Home Gujarat Gujarat Government Energy Saving Drive Office Guidelines 2026

વીજ બચત માટે ગુજરાત સરકારનો અખતરો : તમામ સરકારી કચેરીઓમાં ACનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત 24 ડિગ્રી રાખવા આદેશ

સરકારી કચેરીની પ્રતિકારાત્મક છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 26, 2026, 05:12 AM IST

ગ્લોબલ વોર્મિંગ, સતત વધી રહેલા તાપમાન અને વીજળીની વધતી માંગ વચ્ચે ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં વ્યાપક ઊર્જા બચત અભિયાન શરૂ કર્યું છે. "વીજ બચત એ જ વીજ ઉત્પાદન"ના મંત્ર સાથે શરૂ કરવામાં આવેલા આ અભિયાનનો મુખ્ય હેતુ બિનજરૂરી વીજ વપરાશ ઘટાડીને ઊર્જા કાર્યક્ષમતા વધારવાનો, સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનો અને જાહેર ઇમારતોમાં ઊર્જા બચત માટે એકસરખા ધોરણો અમલમાં મૂકવામાં આવશે. રાજ્ય સરકારનું માનવું છે કે સરકારી ઇમારતોમાં વીજળીનો મોટો વપરાશ થાય છે અને યોગ્ય આયોજન દ્વારા તેની નોંધપાત્ર બચત શક્ય છે.

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગ્રીન એનર્જી તરફ વધુ એક પગલું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને ઊર્જા-પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં શરૂ કરાયેલા આ અભિયાન દ્વારા સરકારી તંત્રમાં ઊર્જા કાર્યક્ષમતા વધારવા સાથે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકારનું લક્ષ્ય માત્ર વીજળી બચાવવાનું જ નહીં, પરંતુ સરકારી કચેરીઓને ઊર્જા વ્યવસ્થાપનમાં આદર્શ બનાવવાનું પણ છે.

આ અભિયાન હેઠળ તમામ વિભાગોને ઊર્જાના જવાબદાર ઉપયોગ માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને કામકાજ પૂર્ણ થયા બાદ ઓફિસોમાં બિનજરૂરી રીતે ચાલુ રહેતા વીજ ઉપકરણો બંધ રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય : આજે 23 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કઈ તારીખ સુધી રહેશે મેઘમહેર

ઓફિસ સમય બાદ તમામ વીજ ઉપકરણો બંધ રાખવા ફરજિયાત

નવી માર્ગદર્શિકા મુજબ ઓફિસ સમય પૂર્ણ થયા પછી, સપ્તાહાંત અને જાહેર રજાઓ દરમિયાન તમામ લાઇટો, પંખા, એર કન્ડીશનર, કમ્પ્યુટર અને અન્ય વીજ ઉપકરણો ફરજિયાત બંધ રાખવાના રહેશે. ફિલ્ડ ડ્યુટી અથવા રજા પર રહેલા અધિકારીઓની ખાલી કેબિનમાં પણ વીજ ઉપકરણો ચાલુ ન રહે તેની જવાબદારી કચેરીના વડાઓને સોંપવામાં આવી છે. દરેક મોટા વિભાગમાં ઊર્જા બચતના અમલીકરણ અને દેખરેખ માટે એક 'નોડલ અધિકારી' ની નિમણૂક કરવામાં આવશે, જે નિયમિત ચકાસણી કરીને માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરશે.

તમામ સરકારી કચેરીઓમાં AC હવે 24 ડિગ્રી પર જ ચાલશે

ઊર્જા બચત માટે સરકારનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એર કન્ડીશનરના ઉપયોગને લઈને લેવામાં આવ્યો છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE)ના ધોરણો અનુસાર હવે તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ રાખવું ફરજિયાત રહેશે.

સરકારનું માનવું છે કે માત્ર આ એક પગલાથી જ રાજ્યભરમાં નોંધપાત્ર વીજ બચત શક્ય બનશે. ઉપરાંત મેન્યુઅલ ભૂલોને કારણે થતો વીજ વ્યય અટકાવવા માટે કોરિડોર, મીટિંગ રૂમ, પાર્કિંગ અને શૌચાલયોમાં ઓક્યુપન્સી સેન્સર્સ અને ટાઈમર આધારિત ઓટોમેશન સિસ્ટમ્સ લગાવવામાં આવશે, જેથી જરૂરી હોય ત્યારે જ લાઇટ અને અન્ય ઉપકરણો કાર્યરત રહે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર દુર્ઘટનાનો મામલો : એર ઈન્ડિયા-ઈન્ડિગોના વિમાન આમને-સામને આવી જતા DGCAએ શરૂ કરી તપાસ

