કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન ખિદરત ટાપુ પરથી શંકાસ્પદ A.I.S. (Automatic Identification System) સિસ્ટમ મળી આવતા સુરક્ષા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. સ્ટેટ આઈ.બી., એસ.ઓ.જી. ભુજ અને જખૌ મરીન પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન સેટેલાઈટ આધારિત સોલર બેઝ્ડ ઇક્વિપમેન્ટ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ મળી આવેલું સાધન સેટેલાઈટ આધારિત ટેક્નોલોજી પર કાર્યરત હોવાનું માનવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે AIS સિસ્ટમનો ઉપયોગ દરિયામાં સંચાલિત વહાણો, બોટ અને અન્ય મરીન વાહનોના લોકેશન ટ્રેકિંગ તેમજ નેવિગેશન માટે કરવામાં આવે છે. પરંતુ નિર્જન ટાપુ વિસ્તારમાં આવી સિસ્ટમ કોણે સ્થાપિત કરી અને તેનો હેતુ શું હતો તે મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે.
સંયુક્ત ઓપરેશન દરમિયાન થયો ખુલાસો
માહિતી મુજબ કચ્છના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા એજન્સીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે. તે દરમિયાન ખિદરત ટાપુ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતીના આધારે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશનમાં જખૌ મરીન પોલીસ, સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને એસ.ઓ.જી. ભુજના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા.
ટીમે ટાપુ વિસ્તારમાં તપાસ દરમિયાન સોલર પેનલ સાથે જોડાયેલ એક ટેકનિકલ સાધન શોધી કાઢ્યું હતું. નજીકથી તપાસ કરતા આ સાધન AIS આધારિત સિસ્ટમ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને વધુ સર્ચ હાથ ધર્યું હતું.
શું છે AIS સિસ્ટમ?
Automatic Identification System એટલે કે AIS એ દરિયાઈ સુરક્ષા અને નેવિગેશન માટે ઉપયોગમાં લેવાતી એક મહત્વપૂર્ણ ટેક્નોલોજી છે. આ સિસ્ટમ દ્વારા વહાણોની ઓળખ, ગતિ, દિશા અને લોકેશન જેવી માહિતી ટ્રાન્સમિટ થાય છે. સામાન્ય રીતે કોમર્શિયલ શિપિંગ, કોસ્ટ ગાર્ડ અને મરીન સુરક્ષા એજન્સીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ટેક્નિકલ અને ફોરેન્સિક તપાસ શરૂ
સુરક્ષા એજન્સીઓએ સ્થળ પરથી મળી આવેલી સિસ્ટમ કબ્જે લઈને તેની ટેક્નિકલ તપાસ શરૂ કરી છે. ઉપકરણમાં કઈ પ્રકારની કનેક્ટિવિટી હતી, તે ક્યાંથી ઓપરેટ થતું હતું અને તેમાં કોઈ ડેટા સ્ટોર થયેલો છે કે નહીં તેની વિગતવાર ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.
બોરવેલમાંથી નીકળ્યું ઝેરી લાલ પાણી!: 5 ગામોની જમીન બંજર થવાના આરે, કેમિકલ ફેક્ટરી સામે ખેડૂતોનો આક્રોશ
કચ્છનો દરિયાઈ વિસ્તાર પહેલેથી જ સંવેદનશીલ
કચ્છનો દરિયાઈ પટ્ટો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. ભારત-પાકિસ્તાન સમુદ્રી સીમા નજીક હોવાને કારણે અહીં કોસ્ટલ સિક્યુરિટી એજન્સીઓ સતત સતર્ક રહેતી હોય છે. અગાઉ પણ કચ્છના દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોટ, સેટેલાઈટ ફોન અને અન્ય ઉપકરણો મળવાના બનાવો સામે આવી ચૂક્યા છે.
આ ઘટનાએ ફરી એકવાર દરિયાઈ સુરક્ષાને લઈને સવાલો ઉભા કર્યા છે. સુરક્ષા એજન્સીઓ હાલ સમગ્ર મામલે વધુ માહિતી એકત્રિત કરી રહી છે અને ટેક્નિકલ રિપોર્ટ મળ્યા બાદ વધુ ખુલાસા થવાની શક્યતા છે.





