Junagadh News: જૂનાગઢ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પ્રદૂષણને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભેસાણ ચોકડી પાસે આવેલી જેતપુરના એક ઉદ્યોગપતિની કેમિકલ ફેક્ટરી સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતો માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહી છે. આ ફેક્ટરીમાંથી નીકળતા ઝેરી વાયુઓને કારણે વાતાવરણ એટલું પ્રદૂષિત થયું છે કે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં એસી (AC) જેવા ઉપકરણો પણ કામ કરતાં બંધ થઈ ગયા છે. હવામાં રહેલા કેમિકલના કણો ઈલેક્ટ્રોનિક વસ્તુઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર માઠી અસર પડી રહી છે.
માત્ર હવા જ નહીં, પરંતુ આ ફેક્ટરી દ્વારા છોડવામાં આવતું કેમિકલ યુક્ત ઝેરી પાણી જમીનમાં ઉતરતા પાંચથી વધુ ગામોની ખેતીલાયક જમીન હવે બંજર થવાને આરે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ફેક્ટરી માલિકના રાજકીય વગ અને દબાણના કારણે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અવારનવાર રજૂઆતો કરવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મૌન સેવી રહ્યું હોય તેમ જણાય છે.
ધરતીપુત્રોની ચિંતા: બોરવેલમાંથી નીકળી રહ્યું છે કેમિકલવાળું લાલ પાણી
કેમિકલ ફેક્ટરીના પ્રદૂષણે પાતાળના પાણીને પણ ઝેરી બનાવી દીધું છે. સરગવાડા, સાબલપુર, દોલતપરા અને સુકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોની જમીનમાં જ્યારે ખેડૂતો સિંચાઈ માટે બોર કરે છે, ત્યારે તેમાંથી સફેદને બદલે કેમિકલયુક્ત લાલ પાણી બહાર આવી રહ્યું છે. આ ઝેરી પાણીના કારણે ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે અને જમીનની ફળદ્રુપતા કાયમી ધોરણે ખતમ થઈ રહી છે. કેમિકલ વેસ્ટના અયોગ્ય નિકાલને કારણે જમીન પણ ખરાબ થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે.

ભવનાથના તળમાં પણ ઝેર ભળ્યું, ફેક્ટરી માલિક સામે અગાઉ પણ ગંભીર ગુના
આ પ્રદૂષણની અસર હવે જૂનાગઢની શાન ગણાતા ગિરનારની તળેટી અને ભવનાથ વિસ્તાર સુધી પહોંચી છે. ભવનાથના કુદરતી જળસ્તરમાં પણ કેમિકલયુક્ત પાણી ભળવા લાગ્યું હોવાનું સામે આવ્યું છે, જે પર્યાવરણ માટે ખતરાની ઘંટી છે. નોંધનીય છે કે, આ કેમિકલ ફેક્ટરીના માલિક વિરુદ્ધ ભૂતકાળમાં 'માનવ વધ' જેવો ગંભીર ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે, તેમ છતાં તેમની ફેક્ટરી બેરોકટોક ચાલુ રહેતા તંત્રની મિલીભગત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ પણ વાંચો: મહેસાણા-રાજસ્થાન હાઈવે પર ગમખ્વાર અકસ્માત : બસ અને ટ્રક અથડાતા 2 નાં મોત, 13 ઇજાગ્રસ્ત
ભાવેશ વેકરીયાની આક્રમક માંગ અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
સ્થાનિક આગેવાન ભાવેશ વેકરીયા દ્વારા આ મામલે ઉગ્ર લડત શરૂ કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પ્રદૂષણની ભયાનકતા દર્શાવતો વીડિયો વાયરલ કરીને સરકાર અને તંત્ર પર પ્રહારો કર્યા છે. વેકરીયાએ માંગ કરી છે કે વહેલી તકે આ કેમિકલ ફેક્ટરીને બંધ કરવામાં આવે અથવા પ્રદૂષણ રોકવા માટે કડક પગલાં લેવામાં આવે. જો આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી નહીં થાય, તો ખેડૂતો અને સ્થાનિકો દ્વારા મોટા પાયે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.





