી રહ્યું છે. એટલે કે હાલ પ્રોસેસમાં રહેલા અરજદારો માટે પ્રક્રિયા અગાઉની જેમ ચાલુ રહેશે.

હવે Super Visa બનશે સૌથી મોટો વિકલ્પ

PGP હેઠળ નવી અરજીઓ બંધ થતાં કેનેડા સરકારે અરજદારોને Parents and Grandparents Super Visaનો વિકલ્પ અપનાવવાની સલાહ આપી છે.

Super Visa હેઠળ માતા-પિતા અથવા દાદા-દાદી એક વખતમાં 5 વર્ષ સુધી સતત કેનેડામાં રહી શકે છે, જ્યારે સમગ્ર વિઝાની માન્યતા 10 વર્ષ સુધી હોઈ શકે છે. જોકે આ માટે અરજદાર પાસે માન્ય હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જરૂરી છે. ઉપરાંત કેનેડામાં રહેતા સ્પોન્સરે પોતાની ન્યૂનતમ આવકનો પુરાવો આપવો પડશે અને પરિવારના તમામ ખર્ચની જવાબદારી સ્વીકારવી પડશે.

આ પણ વાંચો: અમેરિકાનો મોટો નિર્ણય! : હવે રશિયન તેલ ખરીદશો તો 100% ટેરિફ ભરવો પડશે, જાણો ભારત પર શું થશે અસર

ભારતીય પરિવારો પર શું પડશે અસર?

કેનેડામાં રહેતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં હજારો પરિવારો લાંબા સમયથી PGP દ્વારા પોતાના માતા-પિતાને કાયમી રીતે કેનેડા બોલાવવાની રાહ જોઈ રહ્યા હતા. સનવી અરજીઓ બંધ થતાં હવે આવા પરિવારો માટે Permanent Residenceનો માર્ગ હાલ માટે બંધ થઈ ગયો છે. પરિણામે તેઓએ Super Visa અથવા ભવિષ્યમાં સરકાર દ્વારા જાહેર થનારી નવી નીતિની રાહ જોવી પડશે.

ઇમિગ્રેશન નીતિમાં સતત થઈ રહ્યા છે ફેરફાર

છેલ્લા કેટલાક મહિનાઓથી કેનેડા સરકાર ઇમિગ્રેશનની સંખ્યાને નિયંત્રિત કરવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. દેશમાં વધતી હાઉસિંગ સમસ્યા, જાહેર સેવાઓ પર વધતું ભારણ અને પેન્ડિંગ અરજીઓના ઢગલાને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન નિયમોમાં સતત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે, PGP હેઠળ નવી અરજીઓ બંધ કરવાનો નિર્ણય પણ આ વ્યાપક ઇમિગ્રેશન નીતિનો જ એક ભાગ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now