Home Gujarat Ahmedabad Ahmedabad Airport Nonveg Ban Birdhit Amc Action

અમદાવાદ એરપોર્ટ આસપાસ અનેક વિસ્તારોમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ : નોનવેજ વેચતા પકડાશો તો 3 વર્ષની સજા

Ahmedabad Airport
Image Credit: AI
Published by: Bhadreshkumar Mistry
Last Updated: May 12, 2026, 07:54 AM IST

Big Breaking News: અમદાવાદ એરપોર્ટ નજીક આવેલા ચમનપુરા બ્રિજ, અસારવા, હોળી ચકલા, ચામુંડા બ્રિજ સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નોનવેજનું વેચાણ થાય છે. ખાસ કરીને આ વિસ્તારોમાં મચ્છી બજાર તેમજ ચીકન-મટનનું બજાર આવેલું છે. જ્યાં નોનવેજના વેચાણ અને તેના વેસ્ટના કારણે આ વિસ્તારોમાં મોટા પક્ષીઓની અવરજવર વધારે રહે છે. આ વિસ્તારો એરપોર્ટના રન-વે અને તેના ફનલ એરિયાની આસપાસ હોવાથી રન-વે નજીક બર્ડહિટની ઘટનાઓ વધારે થાય છે. જેને કારણે આ વિસ્તારોમાં નોનવેજના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ વિસ્તારોમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધના બોર્ડ પણ લગાવવામાં આવ્યાં છે. એક તરફ સ્થાનિકો દ્વારા તંત્રના આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે. ત્યાં બીજી તરફ નોનવેજનું વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓમાં તંત્રના આ નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે.

"હવે શનિ મિથુન રાશિમાં જશે ત્યારે જ પવન આવશે": અંબાલાલ પટેલે ગરમીને લઈને કેમ અપાવી 1912ની યાદ? આગાહી જાણીને ફફડી જશો

બર્ડ હિટની ઘટનાઓ અટકાવવા માટે AMC તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે અમદાવાદ એરપોર્ટની આસપાસ નોનવેજના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કારણકે, એરપોર્ટ નજીકના નોનવેજ માર્કેટને કારણે તેના વેસ્ટને ખાવા માટે પક્ષીઓ આ વિસ્તારમાં વધારે આવતા હોય છે. જેને કારણે વિમાનની અવરજવરમાં અવારનવાર અવરોધ ઉભો થાય છે. એજ કારણ છેકે, અનેકવાર વિમાન સાથે બર્ડહિટની ઘટનાઓ સામે આવી ચૂકી છે. પક્ષી ભલે નાનું હોય પરંતુ વિમાનની ગતિને કારણે જ્યારે તે પ્લેન સાથે ટકરાય છે તો પ્લેન ક્રેશ થવાની સંભાવના રહેલી છે. આવી સ્થિતિમાં પ્લેનમાં સવાર અનેક મુસાફરો તેમજ પ્લેનના રૂટ નજીકના રહેણાંક અને કોમર્શિયલ કોમ્પેલક્ષ માટે પણ જોખમી બની શકે છે.

ગીરમાં શિકાર કરતાં સિંહ-સિંહણના Live દ્રશ્યો: પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા!

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ તંત્ર અલર્ટઃ

12 જૂને અમદાવાદથી લંડન જઈ રહેલાં પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. અમદાવાદમાં 12 જૂને થયેલી એરક્રેશની ઘટના બાદ તંત્ર એલર્ટ થયું છે. પ્લેન ક્રેશની ઘટનામાં સિવિલના જે બિલ્ડિંગ પર પ્લેન પડ્યું તેમાં પણ અનેક તબીબો અને અન્ય લોકોનો જીવ ગયો હતો. આ ઘટના બાદ એરપોર્ટ તંત્ર દ્વારા ભારે સતર્કતા રાખવામાં આવી રહી છે. તેના જ ભાગરૂપે અમદાવાદ મનપા સાથે સંકલન સાથીને બર્ડહિટને રોકવા માટે એરપોર્ટ આસપાસ નોનવેજના વેચાણ પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મનપા તંત્ર દ્વારા પ્લેનના મુસાફરીની સલામતીને ધ્યાને રાખીને એરપોર્ટ આસપાસ નોનવેજ ફ્રી ઝોન બનાવવાનો નિર્ધાર કરાયો છે.

