વેસ્ટ બંગાળમાં મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે ચાલી રહેલા રાજકીય અને કાનૂની વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ વલણ અપનાવ્યું છે. Form-6 મારફતે ઉમેરાયેલા નવા મતદારો અંગે ઉઠેલા સવાલો પર કોર્ટે તરત કોઈ હસ્તક્ષેપ કરવાનું નકાર્યું છે. કોર્ટે તાજેતરમાં મહત્વપૂર્ણ નોંધ લીધી છે અને મૌખિક રીતે કરવામાં આવેલી અરજી (oral plea) સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. Supreme Court of Indiaએ સ્પષ્ટ કર્યું કે કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે યોગ્ય કાનૂની અરજી જરૂરી છે.
શું છે Form-6 વિવાદ
Form-6 એ મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા માટેનો સત્તાવાર ફોર્મ છે. જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત મતદાર બનવા માગે છે અથવા સ્થાન બદલ્યા બાદ નવા મતવિસ્તારમાં નોંધણી કરાવવા માંગે છે, તો તે Form-6 ભરી શકે છે. પરંતુ વેસ્ટ બંગાળમાં SIR પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં Form-6 અરજીઓ દાખલ થવાના આરોપો ઉઠ્યા છે. કેટલાક પક્ષોએ આને “બલ્ક એન્ટ્રી” કહીને ચૂંટણી પર અસર પાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. આશરે 7 લાખ નવા મતદારો Form-6 મારફતે ઉમેરાયા હોવાના દાવા થયા છે, જેને લઈને કોર્ટમાં સવાલ ઉઠાવવામાં આવ્યો.
આ પણ વાંચો: શું વોટ નહીં આપો તો જેલ થશે? : મતદાન ન કરનારાઓ સામે કાર્યવાહીની માંગ પર સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટનું વલણ
સુનાવણી દરમિયાન, અરજદારોના વકીલે દલીલ કરી હતી કે Form-6 દ્વારા મોટા પાયે નવા મતદારો ઉમેરવામાં આવી રહ્યાં છે અને તે અગાઉના કોર્ટના આદેશનો ભંગ છે. પરંતુ ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં આવેલી બેન્ચે કહ્યું કે આ રીતે મૌખિક રજૂઆત સ્વીકારી શકાશે નહીં જો કોઈને નિર્ણય પડકારવો હોય, તો યોગ્ય રીતે અરજી દાખલ કરવી પડશે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે કોર્ટ તાત્કાલિક હસ્તક્ષેપ કરવા તૈયાર નથી, પરંતુ યોગ્ય કાનૂની પ્રક્રિયા દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવે તો તે આ અંગે વિચાર થશે.
અગાઉના આદેશો અને મતદારોના અધિકારો
આ પહેલાં પણ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જે મતદારોને SIR પ્રક્રિયામાં દૂર કરવામાં આવ્યા છે અને જેમની અપીલ પેન્ડિંગ છે તેમને તાત્કાલિક મતાધિકાર આપવો શક્ય નથી. કોર્ટના મતે, જો આવી મંજૂરી આપવામાં આવે, તો અન્ય મતદારોના અધિકારો પર અસર પડી શકે છે. કોર્ટએ ચૂંટણી પંચને અંતિમ પૂરક મતદાર યાદી જાહેર કરવા પણ આદેશ આપ્યો હતો, જેથી ચૂંટણી પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ શકે.
આ પણ વાંચો: નેશનલ હાઈવે પર ગેરકાયદે પાર્કિંગ, અતિક્રમણ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ : આપ્યા કડક નિર્દેશો
ચૂંટણી પર શું પડશે અસર
વેસ્ટ બંગાળમાં મતદાર યાદી સુધારણા મુદ્દો હવે રાજકીય મુદ્દો બની ગયો છે. શાસક પક્ષ અને વિરોધ પક્ષ એકબીજા પર આરોપ મૂકી રહ્યા છે. મોટા પ્રમાણમાં મતદારોના નામ ઉમેરવા અને કાઢવા અંગે સવાલ થઈ રહ્યાં છે. SIR પ્રક્રિયા હવે માત્ર ટેકનિકલ નહીં પરંતુ રાજકીય રીતે પણ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે.
મતદાર નોંધણી અને સુધારણા જેવી પ્રક્રિયાઓ લોકશાહીનો આધાર છે. આવી પરિસ્થિતિમાં કોર્ટના નિર્ણયો અત્યંત મહત્વ ધરાવે છે.





