ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ગુરુવારે બપોરે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન હેઠળ આવતા કનવાણી ગામના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં અંદાજે 200થી વધુ ઝૂંપડાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના લપેટા અને કાળો ધુમાડો લગભગ 10 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતો હતો, જેના કારણે આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
સિલિન્ડર બ્લાસ્ટ અને જ્વલનશીલ પદાર્થોએ આગમાં ઘી હોમ્યું
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે આગ લાગી ત્યારે એક પછી એક અનેક એલપીજી (LPG) સિલિન્ડરના ધડાકા થયા હતા, જેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. ઝૂંપડાઓમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, લાકડું અને અન્ય ભંગારનો સામાન હોવાને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. જોતજોતામાં આખું મેદાન આગનો દરિયો બની ગયું હતું અને આસપાસનો વિસ્તાર ઘટ્ટ ધુમાડામાં ગરકાવ થઈ ગયો હતો, જેનાથી સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.
22થી વધુ ફાયર ટેન્ડરો દ્વારા ભારે જહેમત
આગની જાણ થતા જ પહેલા સ્થાનિક પોલીસ અને 8 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આગ બેકાબૂ બનતા નોઈડાથી પણ વધારાની ગાડીઓ બોલાવવી પડી હતી. કુલ 22 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય આગને નજીકના રહેણાંક વિસ્તારોમાં ફેલાતી અટકાવવાનો હતો, જેમાં તેઓ સફળ રહ્યા હતા.
આ પણ વાંચો: Lucknow માં ભીષણ આગનો કહેર : 250થી વધુ ઝૂંપડાઓ ખાખ, સિલિન્ડર વિસ્ફોટોથી આખું શહેર ધ્રુજ્યું
250થી વધુ લોકો પાયમાલ: બાળકો ગુમ હોવાની આશંકા
આ દુર્ઘટનામાં 200થી 250 જેટલા લોકો અસરગ્રસ્ત થયા છે. ગરીબ પરિવારોના ઘરવખરીનો તમામ સામાન રાખમાં ફેરવાઈ ગયો છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાનહાનિના સમાચાર નથી, પરંતુ સ્થાનિકોમાં ચર્ચા છે કે અડધો ડઝન જેટલા બાળકો ગુમ છે. જોકે, વહીવટીતંત્રે આ બાબતે કોઈ પુષ્ટિ કરી નથી અને જણાવ્યું છે કે સર્વે બાદ જ સાચી સ્થિતિ સ્પષ્ટ થશે. સાવચેતીના ભાગરૂપે એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે અને નજીકની હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.
આગનું કારણ શું? તપાસ શરૂ
પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવે છે કે રસોઈ બનાવતી વખતે લાગેલી આગ સિલિન્ડર ફાટવાને કારણે વિકરાળ બની હતી. તો બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે આગ સૌપ્રથમ ભંગારના ગોડાઉનમાં લાગી હતી અને ત્યારબાદ ઝૂંપડાઓમાં ફેલાઈ હતી. ગાઝિયાબાદના ડીસીપી ધવલ જયસ્વાલે જણાવ્યું હતું કે હાલ આગ કાબૂમાં છે અને કુલિંગ ઓપરેશન ચાલુ છે. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન (કોમ્બિંગ) હાથ ધરવામાં આવશે.