કચ્છમાં ટાપુ પરથી મળી શંકાસ્પદ AIS સિસ્ટમ: ટેક્નિકલ અને ફોરેન્સિક તપાસ શરૂ

એરપોર્ટ નજીક નોનવેજના વેચાણ પર તંત્રનો પ્રતિબંધઃ

અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર રમ્ય ભટ્ટે જણાવ્યુંકે, એરપોર્ટ આસપાસના વિસ્તારોમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદની જે એરપોર્ટ એન્વાયરમેન્ટ કમિટિ દ્વારા એરક્રાફ્ટની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે. પ્લેનના ફનલ એરિયામાં મચ્છી બજારને હાઈલાઈટ કરાયું હતું. તેથી તે પ્રવૃત્તિઓ બંધ કરાવાઇ છે.

વર્ષ 2015થી લઈને 2025 એટલેકે, છેલ્લાં 10 વર્ષમાં એરપોર્ટ પર થયેલાં બર્ડહિટના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યાં છે. જેમાં કુલ મળીને 570 જેટલી બર્ડહિટની ઘટનાઓ છેલ્લાં 10 વર્ષોમાં બની છે. છેલ્લાં 5 વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પર 300થી વધુ બર્ડ હિટની ઘટના બની છે. બર્ડ હિટ રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

પાટીદાર સમાજમાં આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે બે ફાંટા: અનાર પટેલ અને લાલજી પટેલના વિરોધાભાસી સૂર

છેલ્લાં 5 વર્ષમાં બર્ડ હિટના આંકડા

વર્ષ બર્ડહિટની ઘટના

2020- 57

2021- 49

2022- 39

2023- 86

2024- 77

2025- 65

દર મહિને સરેરાશ 7-8 બર્ડ હિટની ઘટના અમદાવાદ એરપોર્ટ પર બનતી હોવાનો આંકડો સામે આવ્યો છે.

કયા-કયા પક્ષીઓ પ્લેનને અથડાય છે?

કાગડો, કબૂતર, સમડી, બાજ અને ગીઘ સહિતના પક્ષીઓની થાય છે વિમાન સાથે ટક્કર. નજીકમાં મટન-ચીકન અને મચ્છી સહિતનું નોનવેજ માર્કેટ આવેલું હોવાથી આ પક્ષીઓ અહીં મંડરાતા હોય છે. જેને કારણે અહીં સતત બર્ડહિટનો ખતરો વધતો જાય છે.

નિયમભંગ કરનાર સામે શું કાર્યવાહી થશે?

હવે જો આ પ્રતિબંધિત વિસ્તારમાં નોનવેજ વેચતા પકડાશો તો ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-125(B) હેઠળ 3 વર્ષ સુધીની કેદની સજા થવાની સંભાવના છે. સાથે 10 હજાર રૂપિયા દંડ પણ ભરવો પડશે.

નોનવેજની શોધમાં ફરતા પક્ષીઓ એરપોર્ટના રનવે નજીક આવી જાય છે. જેને કારણે બર્ડહિટની ઘટનાઓ બને છે. આ ઘટનાઓને રોકવા માટે એરપોર્ટ ઓથોરિટી અને અમદાવાદ મનપા દ્વારા મોટો ખર્ચ પણ કરવામાં આવે છે. તેમ છતાં યોગ્ય પરિણામ ન મળતા એરપોર્ટ આસપાસ નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. હવે એરપોર્ટ આસપાસ નોનવેજ વેચાશે કે તેનો વેસ્ટ ફેંકવામાં આવશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે કડક કાર્યવાહી. વારંવાર થતી બર્ડહિટની ઘટનાઓને રોકવા માટે AMC દ્વારા લેવાયો નિર્ણય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now