Home Gujarat Mundra Port Cocaine Seizure Gujarat Ats 2026

કચ્છના દરિયામાંથી ઝડપાયું અધધ...1000 કરોડનું કોકેઈન! : ATS-કોસ્ટગાર્ડના જોઇન્ટ ઓપરેશનમાં બ્રાઝિલથી ગુજરાત સુધીના ડ્રગ્સ સપ્લાયનો ભાંડો ફૂ્ટ્યો

ગુજરાત ATS
Published by: Chintan Chavda
Last Updated: May 27, 2026, 07:19 AM IST

ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરીને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ ભારતમાં નશીલા પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનો મોટો ખુલાસો થયો છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુદ્રા પોર્ટ તરફ આવી રહેલી એક બોટમાંથી અંદાજે 1000 કરોડ રૂપિયાની કિંમતનું 118 કિલો કોકેઈન ઝડપી પાડ્યું છે. આ કેસમાં અત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે એક શખ્સ દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

રાજ્યના DGP દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર ઓપરેશનની વિગતો જાહેર કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ કોકેઈનનો જથ્થો બ્રાઝિલથી કાર્ગો બોટ મારફતે લાવવામાં આવ્યો હતો અને અંતે દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેતા બે શખ્સોને પહોંચાડવાનો હતો.

આ પણ વાંચો: વલસાડમાં એક માતાએ જ પોતાના 3 માસુમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા : ત્યાર બાદ જે કર્યું એનાથી આખા પંથકમાં વ્યાપી ગયો ફફડાટ

ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

ગુજરાત ATSને બાતમી મળી હતી કે દરિયાઈ માર્ગે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ગુજરાત તરફ આવી રહ્યો છે. આ માહિતીના આધારે 25 મી તારીખની રાત્રિથી વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડ સાથે મળીને દરિયામાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું અને શંકાસ્પદ બોટ પર નજર રાખવામાં આવી રહી હતી.

26 મી તારીખની વહેલી સવારે મુદ્રા તરફ આવી રહેલી બોટને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. બોટની તલાશી દરમિયાન 6 અલગ-અલગ બેગમાંથી કુલ 118 કિલો કોકેઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 1000 કરોડ રૂપિયા ગણાવવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ જથ્થો મોટી કાર્ગો બોટમાંથી નાની બોટમાં ટ્રાન્સફર કરવામાં આવવાનો હતો જેથી તેને કિનારે લાવી આગળ સપ્લાય કરી શકાય.

ત્રણ આરોપીઓ ઝડપાયા, એક દરિયામાં કૂદ્યો

આ સમગ્ર કેસમાં અત્યાર સુધી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. બોટમાંથી ઝડપાયેલા આરોપીની ઓળખ જુમા નાસીર ઓમાર તરીકે થઈ છે. જ્યારે દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી કેલ્વિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સ નામના બે નાઇજિરિયન મૂળના શખ્સોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન એક અન્ય વ્યક્તિ દરિયામાં કૂદી ગયો હોવાનું જાણવા મળ્યું છે. કોસ્ટગાર્ડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયામાં સર્ચ ઓપરેશન ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

આ પણ વાંચો: સ્માર્ટ સિટી સુરતને નવી ભેટ : નાગરિકોને વધુ સારી સેવા માટે અત્યાધુનિક વાહનોનું લોકાર્પણ, આરોગ્ય વિભાગને મળશે મોટો ફાયદો

બ્રાઝિલથી ભારત સુધી ડ્રગ્સ સપ્લાય ચેઇનની તપાસ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોકેઈનનો જથ્થો બ્રાઝિલમાંથી લોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દરિયાઈ માર્ગે તેને ભારત તરફ મોકલવામાં આવ્યો હતો. ગુજરાત ATS હવે સમગ્ર સપ્લાય ચેઇન, ફંડિંગ અને ભારતમાં સક્રિય રિસીવરો અંગે તપાસ કરી રહી છે.

તપાસ દરમિયાન બોટમાંથી સેટેલાઇટ ફોન સહિતના મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક સાધનો પણ મળી આવ્યા છે. અધિકારીઓ માને છે કે આરોપીઓ આંતરરાષ્ટ્રીય જળસીમામાં સંપર્ક જાળવવા માટે સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરતા હતા.

હાલ તપાસ એજન્સીઓ આરોપીઓના કોલ ડેટા, આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે. દિલ્હી અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ નેટવર્કના સંપર્કો હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમિત શાહ 28-29 મે દરમિયાન ગુજરાત પ્રવાસે : ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અનેક વિકાસ કાર્યોની આપશે ભેટ

ગુજરાત ફરી બન્યું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનું ટાર્ગેટ?

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરીને મોટી માત્રામાં ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાના અનેક કેસો સામે આવ્યા છે. ખાસ કરીને કચ્છ અને મુદ્રા વિસ્તાર આંતરરાષ્ટ્રીય સ્મગલરો માટે સંવેદનશીલ રૂટ તરીકે ઉભરી રહ્યા છે.

સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે અરબી સમુદ્ર મારફતે ભારત સુધી પહોંચવું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ માટે સરળ માર્ગ બની રહ્યો છે. આ કારણે ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા સતત ઓપરેશન ચલાવી રહી છે.

આ કેસમાં હજુ વધુ ખુલાસા થવાની શક્યતા છે. તપાસ એજન્સીઓ માને છે કે ઝડપાયેલા આરોપીઓ માત્ર સપ્લાય ચેઇનની એક કડી છે અને પાછળ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક કાર્યરત હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now