LED, 5-સ્ટાર ઉપકરણો અને સ્માર્ટ સ્ટ્રીટ લાઇટિંગને પ્રોત્સાહન

સરકારે તમામ સરકારી ઇમારતોમાં પરંપરાગત લાઇટોને બદલે ઊર્જા બચાવતી LED લાઇટો લગાવવાનો નિર્ણય કર્યો છે. ભવિષ્યમાં સરકારી ખરીદી દરમિયાન માત્ર 5-સ્ટાર રેટિંગ ધરાવતા ઊર્જા કાર્યક્ષમ ઉપકરણોને પ્રાથમિકતા આપવામાં આવશે.

મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં સેન્ટ્રલાઇઝ્ડ કંટ્રોલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CCMS) દ્વારા સ્ટ્રીટ લાઇટોના સંચાલનને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવશે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય પ્રમાણે સ્ટ્રીટ લાઇટો આપોઆપ ચાલુ અને બંધ થશે, જેના કારણે દરરોજ અંદાજે એક કલાક જેટલી વીજળીની સીધી બચત થઈ શકશે. ઉપરાંત રાત્રે 12થી સવારે 4 વાગ્યા દરમિયાન ઓછા ટ્રાફિકવાળા વિસ્તારોમાં પ્રાયોગિક ધોરણે એકાંતરે સ્ટ્રીટ લાઇટો બંધ રાખવાનો પણ વિચાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસનું રાષ્ટ્રવ્યાપી ‘છાત્રો કી ગૂંજ’ અભિયાન : વિદ્યાર્થીઓના હક્ક માટે દેશવ્યાપી આંદોલનની જાહેરાત

સોલાર એનર્જી અને કુદરતી પ્રકાશના ઉપયોગ પર ભાર

રાજ્ય સરકારે સરકારી ઇમારતોમાં સોલાર ઊર્જાનો વ્યાપ વધારવા માટે પણ ખાસ આયોજન કર્યું છે. જ્યાં શક્ય હશે ત્યાં નવી સોલાર પેનલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. ઉપરાંત ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA) દ્વારા અગાઉ સ્થાપિત સોલાર પ્લાન્ટોની ચકાસણી કરીને બંધ અથવા ઓછી ક્ષમતાથી કાર્યરત સિસ્ટમોને ફરી કાર્યક્ષમ બનાવવાની કામગીરી હાથ ધરાશે.

દિવસ દરમિયાન કુદરતી સૂર્યપ્રકાશનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે અનાવશ્યક લાઇટો બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. બહુમાળી સરકારી ઇમારતોમાં કર્મચારીઓને લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.

45 દિવસમાં એક્શન પ્લાન અને ફરજિયાત એનર્જી ઓડિટ

આ અભિયાનનો અસરકારક અમલ થાય તે માટે રાજ્ય સરકારે કડક મોનિટરિંગ વ્યવસ્થા પણ ગોઠવી છે. તમામ વિભાગોએ આગામી 45 દિવસની અંદર "ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન" તૈયાર કરીને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA)ને સોંપવાનો રહેશે.

તે ઉપરાંત તમામ વિભાગોએ ઊર્જા વપરાશના ત્રિમાસિક અહેવાલો રજૂ કરવા પડશે અને દર વર્ષે થર્ડ-પાર્ટી એનર્જી ઓડિટર્સ દ્વારા ફરજિયાત ઊર્જા ઓડિટ પણ કરાવવું પડશે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ જે સરકારી કચેરીઓ ઊર્જા બચતમાં શ્રેષ્ઠ કામગીરી કરશે તેમને રાજ્ય સ્તરે સન્માનિત કરીને અન્ય વિભાગો માટે પ્રેરણારૂપ બનાવવામાં આવશે.

સરકારનું માનવું છે કે આ અભિયાન માત્ર વીજળીનું બિલ ઘટાડવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ ગ્રીન એનર્જી, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને પર્યાવરણ સંરક્ષણ જેવા લાંબા ગાળાના લક્ષ્યોને સિદ્ધ કરવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે. જો તમામ સરકારી કચેરીઓ આ માર્ગદર્શિકાનું અસરકારક રીતે પાલન કરશે તો રાજ્યમાં ઊર્જા બચતનું એક નવું મોડેલ ઊભું થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now