બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી ફરી એકવાર મોકૂફ રાખવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી અધિકારીની અચાનક બગડેલી તબિયતને કારણે ચૂંટણી પ્રક્રિયા અટકાવવામાં આવી હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે, પરંતુ કોંગ્રેસે આ સમગ્ર ઘટનાને “ભાજપના ઈશારે રમાતું રાજકીય નાટક” ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે. ચૂંટણી મુદ્દે હવે મામલો હાઈકોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા ઊભી થઈ છે.
મળતી માહિતી મુજબ, દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી અગાઉ 25 તારીખે યોજાવાની હતી, પરંતુ તે સમયે પણ કોઈ સ્પષ્ટ કારણ વિના ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ નવી તારીખ તરીકે 27 તારીખ નક્કી કરવામાં આવી હતી. જોકે, 27મીએ પણ ચૂંટણી અધિકારી હાજર ન રહેતા ફરીથી ચૂંટણી પ્રક્રિયા અટકી ગઈ હતી.
ચૂંટણી અધિકારીની તબિયત લથડતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન મીડિયા હોસ્પિટલ પહોંચ્યું ત્યારે સારવાર લઈ રહેલા રૂમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હોવાના અને મીડિયા તથા કેમેરામેનને વિઝ્યુઅલ્સ લેવામાં અવરોધ ઉભો કરાયો હોવાના આક્ષેપો પણ થયા છે.
આ પણ વાંચો: સુરતમાં ઘરમાંથી ચાલતો નશાકારક ગોળીઓનો કાળો કારોબાર ઝડપાયો : લિંબાયત પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
કોંગ્રેસનો સીધો આરોપ: ‘ભાજપના દબાણ હેઠળ ચૂંટણી અટકાવવામાં આવી’
કોંગ્રેસના નેતાઓએ સમગ્ર ઘટનાને લઈને વહીવટી તંત્ર અને ભાજપ સરકાર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે 25 તારીખે પણ કૃત્રિમ રીતે વિવાદ ઊભો કરીને ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી.
તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીના બે સભ્યો વચ્ચે કૃત્રિમ ઝઘડો ઊભો કરી કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન સર્જાયો હોવાનું બતાવી ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. હવે 27 તારીખે પણ ચૂંટણી અધિકારી હાજર ન રહેતા સમગ્ર પ્રક્રિયા પ્રત્યે વિશ્વાસ તૂટી ગયો હોવાનું તેમણે જણાવ્યું.
ભરતસિંહ વાઘેલાએ કહ્યું કે ચૂંટણી અધિકારીએ પ્રથમ 11:30 વાગ્યાનો સમય આપ્યો હતો, પરંતુ બાદમાં 3 વાગ્યાનો સમય જાહેર કરાયો. છતાં સાંજ સુધી ચૂંટણી પ્રક્રિયા આગળ વધી ન શકતાં કોંગ્રેસે હવે કોર્ટનો દરવાજો ખખડાવવાનો નિર્ણય કર્યો છે.
તેમણે જાહેરાત કરી કે કોંગ્રેસ હાઈકોર્ટમાં અરજી કરશે અને ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરશે. તેમાં હાલના ચૂંટણી અધિકારીને ચૂંટણી પ્રક્રિયામાંથી દૂર કરવા, તટસ્થ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવા અને હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ ચૂંટણી યોજવાની માંગ સામેલ રહેશે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત : શારીરિક કસોટીમાં પાસ ઉમેદવારોને લેવાસે લેખિત પરીક્ષા, જાણો તારીખ
સગર્ભા સભ્યાની હાજરી મુદ્દે ઉઠ્યા સવાલ
કોંગ્રેસે માનવતાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. ભરતસિંહ વાઘેલાએ દાવો કર્યો કે એક સગર્ભા મહિલા સભ્ય પ્રસવની પીડા વચ્ચે પણ ચૂંટણીમાં હાજરી આપવા આવી હતી. આરોગ્ય ટીમ અને એમ્બ્યુલન્સ સાથે તેઓ કલાકો સુધી રાહ જોતી રહી હોવા છતાં ચૂંટણી અધિકારી હાજર રહ્યા નહીં.
તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની મનસા એવી હતી કે કેટલાક સભ્યો ગેરહાજર રહે અને સત્તા હાંસલ કરવાની રાજકીય તક મળી રહે. તેમણે કહ્યું કે આ સમગ્ર ઘટનાથી માત્ર દિયોદર નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતા દુઃખી અને નારાજ છે.
કોંગ્રેસ કાર્યકર નરસિંહ દેસાઈએ પણ આ મુદ્દે સવાલ ઉઠાવતા કહ્યું કે 25 તારીખે થયેલી ચૂંટણી પ્રક્રિયામાં જે “ડ્રામા” થયો હતો તે સમગ્ર ગુજરાતે જોયો હતો. 27 તારીખે તમામ સભ્યો સમયસર હાજર હોવા છતાં ચાર કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી હતી.
તેમણે જણાવ્યું કે જ્યારે એક સગર્ભા મહિલા 45 ડિગ્રી તાપમાનમાં આરોગ્ય ટીમ સાથે હાજર રહી શકે છે, ત્યારે ચૂંટણી અધિકારી દિયોદરની આરોગ્ય સેવાઓ પર વિશ્વાસ રાખીને ચૂંટણી માટે કેમ હાજર રહી શક્યા નહીં તે મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર! : સોયાબીનની આ જાતો કરશે માલામાલ! બમ્પર ઉપજ અને ઘટશે ખર્ચ, જાણો ખાસિયતો
હોસ્પિટલમાં મીડિયા એન્ટ્રી રોકાતા ચર્ચા
ચૂંટણી અધિકારી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે મીડિયા પહોંચતા રૂમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપોએ પણ વિવાદને વધુ વેગ આપ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે મીડિયાને સ્થિતિનું દ્રશ્યીકરણ ન કરવા દેવા માટે જાણપૂર્વક અવરોધ ઉભો કરાયો.
જો કે, વહીવટી તંત્ર તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર વિગતવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. ચૂંટણી હવે ક્યારે યોજાશે તે અંગે પણ અનિશ્ચિતતા યથાવત છે.
આ સમગ્ર ઘટનાએ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને માત્ર સ્થાનિક રાજકારણનો મુદ્દો ન રાખતા રાજ્યસ્તરીય રાજકીય ચર્ચાનો વિષય બનાવી દીધો છે. હવે કોંગ્રેસ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવે છે કે નહીં અને ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે આગળ વધે છે તેના પર સૌની નજર ટકેલી છે.





