Home International Iran War Live Updates Us Strikes Civilian Infrastructure 17 07 2026

Liveઈરાન-અમેરિકા યુદ્ધ Live : USનો ઈરાનમાં નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો હુમલો; 8ના મોત, 20થી વધુ ઘાયલ!

Iran US war live updates reference image
Image Credit: AI
Published by: Dviti Panchal
Last Updated: Jul 17, 2026, 07:58 AM IST

Middle East Conflict: ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે વધુ વિનાશક અને નિર્ણાયક વળાંક પર છે. તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકાએ ઈરાનના દક્ષિણ ભાગમાં પાવર ગ્રીડ, રેલવે સ્ટેશન અને અન્ય નાગરિક ઠેકાણાઓને નિશાન બનાવીને મોટા હવાઈ હુમલા કર્યા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. બીજી તરફ, ઈરાને હોરમુઝની ખાડી અંગે સ્પષ્ટ કર્યું છે કે તે હવે યુદ્ધ પહેલાની સ્થિતિમાં ક્યારેય પરત નહીં ફરે.

આ લાઈવ બ્લોગમાં જાણો ક્ષણે-ક્ષણની માહિતી: યુદ્ધની બદલાતી ગતિવિધિઓ, મધ્ય પૂર્વમાં વધતો તણાવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની અસર.

લાઈવ અપડેટ્સ
13 મિનિટ પહેલા17 જુલાઈ 2026

બહેરીન પર ઈરાની હુમલો નિષ્ફળ: એર ડિફેન્સ સિસ્ટમે ઈરાની ડ્રોન અને મિસાઈલોને તોડી પાડી

બહેરીનના સશસ્ત્ર દળોએ આજે એક મોટી સુરક્ષા સફળતા મેળવતા ઈરાન દ્વારા કરવામાં આવેલા અનેક હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. બહેરીનની એર ડિફેન્સ સિસ્ટમે દેશની સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ઈરાની હવાઈ હુમલાઓ ને ઓળખીને તેમને હવામાં જ તોડી પાડ્યા હતા.

બહેરીન સેનાના સત્તાવાર નિવેદનમાં આ ઘટનાક્રમ અંગેની મહત્વની વિગતો:

  • નાગરિકો પર હુમલાનો આરોપ: બહેરીન સેનાએ ઈરાનના આ પગલાને "કાયરતાપૂર્ણ હુમલા" ગણાવ્યા છે અને ઈરાન પર નાગરિકોને ટાર્ગેટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

  • આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન: સેનાએ સ્પષ્ટ કર્યું છે કે મિસાઈલો અને ડ્રોનનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકો અને ખાનગી મિલકતોને નિશાન બનાવવી એ આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા નું ઘોર ઉલ્લંઘન છે.

  • જનતા માટે સલામતી ચેતવણી: સેનાએ નાગરિકોને અત્યંત સાવચેત રહેવા અપીલ કરી છે. જો હુમલાના પરિણામે ક્યાંય કોઈ અજાણી કે શંકાસ્પદ વસ્તુ જોવા મળે, તો તેને અડકવું નહીં અને તરત જ સંબંધિત સુરક્ષા એજન્સીઓને જાણ કરવા જણાવ્યું છે.

બહેરીનનું સૈન્ય તંત્ર હાલમાં હાઈ એલર્ટ પર છે અને સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

21 મિનિટ પહેલા17 જુલાઈ 2026

ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલા: મૃત્યુઆંક વધીને 8 થયો, 20 લોકો ઘાયલ

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNAના અહેવાલ અનુસાર ગુરુવારે રાત્રે અને શુક્રવારે વહેલી સવારે ઈરાનના વિવિધ પ્રાંતોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને કરવામાં આવેલા અમેરિકી હવાઈ હુમલાઓમાં મૃત્યુઆંક વધીને 8 થઈ ગયો છે. આ ભીષણ હુમલાઓમાં અન્ય 20 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે. મધ્ય પૂર્વમાં વકરી રહેલા આ સંઘર્ષમાં જાનહાનિના આંકડા સતત વધી રહ્યા છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

35 મિનિટ પહેલા17 જુલાઈ 2026

UKમાં ઈરાનના જાસૂસી નેટવર્કનો પર્દાફાશ: ઈરાની ગુપ્તચર એજન્સીને મદદ કરવા બદલ એકની ધરપકડ

ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા તણાવની વચ્ચે બ્રિટનમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. લંડનની કાઉન્ટર ટેરરિઝમ પોલીસે લિવરપૂલના 39 વર્ષીય વહીદ અબેરી ની ધરપકડ કરી છે. તેના પર ઈરાનની ગુપ્તચર એજન્સીને મદદ કરવાનો આરોપ છે અને તેની સામે 'નેશનલ સિક્યુરિટી એક્ટ' હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

57 મિનિટ પહેલા17 જુલાઈ 2026

યુદ્ધના આંકડા: સીઝફાયર તૂટ્યા બાદ ઈરાનમાં 35થી વધુ મોત, 400થી વધુ ઈજાગ્રસ્ત

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઈરાને યુદ્ધના નુકસાન અંગે એક ચોંકાવનારો આંકડો જાહેર કર્યો છે. 22 જૂનના રોજ સ્વિટ્ઝર્લેન્ડમાં ૬૦ દિવસના વાટાઘાટોના સમયગાળા હેઠળ યુદ્ધ સમાપ્ત કરવા માટે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં 37 લોકોના મોત થયા છે અને 400થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

છેલ્લા એક અઠવાડિયામાં આ યુદ્ધવિરામ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે. બંને દેશો વચ્ચે એકબીજા પર વળતા હુમલાઓનો સિલસિલો અવિરત ચાલુ છે. આ ગંભીર તણાવ વચ્ચે, હોરમુઝની ખાડી હજુ પણ દરિયાઈ ટ્રાફિક માટે બંધ રાખવામાં આવી છે, જે વૈશ્વિક વેપાર અને સુરક્ષા માટે મોટી ચિંતાનો વિષય છે.

07:00 AM17 જુલાઈ 2026

ઓમાનના દરિયાકાંઠે ટેન્કર પર અજ્ઞાત પ્રોજેક્ટાઈલ અથડાયું : ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

યુનાઈટેડ કિંગડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એ એક ગંભીર ઘટનાની જાણકારી આપી છે. ગુરુવારે ઓમાનના ખાસાબ શહેરથી આશરે 19 નોટિકલ માઈલ (અંદાજે 35 કિમી) પૂર્વમાં પસાર થઈ રહેલા એક ટેન્કર પર અજ્ઞાત પ્રોજેક્ટાઈલ અથડાયું થયું હતું. UKMTO ના જણાવ્યા મુજબ, હાલમાં તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાના અહેવાલ છે. સદભાગ્યે, આ ઘટનાને કારણે કોઈ પર્યાવરણીય નુકસાન થયું નથી. મધ્ય પૂર્વના દરિયાઈ માર્ગો પર વધતી જતી અશાંતિ અને સતત બની રહેલી હુમલાની ઘટનાઓ વચ્ચે, આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર ચિંતા ઉભી થઈ છે.

06:48 AM17 જુલાઈ 2026

ઈરાનનો વધુ એક મોટો દાવો! : ઓમાનમાં અમેરિકાની રડાર સિસ્ટમ્સને કરી ધ્વસ્ત, હોરમુઝ પર પોતાનું નિયંત્રણ હોવાનો દાવો

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ યુદ્ધના આ તબક્કામાં મોટો દાવો કર્યો છે. IRGC એ જણાવ્યું છે કે તેમણે ઓમાનના ઘાનિમ વિસ્તારમાં આવેલા અમેરિકાના એક 'એર કંટ્રોલ રડાર' અને હોરમુઝની ખાડીમાં ખડકો પર સ્થાપિત અમેરિકાના 'મેરીટાઈમ કંટ્રોલ રડાર'ને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધા છે. ઈરાની સેનાએ આ હુમલાને તેમના વળતા પ્રહારનું ૧૩મું ચરણ ગણાવ્યું છે. એક સત્તાવાર નિવેદનમાં IRGC એ સ્પષ્ટ કર્યું છે કે, "અમારો વળતો પ્રહાર સંપૂર્ણ મક્કમતા સાથે ચાલુ રહેશે." આ સાથે ઈરાને એવો પણ દાવો કર્યો છે કે, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી હોરમુઝની ખાડી હજુ પણ IRGC નેવીના એડમિરલોના હાથમાં છે અને તેનું સંપૂર્ણ નિયંત્રણ ઈરાન પાસે જ છે.

