મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ નજીક મોડી રાત્રે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ડિવાઈડર કૂદી આવેલી લકઝરી બસ સીધી કેળા ભરેલી ટ્રક સાથે અથડાઈ અને ત્યારબાદ ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. ઘટનાના પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત મોડી રાત્રે અંદાજે 3 વાગ્યાના સમયે થયો હતો. વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને ટ્રક જોધપુર તરફ જઈ રહી હતી. તે દરમિયાન અમદાવાદ તરફ જતી લકઝરી બસ અચાનક રોંગ સાઇડમાં ધસી આવી હોવાનું સામે આવ્યું છે. બસ ડિવાઈડર કૂદી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
નેહરુ કેબિનેટનું મંત્રીપદ ઠુકરાવી ભોગવ્યો જેલવાસ!: રાષ્ટ્રવાદ માટે નાંખ્યો જનસંઘનો પાયો, બસ ત્યાંથી શરૂ થઈ દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષની વિચારયાત્રા
ટ્રક ડ્રાઈવરે વર્ણવી અકસ્માતની ક્ષણો
અકસ્માતમાં બચી ગયેલા ટ્રક ડ્રાઈવર તુલસીરામે સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ તેઓ નિયમિત માર્ગ પર પોતાની સાઇડમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી લકઝરી બસ અચાનક ડિવાઈડર પાર કરીને તેમની તરફ આવી ચડી હતી. ટક્કર ટાળવાનો પ્રયાસ કરવા છતાં અકસ્માત ટાળી શકાયો નહોતો.
ટક્કર બાદ બસ રોડની બાજુમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. ઘટનાના અવાજથી આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફાર્મસી વિદ્યાર્થીઓ માટે લોટરી: હવે પરીક્ષા વગર જ મળશે ફાર્મસિસ્ટનું લાયસન્સ, જાણો કેમ 4 વર્ષથી અટવાયેલી છે 'એક્ઝિટ ટેસ્ટ'
ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ
અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા 13 લોકોને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રાથમિક તપાસમાં બસ ચાલકની બેદરકારી અથવા ઊંઘના કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સત્તાવાર કારણ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.





