Home Gujarat 26 June 2026 Gujarat Latest News Updates Weather Politics Crime

Live26 June 2026 Gujarat Latest News Updates : જાણો આજના દિવસભરના ગુજરાતના તમામ મોટા અને મહત્વના સમાચાર

Gujarat News Updates
Published by: OBS Bureau
Last Updated: Jun 26, 2026, 05:13 AM IST

26 June 2026 Gujarat News Updates Live : આજે 23 જૂન 2026ને મંગળવાર. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
20 મિનિટ પહેલા26 જૂન 2026

આજે ગુજરાતના ૯ જિલ્લામાં હળવા વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે

ગુજરાતમાં ચોમાસાના આગમન વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સૌથી વધુ ૧૬ મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ૧ જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે સુરત, નર્મદા, ડાંગ, અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ૯ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૫થી ૨૦ નોટની ઝડપે તેજ પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા છે.

45 મિનિટ પહેલા26 જૂન 2026

ગાંધીનગરમાં નશામાં ધૂત નબીરાઓએ SG હાઈવે પર અકસ્માત સર્જ્યો: પૂરપાટ ઝડપે દોડતી ૪ કાર વચ્ચે ટક્કર, એક કાર સળગી

ગાંધીનગરના સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે પર સરગાસણ બ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે એટલેકે, 25 જૂનને ગુરુવારના રોજ અંદાજે ૧૩૦ કિમીથી વધુની ઝડપે દોડતી ૪ લક્ઝુરિયસ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાં ધૂમ સ્ટાઇલમાં ગાડી ચલાવતા ક્રેટા કારના ચાલકે આગળ જતી મહિન્દ્રા EVને પાછળથી ટક્કર મારી હતી, જે આગળ જતી ઈનોવા સાથે અથડાઈ હતી. આ ભયાનક ટક્કરના કારણે ક્રેટા કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ૪ લોકોને ઈજા થઈ છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

57 મિનિટ પહેલા26 જૂન 2026

જામનગરના બેડીમાં તાજીયા જુલુસ દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો: પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી

જામનગરના બેડી વિસ્તારમાં તાજીયા જુલુસ દરમિયાન અચાનક બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી મચી ગઈ હતી. આ ઘટના દરમિયાન બંને પક્ષો તરફથી ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પથ્થરમારાની આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે બેડી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

58 મિનિટ પહેલા26 જૂન 2026

ગુજરાત સરકારનો વીજ બચત અખતરો: સરકારી કચેરીઓમાં ACનું તાપમાન ૨૪ ડિગ્રી રાખવા અને ઓટોમેશન કંટ્રોલ સિસ્ટમ સ્થાપવા આદેશ

"વીજ બચત એ જ વીજ ઉત્પાદન" ના મંત્ર સાથે ગુજરાત સરકારે ગ્લોબલ વોર્મિંગ અને વધતી વીજ માંગને પહોંચી વળવા તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનો અને જાહેર ઇમારતો માટે એક વ્યાપક ઊર્જા બચત માર્ગદર્શિકા જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં શરૂ કરાયેલા આ ગ્રીન એનર્જી અભિયાનનો હેતુ કામકાજને અસર કર્યા વિના બિનજરૂરી વીજ વપરાશ ઘટાડવાનો છે.

અભિયાનની મુખ્ય માર્ગદર્શિકા અને નિયમો:

  • ફરજિયાત AC સેટિંગ: BEEના નોટિફિકેશન અનુસાર, તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનરનું ડિફોલ્ટ તાપમાન ફરજિયાત ૨૪ ડિગ્રી સેલ્સિયસ રાખવાનું રહેશે.

  • સેન્સર્સ અને ઓટોમેશન: મેન્યુઅલ ભૂલોથી થતો વીજ વ્યય અટકાવવા માટે ઓફિસના કોરિડોર્સ, મીટિંગ રૂમ, પાર્કિંગ અને શૌચાલયોમાં ઓક્યુપન્સી સેન્સર્સ (આપમેળે ચાલુ-બંધ થતી સિસ્ટમ) અને ટાઈમર આધારિત કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવશે.