06:28 AM17 જુલાઈ 2026

જોર્ડનનો મોટો દાવો: ઈરાનની ૩ મિસાઈલોને હવામાં તોડી પાડી

જોર્ડનની સેનાએ આજે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે દેશને નિશાન બનાવીને આવી રહેલી ઈરાનની ૩ મિસાઈલોને હવામાં જ તોડી પાડી છે. સેનાના નિવેદન અનુસાર, આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. મિસાઈલોને તોડી પાડ્યા બાદ, જોર્ડનના 'રોયલ એન્જિનિયરિંગ કોર્પ્સ'ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને મિસાઈલોના પડતા કાટમાળ (shrapnel) ને સુરક્ષિત રીતે દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. મધ્ય પૂર્વમાં વકરી રહેલા તણાવ વચ્ચે જોર્ડનનું આ પગલું તેમની સુરક્ષા સજ્જતા દર્શાવે છે.

06:04 AM17 જુલાઈ 2026

જે.ડી. વેન્સનો બચાવ: કુશનર અને વિટકોફ પરના ભ્રષ્ટાચારના આરોપોને ગણાવ્યા 'ખોટા'

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે વ્હાઈટ હાઉસના સલાહકારો જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ પર લાગેલા નાણાકીય ગેરરીતિના આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. 'ડ્રોપ સાઈટ ન્યૂઝ'ના અહેવાલ બાદ, જેમાં દાવો કરાયો હતો કે ઈરાને વાટાઘાટો દરમિયાન વેન્સને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે આ બંને નેતાઓ વાટાઘાટકાર તરીકે પોતાની પહોંચનો 'દુરુપયોગ' કરી રહ્યા છે, વેન્સે આ દાવાઓને "સંપૂર્ણપણે ખોટા" અને "અતાર્કિક" ગણાવ્યા છે.

વેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "મને આવો કોઈ સંદેશ મળ્યો નથી." તેમણે કુશનર અને વિટકોફને પ્રમુખની ટીમની અત્યંત વિશ્વાસુ વ્યક્તિ ગણાવીને તેમના વખાણ કર્યા હતા અને ઉમેર્યું હતું કે આ બંને વ્યક્તિઓએ મધ્ય પૂર્વમાં શાંતિ અને સમૃદ્ધિ માટે અભૂતપૂર્વ કામ કર્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા કલાકો પહેલા જ વેન્સે ઈઝરાયેલ સરકારના કેટલાક તત્વો પર અમેરિકાના શાંતિ પ્રયાસોને નિષ્ફળ બનાવવાના હેતુથી 'વિદેશી પ્રભાવ અભિયાન' ચલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

05:49 AM17 જુલાઈ 2026

ઈરાની સેનાનો મોટો દાવો: કુવૈતમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ અને લોજિસ્ટિકલ સેન્ટર્સ પર ડ્રોન હુમલા

ઈરાની સેનાએ કુવૈતમાં તૈનાત અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. ઈરાનની ન્યૂઝ એજન્સી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, ઈરાની સેનાએ ડ્રોન દ્વારા કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય તૈનાત વિસ્તારો અને લોજિસ્ટિકલ સપોર્ટ સેન્ટર્સ પર હુમલો કર્યો છે. આક્રમક વલણ અપનાવતા ઈરાની સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, "અમે ઇતિહાસ, જનસમર્થન, અનુભવ અને લડાયક સજ્જતાના જોરે, કોઈપણ દબાણ કે ધમકીની સામે પૂરી સતર્કતા અને અધિકાર સાથે અડીખમ ઊભા છીએ." કુવૈતમાં અમેરિકી ઠેકાણાઓ પર થયેલો આ હુમલો મધ્ય પૂર્વમાં ફેલાઈ રહેલા સંઘર્ષમાં એક ગંભીર વધારો દર્શાવે છે.

05:32 AM17 જુલાઈ 2026

ઈરાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો પ્રહાર: અમેરિકી હુમલામાં હોરમોઝગાન પ્રાંતના 5 પુલ ધરાશાયી

ઈરાનના હોરમોઝગાન પ્રાંતમાં અમેરિકી સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓને કારણે મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું છે. ઈરાનની ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, અમેરિકી મિસાઈલોએ કુલ ૫ વ્યૂહાત્મક પુલને નિશાન બનાવીને તોડી પાડ્યા છે, જેનાથી આ વિસ્તારનો વાહનવ્યવહાર ગંભીર રીતે ખોરવાઈ ગયો છે.

અમેરિકી હુમલાનો શિકાર બનેલા મુખ્ય પુલ:

  • બંદર અબ્બાસને ખમીર અને લાર સાથે જોડતો ગરિવેહ બ્રિજ.

