પાકિસ્તાનના ક્વેટામાં એક આર્મી બેઝ પર હુમલો થયો છે. પૂર્વી ક્વેટામાં ફ્રન્ટિયર કોર્પ્સ ઓફિસ પાસે વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ ફાયરિંગ થયું હતું. આ વિસ્ફોટ મોડેલ ટાઉન અને આસપાસના વિસ્તારોમાં સંભળાયો હતો, જે સંવેદનશીલ માનવામાં આવે છે. વિસ્ફોટથી નજીકના ઘરો અને ઇમારતોની બારીઓના કાચ તૂટી ગયા હતા.
આ હુમલામાં દસ લોકો માર્યા ગયા હતા અને આશરે 19 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટના CCTV ફૂટેજ ફ્રન્ટિયર કોર્પ્સ ઓફિસ પાસેના હોવાનું કહેવાય છે. વિસ્ફોટ પછી ગોળીબાર પણ કેદ થયો હતો.
બલુચિસ્તાનના આરોગ્ય પ્રધાન બખ્ત મુહમ્મદ કાકર અને આરોગ્ય સચિવ મુજીબ-ઉર-રહેમાને સિવિલ હોસ્પિટલ ક્વેટા, બીએમસી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ડોકટરો, ફાર્માસિસ્ટ, નર્સો અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. ઘાયલો અને મૃતકોના મૃતદેહોને ક્વેટા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે
વિસ્ફોટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિસ્ફોટમાંથી ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે.