Orange-lipped Monkey: વિજ્ઞાનની દુનિયામાં કેટલીક શોધ એવી હોય છે, જે માત્ર નવા જીવની ઓળખ પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ પૃથ્વીની જૈવવિવિધતા વિશેની આપણી સમજને પણ બદલાવી દે છે. આવો જ એક ચોંકાવનારો શોધકાર્ય આફ્રિકાના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના ગાઢ વરસાદી જંગલોમાં થયો છે, જ્યાં વૈજ્ઞાનિકોએ 16 વર્ષના લાંબા સંશોધન બાદ વાંદરાની એક સંપૂર્ણ નવી પ્રજાતિની ઓળખ કરી છે. ખાસ વાત એ છે કે આ વાંદરાના ચમકતા નારંગી હોઠ, અન્ય વાંદરાઓથી સાવ અલગ ગર્જના જેવો અવાજ અને અનોખું ડીએનએ તેને વિશ્વની જાણીતી તમામ કોલોબસ પ્રજાતિઓથી અલગ બનાવે છે. નવી પ્રજાતિને વૈજ્ઞાનિક નામ Colobus congoensis આપવામાં આવ્યું છે, જ્યારે સ્થાનિક લોકો તેને 'લિક્વેલી' (Likweli) તરીકે ઓળખે છે. છેલ્લા લગભગ 75 વર્ષમાં આફ્રિકામાં ઓળખાયેલી વાંદરાની માત્ર પાંચમી નવી પ્રજાતિ હોવાથી આ શોધને પ્રાણીવિજ્ઞાનના ક્ષેત્રમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે આ અનોખા પ્રાણીની ઓળખ થતાં જ તેના અસ્તિત્વ પર પણ ખતરો ઊભો થયો છે, કારણ કે તેનું નિવાસસ્થાન ખૂબ મર્યાદિત છે અને ત્યાં સતત જંગલોનું નિકંદન તથા શિકાર વધી રહ્યો છે.
16 વર્ષના સંશોધન બાદ મળી સફળતા
આ રહસ્યમય વાંદરાની કહાની વર્ષ 2008માં શરૂ થઈ હતી, જ્યારે લોમામી નેશનલ પાર્કમાં સંશોધકોને એક અજાણ્યા વાંદરાનો ધૂંધળો ફોટો મળ્યો હતો. તે સમયે તેની ઓળખ થઈ શકી નહોતી. લગભગ દસ વર્ષ બાદ 2018માં કેમેરા ટ્રેપમાં ફરી એવો જ જીવ જોવા મળ્યો, જેના કારણે વૈજ્ઞાનિકોએ આ પ્રાણીની ઓળખ માટે વિશેષ અભિયાન શરૂ કર્યું. ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીના એન્થ્રોપોલોજિસ્ટ ડૉ. જુનિયર અંબોકો અને તેમની ટીમે પાર્ક આસપાસ આવેલા 52 ગામોમાં જઈ સ્થાનિક લોકોને આ તસવીરો બતાવી. આશ્ચર્યજનક રીતે માત્ર આઠ ગામના લોકોએ જ આ વાંદરાને ઓળખ્યો. મોટાભાગના લોકો અનુભવી શિકારીઓ હતા, જેઓ વર્ષોથી જંગલમાં રહેતા હોવા છતાં આ પ્રજાતિ વિશે બહુ ઓછી માહિતી ધરાવતા હતા.
સ્થાનિક લોકો માટે પણ રહસ્યમય પ્રાણી
સ્થાનિક બલાંગા સમુદાયના લોકો આ વાંદરાને 'લિક્વેલી' કહે છે, જોકે આ શબ્દનો ચોક્કસ અર્થ આજે પણ અજાણ છે. બીજી તરફ મિતુકુ સમુદાય તેને 'કસાબ નકોની' તરીકે ઓળખે છે, જેનો અર્થ થાય છે 'ડાળીઓને હલાવનાર'. આ નામ વાંદરાની એક ડાળથી બીજી ડાળ પર ઝડપથી કૂદવાની અનોખી રીત પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. સંશોધકોના જણાવ્યા મુજબ સ્થાનિક સમુદાયનું જંગલ અને ત્યાંના પ્રાણીઓ વિશેનું જ્ઞાન આ શોધમાં અત્યંત ઉપયોગી સાબિત થયું.