  • લાટીદાન ગામ પાસે આવેલો પુલ.

  • કાહૂરેસ્તાન-લાર રૂટ પર આવેલા બે મુખ્ય પુલ.

  • બંદર-એ-ખમીર, કેશર અને બંદર અબ્બાસને જોડતો અડધો બાંધકામ હેઠળનો પુલ.

  • ખમીર જિલ્લાના મારુ ગામમાં આવેલો પુલ.

સ્થાનિક વહીવટીતંત્રે લોકોને આ રસ્તાઓ પર મુસાફરી ટાળવા અને નજીકના વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના આપી છે, જેથી બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી ટીમો સરળતાથી ઘટનાસ્થળ સુધી પહોંચી શકે.

05:12 AM17 જુલાઈ 2026

ઈરાનના ચાબહારમાં અમેરિકાનો ફરી હુમલો: એક સપ્તાહમાં ત્રીજી વખત મેરીટાઈમ કંટ્રોલ ટાવરને નિશાન બનાવ્યું

ઈરાનની ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, અમેરિકાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ચાબહાર મેરીટાઈમ કંટ્રોલ ટાવર પર ફરી એકવાર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલો અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યો છે કારણ કે માત્ર એક સપ્તાહના ગાળામાં આ ત્રીજી વખત છે જ્યારે અમેરિકી મિસાઈલે આ જ કંટ્રોલ ટાવરને નિશાન બનાવ્યું હોય. ચાબહાર બંદરની કામગીરી અને દરિયાઈ સુરક્ષા માટે આ ટાવર અત્યંત મહત્વનું છે, અને સતત થઈ રહેલા આ હુમલાઓ ઈરાનના દરિયાઈ માળખા પર અમેરિકાના વધતા દબાણને સ્પષ્ટ કરે છે.

04:58 AM17 જુલાઈ 2026

કતારમાં ઈરાની હુમલાનો અંજામ: ઈન્ટરસેપ્શન દરમિયાન પડેલા કાટમાળથી બાળક ઈજાગ્રસ્ત

કતારના ગૃહ મંત્રાલયે આજે સવારે થયેલા ઈરાની હુમલા અંગે એક મહત્વનું અપડેટ આપ્યું છે. મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ, ઈરાની હુમલાને નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવેલી ઇન્ટરસેપ્શન કાર્યવાહી દરમિયાન પડેલા કાટમાળ ને કારણે એક બાળક ઈજાગ્રસ્ત થયું છે. બાળકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે અને તેને જરૂરી તબીબી સહાય આપવામાં આવી રહી છે.

મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર સત્તાવાર સ્ત્રોતો પરથી જ માહિતી મેળવે. કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવવાથી અથવા ચકાસ્યા વગરના ફોટા અને વીડિયો વાયરલ કરવાથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે, જેથી કાયદાકીય કાર્યવાહીથી બચી શકાય. સાથે જ મંત્રાલયે ખાતરી આપી છે કે સુરક્ષા એજન્સીઓ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે ૨૪ કલાક એલર્ટ મોડ પર છે અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યરત છે.

04:31 AM17 જુલાઈ 2026

ઈરાન-અમેરિકા યુદ્ધ: અમેરિકાનો મોટો હવાઈ હુમલો, સતત છઠ્ઠી રાત્રે ઈરાની સૈન્ય ઠેકાણાઓ ધ્વસ્ત

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સત્તાવાર જાહેરાત કરી છે કે ઈરાન પર કરવામાં આવેલા હુમલાના લેટેસ્ટ મોટા રાઉન્ડને સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. આ સતત છઠ્ઠી રાત્રિ હતી જ્યારે અમેરિકી ફાઈટર જેટ્સ, ડ્રોન અને યુદ્ધજહાજોએ ઈરાનના વિવિધ સૈન્ય ઠેકાણાઓ પર સચોટ નિશાન સાધ્યું હતું.

આ કાર્યવાહીમાં ઈરાનની કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ, એર ડિફેન્સ સાઈટ્સ, સૈન્ય લોજિસ્ટિક્સ અને મેરીટાઈમ ક્ષમતાઓને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીધા આદેશ પર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેનો હેતુ ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો અને વેપારી જહાજો પર થયેલા હુમલાનો જવાબ આપવાનો છે. અમેરિકાએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે હાલમાં મધ્ય પૂર્વમાં ૫૦,૦૦૦થી વધુ અમેરિકી સૈનિકો તૈનાત છે, જે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ અને એલર્ટ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now