જામનગર શહેરમાં ગોવાળ મસ્જિદ નજીક તાજીયાને ઓટો રિક્ષાની ટક્કર લાગતાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ દરગાહ નજીક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પરિસ્થિતિ તંગ બનતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, ઓટો રિક્ષાની ટક્કર તાજીયા સાથે થતાં સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. ઘટનાના પગલે કેટલાક ઉશ્કેરાયેલા લોકોએ ઓટો રિક્ષા ચાલક સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન ઓટો રિક્ષામાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસનો તાત્કાલિક હસ્તક્ષેપ
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને પોલીસ સુરક્ષા વચ્ચે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તાર પર નજર રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: SG હાઈવે પર ફરી તથ્યકાંડ વાળી! : મધરાતે નશામાં ધૂત હાલતમાં નીકળ્યા નબીરાઓ, 130ની સ્પીડે 4 ગાડીઓ વચ્ચે ભયાનક અકસ્માત
તપાસ શરૂ
પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો, તેમાં કોઈ ઇરાદાપૂર્વકનું કૃત્ય હતું કે નહીં તેમજ મારપીટ અને તોડફોડમાં સંડોવાયેલા લોકોની ઓળખ સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. સ્થળ પર હાજર લોકોના નિવેદનો તેમજ ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ અપ્રમાણિત માહિતી સોશિયલ મીડિયા પર શેર ન કરવાની અપીલ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.