  • કર્મચારીઓની જવાબદારી: ઓફિસ સમય પછી, વીકેન્ડ કે જાહેર રજાઓમાં તમામ લાઈટ, પંખા, એસી અને કમ્પ્યુટર ફરજિયાત બંધ કરવાના રહેશે. કોઈ અધિકારી રજા કે ફિલ્ડ ડ્યુટી પર હોય તો તેમની ખાલી કેબિનના ઉપકરણો બંધ રાખવાની જવાબદારી કચેરીના વડાની રહેશે.

  • નોડલ અધિકારી અને મોનિટરિંગ: દરેક મોટા વિભાગમાં દેખરેખ માટે 'નોડલ અધિકારી' ની નિમણૂક કરાશે. આ ઉપરાંત, સાંજે ૬ વાગ્યા પછી વોટર કુલર બંધ કરવા અને સવારે ૯ વાગ્યા પછી જ ચાલુ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

પ્રોત્સાહન: ઊર્જા બચતના આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી સરકારી કચેરીને રાજ્ય સરકાર તરફથી ખાસ સન્માનિત કરવામાં આવશે.

04:24 AM26 જૂન 2026

ગુજરાતમાં સીમાંકનથી લોકસભાની બેઠકો 39 અને વિધાનસભાની 273 થવાની શક્યતા

દેશમાં આગામી સીમાંકન (ડિલિમિટેશન) અને મહિલા અનામત કાયદાના અમલીકરણથી ગુજરાતમાં 1975 પછીનો સૌથી મોટો રાજકીય બદલાવ આવી શકે છે. વસ્તીના આધારે રાજ્યમાં લોકસભાની બેઠકો 26થી વધીને 39 કે 40 અને વિધાનસભાની બેઠકો 182થી વધીને 273 થવાની સંભાવના છે. વધુ મતદારો ધરાવતી 10 બેઠકોના ભાગ પડવાથી અમદાવાદ, સુરત અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં બેઠકોની સંખ્યા વધશે. આ સંભવિત ફેરફારોને પગલે રાજ્ય ચૂંટણી પંચ અને કલેક્ટર કચેરીઓમાં વહીવટી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

04:18 AM26 જૂન 2026

અમદાવાદ એરપોર્ટ પર મોટી બેદરકારીની ઘટનામાં તપાસ તેજ: એર ઈન્ડિયા-ઈન્ડિગોના વિમાન સામ-સામે આવવાની ઘટનામાં DGCAએ તપાસ શરૂ કરી

ગુરુવારે અમદાવાદના એરપોર્ટ પર મુંબઈથી આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટે ટેક્સીંગ દરમિયાન ખોટો વળાંક લેતાં, તે સામેથી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટની બિલકુલ નજીક આવી ગઈ હતી. એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ની સમયસરની સતર્કતાને કારણે બંને વિમાનોને ૨૦૦ મીટરના અંતરે રોકી દેવાતાં મોટી હોનારત ટળી હતી. એર ઈન્ડિયાએ પાયલટની આ ભૂલનો સ્વીકાર કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DGCAએ સત્તાવાર તપાસના આદેશ આપ્યા છે અને દેશના તમામ એરપોર્ટ પર ટેક્સીવે ઓપરેશન દરમિયાન વધારાની સાવચેતી રાખવા સૂચના આપી છે.

03:59 AM26 જૂન 2026

મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું: હાઈટેન્શન લાઈનના વિરોધમાં હજારો મહિલાઓ સમર્થનમાં ઉમટી

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેતરોમાંથી ખાનગી કંપનીની હાઈટેન્શન વીજ લાઈન પસાર કરવા સામે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ લડતને મજબૂત કરવા મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો મહિલાઓ ઉપવાસ છાવણીએ પહોંચી હતી અને ખેડૂતો સાથે એકતા દર્શાવી હતી. આંદોલનમાં મહિલાઓની વિશાળ જનમેદની દર્શાવતા ડ્રોન વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અસરગ્રસ્ત ખેડૂતો તેમની જમીન માટે યોગ્ય અને ન્યાયી વળતર મેળવવાની મુખ્ય માંગ સાથે આંદોલન પર અડગ છે, જેમાં હવે મહિલાઓનો પણ જોરદાર ટેકો મળ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now