Home National Supreme Court Rejects Mandatory Voting Plea India 2026

શું વોટ નહીં આપો તો જેલ થશે? : મતદાન ન કરનારાઓ સામે કાર્યવાહીની માંગ પર સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

Supreme Court Decision on Mandatory Voting
Published by: Nirali Gohil
Last Updated: Apr 16, 2026, 11:42 AM IST

Supreme Court Decision on Mandatory Voting: ભારતમાં લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ એટલે ચૂંટણી. ઘણીવાર ચર્ચા થતી હોય છે કે શું મતદાનને ફરજિયાત બનાવી દેવું જોઈએ? આ સવાલનો અંત લાવતા સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે જેમાં મતદાન ન કરનારા નાગરિકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાની અથવા તેમને મળતી સરકારી સુવિધાઓ છીનવી લેવાની માંગ કરવામાં આવી હતી.

મતદાન એ અધિકાર છે, મજબૂરી નહીં: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ભારત એક એવો લોકશાહી દેશ છે જ્યાં છેલ્લા 75 વર્ષથી લોકોના વિવેકબુદ્ધિ અને વિશ્વાસ પર લોકશાહી ટકેલી છે. કોર્ટે અવલોકન કર્યું કે કોઈને મતદાન કરવા માટે મજબૂર કરી શકાય નહીં. જો કોઈ વ્યક્તિ મતદાન મથક સુધી નથી જતી, તો શું તેની ધરપકડ કરવી જોઈએ? આવો કોઈ પણ આદેશ કાયદાના શાસન અને વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ હશે.

સરકારી સુવિધાઓ બંધ કરવાના પ્રસ્તાવ પર CJI નો વેધક પ્રશ્ન

અરજદાર અજય ગોયલના વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જે લોકો મતદાનની પ્રક્રિયામાં ભાગ નથી લેતા તેમને મળતી મફત સુવિધાઓ અથવા સરકારી યોજનાઓનો લાભ બંધ કરી દેવો જોઈએ. આ દલીલના જવાબમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે હળવાશથી છતાં ગંભીરતાથી વળતો સવાલ પૂછ્યો કે, ‘શું આપણે એવા લોકોની ધરપકડનો આદેશ આપવો જોઈએ?’ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે દંડાત્મક જોગવાઈઓ લાગુ કરવી એ ધારાસભા અને સરકારનું કામ છે, ન્યાયતંત્રનું નહીં.

આ પણ વાંચો: લખનૌ બાદ ગાઝિયાબાદમાં લાગી ભીષણ આગ : 200થી વધુ ઝૂંપડાં બળીને ખાખ, કાળાં ધુમાડાથી આખું આકાશ ભરાયું

ગરીબોની રોજીરોટીનું શું? માનવીય પાસા પર કોર્ટનું ધ્યાન

સુનાવણી દરમિયાન કોર્ટે એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું કે, “ધારો કે કોઈ ગરીબ વ્યક્તિ છે જેણે તે દિવસે કામ પર જઈને પોતાની રોજીરોટી કમાવવાની છે, જો તે મત આપવા નથી જતો તો શું આપણે તેને સજા કરી શકીએ?” આ પાસા દ્વારા કોર્ટે સમજાવ્યું કે ભારત જેવા વિશાળ દેશમાં દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ હોય છે અને લોકશાહીમાં સ્વેચ્છિક મતદાનનું જ મહત્વ છે.

ભારતમાં શું છે કાયદો?

વર્તમાન કાયદા મુજબ, ભારતમાં મતદાન કરવું એ એક 'બંધારણીય અધિકાર' છે, 'કાનૂની ફરજ' નથી. ચૂંટણી પંચ હંમેશા વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ અભિયાન ચલાવે છે, પરંતુ મત ન આપવા બદલ કોઈ પણ નાગરિક વિરુદ્ધ એફઆઈઆર (FIR) કે દંડ કરી શકાતો નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે વધુ દખલ કરવાનો ઇનકાર કરી અરજદારને યોગ્ય સત્તાધિકારી પાસે રજૂઆત કરવાની છૂટ આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now