SG Highway Car Crash: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા ભયાનક અકસ્માતની ઘટના હજુ લોકોના મનમાંથી ભૂંસાઈ નથી ત્યાં ગાંધીનગરના એસજી હાઇવે પર ફરી એકવાર બેફામ ઝડપ અને બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મધરાતે સરગાસણ બ્રિજ પાસે પૂરપાટ ઝડપે દોડતી લક્ઝુરિયસ કારોએ એવો અકસ્માત સર્જ્યો કે થોડા જ પળોમાં સમગ્ર વિસ્તાર ધડાકાના અવાજથી ગૂંજી ઉઠ્યો. અકસ્માત બાદ એક ક્રેટા કારમાં ભીષણ આગ ભભૂકી ઊઠી અને ચાર લક્ઝુરિયસ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સરગાસણ બ્રિજની શરૂઆતમાં સ્વાગત મોલની બિલકુલ સામે સર્જાયેલા આ અકસ્માતમાં ચારેય વાહનોનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં એકની હાલત ગંભીર છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે જાણે ફિલ્મી દૃશ્ય સામે સર્જાયું હોય. સ્થાનિકોનું કહેવું છે કે કેટલાક યુવકો નશાની હાલતમાં ભારે ઝડપે કાર દોડાવી રહ્યા હતા. જોકે, પોલીસ તરફથી હજુ સુધી નશામાં ડ્રાઇવિંગની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, સરગાસણ બ્રિજ પર એક ઇનોવા કાર આગળ જઈ રહી હતી અને તેની પાછળ મહિન્દ્રા XEV 9e (EV) ચાલી રહી હતી. મહિન્દ્રા કાર ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી હ્યુન્ડાઈ ક્રેટાના ચાલકે કાબૂ ગુમાવી મહિન્દ્રા કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે મહિન્દ્રા EV આગળ ધકેલાઈ ઇનોવા સાથે અથડાઈ ગઈ. અકસ્માતની અસર એટલી ભયાનક હતી કે ક્રેટા કારમાં તરત જ આગ લાગી ગઈ. નજીકમાં રહેલા લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

ચાર લક્ઝુરિયસ કારને ભારે નુકસાન
આ અકસ્માતમાં હ્યુન્ડાઈ ક્રેટા, મહિન્દ્રા XEV 9e, ઇનોવા અને ટાટા ટિયાગો સહિત કુલ ચાર કારને ભારે નુકસાન થયું હતું. આગ લાગવાના કારણે ક્રેટા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂકી હતી.
પ્રત્યક્ષદર્શીએ વર્ણવ્યો આખો ઘટનાક્રમ
અકસ્માત સમયે નજીકની ઓફિસમાં હાજર યુવરાજસિંહ ભાટીએ જણાવ્યું કે તેઓ મિત્રો સાથે ઓફિસની બહાર બેઠા હતા ત્યારે લગભગ 300 મીટર દૂરથી જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો. તેઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા, જ્યાં ચાર કાર એકબીજા સાથે અથડાયેલી હતી અને ક્રેટા કારમાં આગ ભભૂકી રહી હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી.

4 લોકો ઘાયલ, એકની હાલત ગંભીર
અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિની ગંભીર હાલતને કારણે તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ક્રેટા કારમાં સવાર ત્રણ યુવકોના નામ અયાન, કૌસ્તુભ દવે અને ચિત્રાંગ દવે હોવાનું સામે આવ્યું છે. ત્રણેય અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય : આજે 23 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કઈ તારીખ સુધી રહેશે મેઘમહેર
નશામાં ડ્રાઇવિંગનો દાવો, પોલીસ તપાસમાં વ્યસ્ત
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે ઇજાગ્રસ્ત યુવકોમાંથી કેટલાક નશાની હાલતમાં હતા અને લગભગ 130 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે કાર ચલાવી રહ્યા હતા. જોકે પોલીસે આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સેક્ટર-7 પોલીસે શરૂ કરી તપાસ
અકસ્માત બાદ સેક્ટર-7 પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ, વાહનોની ઝડપ, CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતે ફરી એકવાર શહેરમાં હાઇસ્પીડ ડ્રાઇવિંગ અને બેદરકારીભર્યા વાહનચાલન સામે સવાલો ઉભા કર્યા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ જો આવા બનાવો સામે આવી રહ્યા હોય તો માર્ગ સુરક્ષા અંગે વધુ કડક અમલવારીની જરૂરિયાત સ્પષ્ટ થઈ રહી છે.





