Home Gujarat Pharmacy Exit Test Stuck Registration Without Exam Allowed Pci Circular

ફાર્મસી વિદ્યાર્થીઓ માટે લોટરી : હવે પરીક્ષા વગર જ મળશે ફાર્મસિસ્ટનું લાયસન્સ, જાણો કેમ 4 વર્ષથી અટવાયેલી છે 'એક્ઝિટ ટેસ્ટ'

Pharmacy Exit Test
Published by: Nirali Gohil
Last Updated: May 12, 2026, 04:31 AM IST

Pharmacy Exit Test News: ગુજરાત સહિત દેશભરના ડિપ્લોમા ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ચાર વર્ષથી જે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે મડાગાંઠ અને ચિંતાની સ્થિતિ હતી, તે 'ડિપ્લોમા ફાર્મસી એક્ઝિટ ટેસ્ટ' (DPEE) હવે અનિશ્ચિતકાળ માટે પાછી ઠેલાઈ હોય તેવું જણાઈ રહ્યું છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) એ મહત્વનો નિર્ણય લેતા સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી આ પરીક્ષા અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ અંતિમ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર જ ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન આપી દેવામાં આવશે. આ નિર્ણયને કારણે હજારો વિદ્યાર્થીઓના કરિયર પર લટકતી તલવાર હવે દૂર થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ફાર્મસીના વ્યવસાયમાં ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા એક્ઝિટ ટેસ્ટનો નિયમ લાવવામાં આવ્યો હતો. જોકે, આ નિયમ લાગુ થયાના ચાર વર્ષ બાદ પણ યોગ્ય અમલીકરણ અને પરીક્ષા પદ્ધતિના વિવાદોને કારણે તે ઘોંચમાં પડી છે. ઓક્ટોબર 2024માં પરીક્ષા લેવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, છેલ્લી ઘડીએ ઊભા થયેલા વિરોધને પગલે પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. હવે કાઉન્સિલે પરિપત્ર જાહેર કરીને તમામ રાજ્યોની ફાર્મસી કાઉન્સિલોને પરીક્ષા વિના રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: JEE Advanced 2026 એડમિટ કાર્ડ જાહેર : જાણો હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

કેમ ઉગ્ર વિરોધ બાદ પરીક્ષા રદ કરવી પડી?

વર્ષ 2022માં જ્યારે એક્ઝિટ ટેસ્ટના રેગ્યુલેશન્સ જાહેર થયા ત્યારે પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2024માં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) દ્વારા લેવાનું નક્કી થયું હતું. ગુજરાતના 536 સહિત દેશભરના 18,243 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું. પરંતુ, મુખ્ય વિવાદ નીચેના મુદ્દાઓ પર થયો હતો:

  • ઊંચી પરીક્ષા ફી: પરીક્ષા માટે અંદાજે 5000 રૂપિયા જેટલી માતબર ફી રાખવામાં આવી હતી, જેનો વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

  • પેપરની સંખ્યા: એકસાથે ત્રણ પેપરો લેવાની જોગવાઈ સામે પણ ભારે નારાજગી જોવા મળી હતી. આ વિવાદો એટલા વધ્યા કે કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો પહોંચી અને છેલ્લી ઘડીએ પરીક્ષા કેન્સલ કરવાની જાહેરાત કરવી પડી.

કઈ બેચના વિદ્યાર્થીઓને મળશે પરીક્ષા વગર રજિસ્ટ્રેશનનો લાભ?

ફાર્મસી કાઉન્સિલના લેટેસ્ટ પરિપત્ર મુજબ, હવે એક્ઝિટ ટેસ્ટના વિવાદને કારણે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અટકશે નહીં. નીચે મુજબની બેચના વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે:

  1. 2022-23ની બેચ: આ વર્ષે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને અગાઉ જ છૂટ આપી દેવામાં આવી હતી.

  2. 2023-25 અને 2024-26ની બેચ: જે વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે અથવા પાસ થઈ રહ્યા છે, જ્યાં સુધી એક્ઝિટ ટેસ્ટ ફરીથી લેવાનું નક્કી ન થાય ત્યાં સુધી તેઓને પરીક્ષા વિના રજિસ્ટ્રેશન નંબર (લાયસન્સ) આપી દેવાશે. આનો અર્થ એ છે કે 2026 સુધી પાસ થનારા વિદ્યાર્થીઓ પણ આ રાહતનો લાભ લઈ શકશે.

આ પણ વાંચો: NEET UG 2026 પેપર લીક? : વાયરલ થયેલા પ્રશ્નપત્રમાંથી 140 પ્રશ્નો બેઠા પૂછાયા, રાજસ્થાન SOGના ખુલાસાથી ફફડાટ

રજિસ્ટ્રેશન નંબર કેમ છે અનિવાર્ય?

ડિપ્લોમા ફાર્મસીના બે વર્ષના અભ્યાસ અને ઇન્ટર્નશિપ બાદ વિદ્યાર્થીએ જે તે રાજ્યની ફાર્મસી કાઉન્સિલમાં નોંધણી કરાવવી પડે છે. આ નોંધણી બાદ જ તેને યુનિક રજિસ્ટ્રેશન નંબર મળે છે, જે ખરેખર તો ફાર્મસીનો વ્યવસાય કરવાનું લાયસન્સ છે. આ લાયસન્સ વગર કોઈ પણ વ્યક્તિ:

  • પોતાનો મેડિકલ સ્ટોર શરૂ કરી શકતી નથી.

  • હોસ્પિટલ કે ફાર્મસી કંપનીમાં 'ફાર્મસિસ્ટ' તરીકે નોકરી કરી શકતી નથી.

  • દવાઓના વેચાણ કે વિતરણ સાથે કાયદેસર રીતે જોડાઈ શકતી નથી.

ભવિષ્યમાં એક્ઝિટ ટેસ્ટ લેવાશે કે નહીં?

હાલમાં આ પ્રશ્ન યથાવત છે. કેન્દ્ર સરકારે પરીક્ષા ફી અને પેપર સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા માટે હજુ સુધી કોઈ સત્તાવાર મંજૂરી આપી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ પરીક્ષાને વધુ સરળ અને ઓછી ફી વાળી બનાવવા પર વિચારણા કરી રહી છે. પરંતુ જ્યાં સુધી નવો ડ્રાફ્ટ તૈયાર ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે 'પરીક્ષા વગર રજિસ્ટ્રેશન'ની આ વિન્ડો ખુલ્લી રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now