આ પણ વાંચો: અમેરિકામાં ખળભળાટ : '22 કરોડ મતદારોનો ડેટા ચોરી થયો', ટ્રમ્પનો ચીન પર મોટો આરોપ
માત્ર 1,700 ચોરસ કિલોમીટરમાં જ વસવાટ
2018થી 2022 દરમિયાન સંશોધકોએ લોમામી અને લુઆલાબા નદીઓ વચ્ચે આવેલા આશરે 1,700 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સતત સર્વેક્ષણ કર્યું. આ દરમિયાન લિક્વેલી વાંદરાને કુલ 114 વખત જોવામાં આવ્યો. આ પ્રજાતિ સામાન્ય રીતે એકથી 20 સભ્યોના જૂથમાં રહે છે. તેનું નિવાસસ્થાન અત્યંત મર્યાદિત હોવાથી વૈજ્ઞાનિકોનું માનવું છે કે,તેના સંરક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
નારંગી હોઠ અને ગર્જના જેવો અવાજ તેની સૌથી મોટી ઓળખ
લિક્વેલી વાંદરાની સૌથી મોટી વિશેષતા તેનો દેખાવ છે. તેનું આખું શરીર ચમકદાર કાળા રંગનું હોય છે, જ્યારે મોઢા અને નાકની આસપાસ તેજસ્વી નારંગી રંગનો પટ્ટો જોવા મળે છે. ગાલ પર રાખોડી રંગની ચામડી હોવાથી એવું લાગે છે કે જાણે તેણે ચહેરા પર માસ્ક પહેર્યો હોય. શરીરના પાછળના ભાગે સફેદ વાળનો એક સ્પષ્ટ ધબ્બો પણ જોવા મળે છે. માત્ર દેખાવ જ નહીં, તેનો અવાજ પણ અનોખો છે. અન્ય કોલોબસ વાંદરાઓની સરખામણીએ લિક્વેલી ખૂબ જ ઊંડી ગર્જના કરે છે અને સાથે ઘોરાટા જેવા અવાજ પણ કાઢે છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આ અવાજ તેને અન્ય તમામ જાણીતી પ્રજાતિઓથી સંપૂર્ણપણે અલગ ઓળખ આપે છે.
ડીએનએ પરીક્ષણથી મળી નવી પ્રજાતિની પુષ્ટિ
વૈજ્ઞાનિકોએ સ્થાનિક શિકારીઓ પાસેથી મળેલા મૃત વાંદરાઓના ડીએનએ નમૂનાઓ એકત્રિત કર્યા હતા. ત્યારબાદ તેની સરખામણી અન્ય કોલોબસ વાંદરાઓના જિનેટિક ડેટા અને ખોપરીના માળખા સાથે કરવામાં આવી. વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, આ પ્રાણીની જિનેટિક રચના અત્યાર સુધી જાણીતી તમામ કોલોબસ પ્રજાતિઓથી અલગ છે. ત્યારબાદ તેને સત્તાવાર રીતે Colobus congoensis નામની નવી પ્રજાતિ જાહેર કરવામાં આવી.
લાખો વર્ષથી અન્ય પ્રજાતિઓથી અલગ વિકાસ
સંશોધકોના જણાવ્યા મુજબ લિક્વેલી વાંદરાના સૌથી નજીકના સંબંધીઓ કેમરૂન અને ગેબોનમાં જોવા મળતા બ્લેક કોલોબસ વાંદરા છે, જે તેના નિવાસસ્થાનથી લગભગ 1,200 કિલોમીટર દૂર રહે છે. અંદાજે 34 લાખથી 57 લાખ વર્ષ પહેલાં આ બંને પ્રજાતિઓ એકબીજાથી અલગ થઈ હોવાનું વૈજ્ઞાનિકો માને છે. કોલોબસ પ્રજાતિના ઇતિહાસમાં આ સૌથી લાંબો વિકાસીય વિભાજન માનવામાં આવે છે.
શોધ સાથે જ લુપ્ત થવાનો ખતરો પણ વધ્યો
આ નવી પ્રજાતિની ઓળખ થયા બાદ સંશોધકોની સૌથી મોટી ચિંતા તેનું ભવિષ્ય છે. તેનું નિવાસસ્થાન ખૂબ જ મર્યાદિત છે અને ત્યાં સતત જંગલોનું નિકંદન, ગેરકાયદેસર શિકાર અને માનવ પ્રવૃત્તિઓ વધી રહી છે. આ કારણે વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ (IUCN)ને આ પ્રજાતિને 'અતિ જોખમગ્રસ્ત' (Endangered) શ્રેણીમાં સામેલ કરવાની ભલામણ કરી છે, જેથી તેના સંરક્ષણ માટે ઝડપથી વૈશ્વિક સ્તરે પ્રયાસો શરૂ થઈ શકે.
કોંગોનું જંગલ હજુ પણ રહસ્યોથી ભરેલું
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનું વરસાદી જંગલ એમેઝોન પછી વિશ્વનું બીજું સૌથી મોટું ટ્રોપિકલ રેઇનફોરેસ્ટ છે. વિશ્વની જૈવવિવિધતા માટે આ વિસ્તાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોમામી નેશનલ પાર્ક છેલ્લા કેટલાક વર્ષોમાં નવી પ્રજાતિઓ શોધવાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. વર્ષ 2012માં પણ અહીંથી 'લેસુલા' નામના નવા વાંદરાની શોધ થઈ હતી. સંશોધકોનું માનવું છે કે, આ ગાઢ જંગલોમાં હજુ પણ અનેક અજાણી પ્રજાતિઓ છુપાયેલી હોઈ શકે છે અને આગામી વર્ષોમાં વધુ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધો થઈ શકે છે.





